કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દશા અને દિશા

જાપાનનો રાજવંશ સૌથી લાંબો ચાલેલો રાજવી પરિવાર છે તેવા સમાચાર થોડા વખત પહેલાં આપણે સાંભળ્યા હતા, કેમ કે વયોવૃદ્ધ રાજવીએ નિવૃત્ત થવાનું નક્કી કર્યું અને વારસો પુત્રને આપવાનું નક્કી કર્યું. છે લોકશાહી જાપાનમાં પણ બંધારણીય રાજાશાહી જાળવી રખાઈ છે. પરંતુ રાજકારણમાં તે વંશ પડતો નથી. ભારતના રાજકારણમાં એકથી વધારે વંશ ચાલી રહ્યા છે અને આ વખતની ચૂંટણીમાં એકથી વધુ વંશના વારસદારો હાર્યા છે. તેની વાત આગળ, પણ સૌથી પહેલાં ગાંધીવંશની વાત, કેમ કે તેનો વારસદાર પણ હાર્યો છે.

દુનિયાના લોકતંત્રમાં સૌથી લાંબા ચાલેલા રાજવંશ તરીકે નહેરુ-ગાંધી પરિવારની ગણતરી થશે, પણ સૃષ્ટિનો નિયમ છે કે ઉદય તેનો અસ્ત, આરંભ તેનો અંત. તો ભારતના રાજકીય વંશવારસાના અંતની પણ શરૂઆત થઈ ગઈ છે ખરી? આ સવાલનો આંશિક જવાબ શનિવારે કોંગ્રેસ કારોબારીની બેઠક મળે તેનો શું નિષ્કર્ષ નીકળે છે તેના પરથી મળશે. રાબેતા મુજબ રાહુલા ગાંધી રાજીનામું આપશે અને સૌ કોઈ લાગણીભીના થઈને ના, ના, કહીને રાજીનામું અસ્વીકાર્ય કહેશે. કહેશે તમારા વિના અમારો ઉદ્ધાર નથી. વાત સાવ ખોટી નથી. કોંગ્રેસી નેતાઓ પક્ષમાં ઇન્દિરા યુગ પછી એટલા પાંગળા થઈ ગયા છે, નહેરુ-ગાંધી પરિવાર વિના તેઓ નોંધારા છે.

2012ની ચૂંટણી વખતે ગુજરાતમાં કોંગ્રેસનું સૂત્ર હતું, દિશા બદલીએ, દશા બદલીએ. સૂત્ર સારું હતું, પણ પરિણામોમાં દિશા બદલાઈ નહોતી અને કોંગ્રેસની દશા ઉલટાની વધારે ખરાબ થઈ હતી. 2014માં તે ચરમસીમાએ હશે તેવું માનતા હતા, પણ 2019માં સ્થિતિમાં ફેર ના પડ્યો. 44થી બેઠકો 52 થઈ તે ખુશ થવા જેવી વાત નથી. બેઠકો વધી તે કેરળ અને તામિલનાડુમાં વધી છે, ભાજપની સામે નથી વધી. સૌથી મોટો આંચકો રાહુલ ગાંધી પોતે અમેઠીમાં હારી ગયા તે ગણાય. ગત વખતે એક લાખ મતો ઓછા થયા હતા ત્યારે જ ચેતવણીનું ચિહ્ન મળ્યું હતું. શું દશા આગળ થઈ શકે છે તેનો અંદાજ તેના પરથી મેળવીને દિશા નક્કી કરવાની જરૂર હતી. પણ દશા પારખી શકાય નથી અને દિશા નક્કી થઈ શકી નથી.

