રૂઢિચૂસ્ત હિન્દુત્વ કોંગ્રેસને કેરળમાં ફળ્યું!

બરીમાલાનો મુદ્દો હાથ લાગ્યો ત્યારે કેરળના ભાજપના નેતાઓ ખુશ થઈ ગયાં હતાં. રૂઢિચુસ્તો મંડાઈ પડ્યાં હતાં કે મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવા દઈશું નહીં. મહિલાઓને અપવિત્ર ગણવાની મધ્યયુગીય માનસિકતા ધરાવતાં આ નેતાઓને હતું કે સ્ત્રીઓના પ્રવેશની આડે ઊભા રહીને તેઓ લોકસભામાં પ્રવેશ મેળવી લેશે. લોકસભાની ચૂંટણીમાં સબરીમાલાની સંકુચિત માનસિકતા કામ લાગી જશે તેવી ભાજપના નેતાઓની ખુશી પર પરિણામોએ પાણી ફેરવી દીધું.
ભાજપના કેરળના રૂઢિચુસ્તોને વધારે આઘાત એટલા માટે લાગ્યો છે કે સબરીમાલાના મુદ્દે ચાલેલા રૂઢિચુસ્ત હિન્દુત્વનો મુદ્દો કોંગ્રેસને ફળી ગયો છે. બધા જ ધોવાઈ ગયાં – ડાબેરીઓ પણ ધોવાઈ ગયાં અને માત્ર એક જ બેઠક ડાબેરીને મળી. બધી જ બેઠકો કોંગ્રેસ અને તેના સાથી પક્ષો જીતી ગયાં. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ધારી સફળતા મળી. ગુજરાતની હિન્દુત્વની લેબોરેટરીમાં તૈયાર થયેલું રસાયણ પશ્ચિમ બંગાળમાં બરાબર કામ આવ્યું. 26 ટકા મુસ્લિમ વસતિ ધરાવતા રાજ્યમાં મમતા બેનરજીએ લઘુમતી તુષ્ટિકરણ માટેના એક્સ્ટ્રા પ્રયાસો કર્યા અને તેના કારણે ભાજપને એક્સ્ટ્રા ફાયદો થઈ ગયો. ડાબેરી સામે અપનાવેલો હિંસાનો માર્ગ પણ અપનાવ્યો, પણ હિંસાના મામલે પણ ભાજપ પહોંચી વળ્યો. આસપાસના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં કાર્યકરોને પશ્ચિમ બંગાળમાં પહોંચાડવામાં આવ્યાં હતાં.

પરંતુ કેરળમાં આ રસાયણ ના ચાલ્યું. તેનું કારણ એ કે રસાયણ કોંગ્રેસે પણ અપનાવ્યું અને તેનો પ્રયોગ વધારે સફળ રહ્યો. સબરીમાલાનો ચૂકાદો આવ્યો ત્યારે પ્રથમ બધા પક્ષે સુપ્રીમ કોર્ટનું માન જાળવવા હા એ હા કરી. ધીમે ધીમે તેનો વિરોધ શરૂ થયો. ભાજપ પ્રેરિત જમણેરી તત્ત્વો રસ્તા પર ઉતરી આવ્યાં. અમારી છાતી પરથી જ સ્ત્રીઓ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરી શકશે તેવી ખુલ્લેઆમ ધમકીઓ અપાઈ. સુપ્રીમ કોર્ટના ચૂકાદા છતાં રજસ્વલા સ્ત્રીઓ માટે સબરીમાલાના ગર્ભગૃહમાં પ્રવેશ કરવો મુશ્કેલ બન્યો. ડાબેરી મોરચાની સરકારે લોકવિરોધ જોઈને ચૂકાદાના અમલ માટે ખાસ ઉત્સાહ દાખવ્યો નહોતો.

દરમિયાન સ્થાનિક કોંગ્રેસના નેતાઓને પણ લાગ્યું કે આ મુદ્દે વિરોધ કરવો જરૂરી છે. કોંગ્રેસનો વિશાળ ટેકેદાર વર્ગ પણ ઇચ્છતો હતો કે પ્રાચીન પરંપરા જાળવવી જોઈએ. તેના કારણે કોંગ્રેસના કાર્યકરો પણ વિરોધમાં આવી ગયાં હતાં. કેટલીક મહિલાઓએ છૂપી રીતે મંદિરમાં પ્રવેશ મેળવ્યો ખરો, પણ જાહેરમાં કોઈને પ્રવેશ કરવા દેવાયો નહોતો. આ આંદોલનની અસર લોકસભાની ચૂંટણીમાં શું થશે તેની સૌને આતુરતા હતી. ભાજપ ખુશ હતો, કેમ કે તેના માટે કેરળમાં ખાતું ખોલાવાની તક હતી. ભાજપના કેરળના પ્રદેશ પ્રમુખ પી. એસ. શ્રીધરન પિલ્લઈએ કહ્યું પણ હતું કે સબરીમાલાનો મુદ્દો ભાજપ માટે સુવર્ણ તક લઈને આવ્યો છે. ભાજપની ગણતરી હતી કે ત્રણ બેઠકો જીતીને જોરદાર રીતે ખાતું ખોલાવી શકાશે. 23 તારીખે પરિણામો આવ્યાં ત્યારે 20માંથી 15 કોંગ્રેસને મળી. સાથી પક્ષોમાંથી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગને બે, કેરળ કોંગ્રેસ અને રેવૉલ્યૂશનરી સોશિયાલિસ્ટ પાર્ટીને એક એક બેઠક મળી ગઈ. વધેલી એક બેઠક સીપીએમને મળી. કોંગ્રેસની આગેવાની હેઠળના લોકતાંત્રિક મોરચાને 47.2 ટકા મતો મળ્યાં અને નવ બેઠકો પર એક લાખથી વધારેની લીડ પણ મળી. ડાબેરી લોકતાંત્રિક મોરચાને 35.1 ટકા મતો અને એક જ બેઠક મળી. જોકે ભાજપને પણ ફાયદો થયો જ.