હવે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ દિશા નક્કી કરવાની છે. રાજીનામું આપશે, પણ અસ્વીકાર્ય બનશે તેવું સ્પષ્ટ લાગે છે. સિવાય કે કોઈ ચમત્કાર થાય. પ્રિયંકા ગાંધીનું વલણ રાહુલ ગાંધીને સમર્થન આપવાનું રહ્યું છે. સમય વીતવા સાથે ભાઈબહેન વચ્ચે ઘર્ષણ માટેનું ચિત્ર ઊભું કરવાની કોશિશ થશે. ચિત્ર ઉપરાંત પ્રયાસો પણ થાય. કોંગ્રેસમાંથી પણ થાય તો નવાઈ ના કહેવાય. દાખલા તરીકે સાથી પક્ષ એનસીપીના એક નેતાએ અમેઠીની હારને બહાનું બતાવીને રાહુલ ગાંધી ના ચાલે તેવું સ્પષ્ટ કહ્યું હતું. એનસીપી જેવા પક્ષના નેતાઓ, જે મૂળ કોંગ્રેસીઓ છે, તેમનું સપનું હોઈ શકે કે ગાંધી માઈનસ કોંગ્રેસ હોય.

પણ તેવું શક્ય છે ખરું? ભૂતકાળમાં તેના માટેના પ્રયત્નો થયા છે. ભૂતકાળમાં એટલે માત્ર એનસીપી જૂદું પડ્યું તે વખતના જ નહિ. ભૂતકાળમાં એટલે 1967માં પણ પ્રયાસો થયા હતા. નવા જમાનાના વાચકોએ સિન્ડિકેટ અને ઇન્ડિકેટ એવા શબ્દો ક્યારેક સાંભળ્યા હશે. સિન્ડિકેટનો મતલબ એવો કે એક જૂથ કોંગ્રેસમાં એવું ઊભું થયું હતું, જે ઇન્દિરા ગાંધીને સત્તાસ્થાને આવવા દેવા માગતું નહોતું. જવાહરલાલ નહેરુના અવસાન પછી લાલબહાદુર શાસ્ત્રીને પસંદગી વખતે બહુ વિવાદ નહોતો થયો. ઇન્દિરાનું વર્ચસ્વ હજી જામ્યું નહોતું કે તેમનું કોઈ જૂથ બન્યું નહોતું. બીજું સ્પર્ધા મોરારજી દેસાઈ અને શાસ્ત્રી વચ્ચે હતી. મોરારજીભાઈ શક્તિશાળી નેતા હતા, પરંતુ તેમની સામે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના કોંગ્રેસના દિગ્ગજો એક થઈ ગયા હતા. કે. કામરાજે મોરારજી દેસાઈ જેવા નેતાઓને નબળા પાડવા માટે જ કામરાજ યોજના બનાવી હતી. તેમાં સરકારમાંથી પ્રધાનો રાજીનામાં આપે અને કોંગ્રેસ સંગઠને મજબૂત કરવા કામ કરે તેવી યોજના હતી. તેની પાછળની દાનત મોરારજી દેસાઈ તથા કેટલાક રાજ્યોના મુખ્ય પ્રધાનો અને કેન્દ્રના મહત્ત્વના પ્રધાનોને સત્તાસ્થાનેથી દૂર કરીને, જનતાની નજરથી હટાવીને નબળા પાડવાનો હતો. (કોંગ્રેસ એ જમાનામાં સંગઠન મજબૂત કરવાનું વિચારવા લાગી હતી, તેની કલ્પના કરો. આજ સુધી સંગઠન મજબૂત થઈ શક્યું નથી અને સામી બાજુ ભાજપનું સંગઠન જ વધારે મજબૂત થતું ગયું.) શાસ્ત્રી વડાપ્રધાન બની શક્યા અને પાકિસ્તાન સામેનું યુદ્ધ તથા સાથે જ હરિયાળી ક્રાંતિને કારણે ટૂંક સમયમાં લોકપ્રિય પણ બન્યા હતા. કમનસીબે રશિયામાં તેઓ પાકિસ્તાન સાથે કરાર કરવા ગયા અને ત્યાં જ તેમનું અવસાન થયું. શાસ્ત્રી વધારે લાંબો સમય વડાપ્રધાન તરીકે રહ્યા હોત તો શું ઇન્દિરા ગાંધી આગળ વધી શક્યા હોત? ઇન્દિરા ગાંધીની મહત્ત્વાકાંક્ષાઓ અજાણી નહોતી. તેમણે શાસ્ત્રી સામે શું કર્યું હોત તેની કલ્પના જ કરવાની રહે છે.

સ્થિતિએ પલટો લીધો અને ફરી એકવાર મોરારજી દેસાઈ સ્પર્ધામાં હતા, પણ ઇન્દિરા ગાંધી સામે હાર્યા. ફરી એકવાર કેટલાક નેતાઓએ મોરારજીને અટકાવવા માટે જ ઇન્દિરાને આગળ કર્યા. ખુદ આગળ થઈ શકે તેમ નહોતા, તેથી નહેરુના વારસાને નામે ઇન્દિરાને આગળ કર્યા અને રાજકીય વંશની શરૂઆત થઈ હતી. તે વખતે પણ આખરે કોંગ્રેસના ભાગલા પડ્યા. મોરારજી જૂથનો દાવો હતો કે અસલી કોંગ્રેસ તેમની છે એથી તે સંસ્થા કોંગ્રેસ કહેવાઈ. સામી બાજુએ ઇન્દિરા ગાંધીના ટેકેદારોની સંખ્યા વધારે હતી અને તેમની કોંગ્રેસને ઇન્દિરા કોંગ્રેસ કહેવાય. સિન્ડિકેટ સામે ઇન્દિરાના ટેકેદારોની ઇન્ડિકેટ બની હતી, તેમનો આંતરિક રીતે અને બાદમાં 1971ની ચૂંટણીમાં પણ વિજય થયો. સંસ્થા કોંગ્રેસ અલગ પક્ષ તરીકે બહુ વિકસી શકી નહિ. જોકે કોંગ્રેસમાં ભંગાણની શરૂઆત થઈ ગઈ હતી અને તેમાંથી પ્રાદેશિક પક્ષો બનવા લાગ્યા હતા. પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસનો ટુકડો મોટો થયો નહિ.

કોંગ્રેસમાં બીજું ભંગાણ રાજીવ ગાંધીના સમયમાં આવ્યું. અપાર લોકપ્રિયતા રાજીવ ગાંધીએ ગુમાવી અને તેમના જ નીકટના સાથીઓ અને સગા પણ (અરુણ નહેરુ) અલગ પડ્યા. વી. પી. સિંહે અલગ મોરચો માંડ્યો અને બોફર્સનો મુદ્દો ચગાવીને કોંગ્રેસને હરાવી. જોકે સ્વંય સત્તાસ્થાને બેસી શકે તેમ નહોતા એટલે નેશનલ ફ્રન્ટની સરકાર ભાજપના ટેકે બનાવી હતી. ટેકો લાંબો ચાલ્યો નહિ અને વી. પી. સિંહની સરકારનો અને તેમના જૂથનો અંત આવી ગયો.
કોંગ્રેસનો ત્રીજો ટુકડો નરસિંહરાવે સત્તા ગુમાવી અને ભાજપની આગેવાનીમાં એનડીએની સરકાર બની તે પછી થયો. નરસિંહ રાવ વખતે જ સોનિયા ગાંધીનું મહત્ત્વ ધીમે ધીમે ઓછું કરવાની શરૂઆત થઈ હતી. નરસિંહ રાવ ફરી એકવાર કોંગ્રેસને જીતાડી શક્યા હોત તો કદાચ ચિત્ર જૂદું ઊભું થયું હોત. પરંતુ તેમની સામે પણ બીજા કોંગ્રેસી નેતાઓની મહત્ત્વાકાંક્ષાઓ હતી. અર્જુનસિંહ, એન. ડી. તિવારી, શરદ પવાર, રાજેશ પાઇલટ, માધવરાવ સિંધિયા, તારિક અનવર, સંગમા, પ્રણવ મુખરજી, જીતેન્દ્ર પ્રસાદ જેવા નેતાઓ કોંગ્રેસ પર કબજો કરવા માટે કોશિશ કરી રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓનો આ ક્લાસિક કલહ ફરી એકવાર ગાંધી પરિવારને કેન્દ્ર સ્થાને લાવવામાં નિમિત્ત બન્યો હતો. હકીકતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે કાયમી કલહ હોય છે અને તેઓ સૌ સંપીને ગાંધી પરિવારને કેન્દ્રમાં રાખે છે. સૌને આશા હોય છે કે કેન્દ્ર સાથે પોતાનું સંધાન થયું તો તરી જઈશું. પોતાની તાકાત પર કોઈને ભરોસો હોતો નથી, ગાંધી અટકનો સહારો લેવો પડે છે. આ મજબૂરી જ રાજકીય વંશને ટકાવી રહી છે.

ફરી એકવાર સોનિયા ગાંધીએ સીતારામ કેસરીને હટાવીને પક્ષના સંગઠનનો કબજો લીધો. નેતાઓને લાગ્યું કે સમગ્ર પક્ષ પોતાના હાથમાં નહિ આવે એટલે ભાગલા પડ્યા. શરદ પવારની આગેવાનીમાં સોનિયા ગાંધીના ઇટાલિયન હોવાના મુદ્દે જ અલગ ચોકો માંડવામાં આવ્યો. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી) બન્યો. મહારાષ્ટ્રમાં સરકાર પણ બની, છત્તીસગઢ, બિહાર અને મેઘાયલમાં થોડા મતો પણ મળ્યા, પણ આખરે એનસીપી માત્ર મહારાષ્ટ્રનો જ નબળો પક્ષ બનીને રહી ગયો. 2014માં અલગ લડ્યા તેના કારણે કેન્દ્રમાં પણ સત્તા ગઈ અને રાજ્યમાં પણ સત્તા ગઈ. આ વખતે સાથે મળીને લડ્યા, તોય એક બેઠક ગુમાવી અને ઔવૈસીનો પક્ષ એક બેઠક પડાવી ગયો.  રાહુલ ગાંધીના રાજીનામાનો મોટા ભાગે ઇનકાર કરાશે અને ફરીથી પક્ષને બેઠો કરવા માટે પ્રયાસો શરૂ થશે. અડધો ડઝન રાજ્યોમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. તેના માટે કામે લાગી જવાની હાકલ થશે. આ રાજ્યોમાં પ્રચારની વધારાની જવાબદારી કદાચ પ્રિયંકા ગાંધીને સોંપાશે.

રાહુલ ગાંધી પછી પ્રિયંકા ગાંધી પર પક્ષના કાર્યકરો આશા રાખીને બેસશે. રાજ્યોની એ ચૂંટણીના પરિણામો પરથી પ્રિયંકા ગાંધીની પણ એક હદે ચકાસણી થશે. ત્યારબાદ પણ આ જ પ્રક્રિયા ચાલશે. રાજીનામાની ઓફર થશે, નકારી દેવાશે અને વધુ એકવાર ઉત્તર પ્રદેશની ચૂંટણી માટેની તૈયારીઓ થશે. ત્રણેક વર્ષ પછી ઉત્તર પ્રદેશની ચૂંટણી પણ ફરી એકવાર કોંગ્રેસને હાર મળશે ત્યારે પ્રિયંકા ગાંધીના નેતૃત્ત્વ સામે પણ સવાલો ઊભા થયા હશે. સરપ્રાઇઝ પરિણામો આવે અને ભાઈબહેનનું નેતૃત્ત્વ ટકી જાય તો પછીની લડાઈ 2022ની હશે, પણ પરિણામો ખરાબ આવ્યા ત્યારે શું થશે તે વિચારવાનું રહેશે. અર્થાત ત્રણેક વર્ષ કોંગ્રેસની દિશા અને દશામાં કોઈ મોટા ફેરફારોને અવકાશ લાગતો નથી, પણ ત્રણેક વર્ષ બાદ ફરી એકવાર એ જ ચર્ચા આવશે, ગાંધી પરિવાર વિનાનો કોંગ્રેસ… પણ તે વખતેય એક જૂથ એવું હશે જે સામેના જૂથને ફાવવા દેશે નહિ. હરિફ જૂથ પરિવારનું પૂછડું પકડીને વૈતરણી તરી જવા ઇચ્છશે. તેથી પરિવાર વિના અકબંધ કોંગ્રેસના બદલે કોંગ્રેસના વધુ એક ભાગલાની સ્થિતિ જ હશે. પણ બહુ નાનકડા હિસ્સાના પણ ભાગલા થશે ત્યારે ટુકડા કેવા હશે?