2014માં ભાજપને માત્ર 10.8 ટકા મતો મળ્યાં હતાં, તે વધીને આ વખતે 15.5 ટકા થઈ ગયા. જોકે એ યાદ રાખવું રહ્યું કે વચ્ચે 2016માં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ભાજપનો એક ધારાસભ્ય જીત્યો પણ હતો અને મતો મળ્યાં હતાં 14.9 ટકા. અર્થાત સબરીમાલાના આંદોલનને કારણે માત્ર અડધો ટકો જ મતો વધ્યાં.
કુમારન શેખરન તિરુવનંતપુરમમાં જીતી જશે તેવી શક્યતા હતી. તેવો બીજા નંબર આવ્યાં અને તેની સામે કોંગ્રેસના જાણીતા નેતા શશી થરૂર માત્ર 99,989 મતોથી જીતી શક્યાં. રાજશેખરને 31.3 ટકા મતો મળ્યાં. આ સિવાયના ભાજપના બીજા ઉમેદવારો બીજા નંબરે પણ નથી આવી શક્યા. ત્રીજા નંબરે જ રહ્યા. તિરુવનંતપુરમ બેઠક પર ભાજપને આશા હતી, કેમ કે 2014માં આ જ બેઠક પર ઓ. રાજગોપાલન પણ બીજા નંબરે રહ્યા હતા અને 32 ટકા કરતાં વધુ મતો લઈ ગયા હતા. બાદમાં 2016માં તેઓ વિધાનસભામાં જીત્યાં અને આ વખતે તિરુવનંતપુરમ પરથી લડ્યાં નહોતા.

આ સિવાયની ચાર બેઠકો પર ભાજપ 25 ટકાથી વધુ મતો મેળવી શક્યો છે, એટલે ફાયદો નથી થયો એવું નથી, પણ સબરીમાલાના મુદ્દે હિન્દુઓ જાગ્યાં અને મતો કોંગ્રેસને આપ્યાં તેવું તારણ કાઢવામાં આવી રહ્યું છે. ડાબેરી મોરચાની સરકારે પ્રારંભમાં સ્ત્રીઓ મંદિર પ્રવેશ ન કરે તે માટે કાળજી રાખી હતી, પણ બાદમાં પોલીસની મદદથી ખાનગીમાં કેટલીક મહિલાઓને પ્રવેશ અપાવ્યો હતો. આ મુદ્દે ડાબેરીઓ સામે રોષ હતો. કેરળમાં તૈયાર થઈ રહેલી હિન્દુ વૉટબેન્ક ડાબેરીઓને હરાવવા માગતી હતી, પણ તેમને લાગ્યું કે ડાબેરીઓને હરાવવા માટે વધારે મજબૂત કોંગ્રેસ છે. તેથી ભાજપને ખાસ ફાયદો ન થયો, પણ ડાબેરીને હરાવવા માટે કોંગ્રેસને મતો પડ્યાં.સુપ્રીમ કોર્ટનો ચૂકાદો હોવાથી ડાબેરી સરકારે જણાવવું પડ્યું હતું કે તેઓ સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ અપાવવા માટે કોશિશ કરશે. બીજી બાજુ કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું હતું કે પ્રાચીન પરંપરા જાળવી રાખવી જોઈએ. ભાજપની જેમ જ કોંગ્રેસના નેતાઓએ પણ કેરળમાં સબરીમાલાની પરંપરા જાળવી રાખવાની તરફેણ કરી હતી. કોંગ્રેસનું સોફ્ટ હિન્દુત્વ ગુજરાત, કર્ણાટક, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કેટલેક અંશે ચાલ્યું હતું. કેરળમાં વધારે ખુલ્લી રીતે રૂઢિચુસ્ત હિન્દુત્વ કોંગ્રેસે અપનાવ્યું અને ચૂંટણીમાં જોરદાર ફાયદો થઈ ગયો. ભાજપના બદલે ફાયદો કોંગ્રેસને મળ્યો.જોકે એ સવાલ ઊભો રહેવાનો જ કે સંકુચિત હિન્દુત્વ કોંગ્રેસને કેટલી હદે ફળી શકે. એ યાદ રાખવું જરૂરી છે કે કેરળમાં ડાબેરી મોરચાની સરકાર હતી. ભાજપ કરતાં સ્પર્ધા ડાબેરીઓ સામે વધારે હતી. સીધી લડાઈ ભાજપ સામે હોત તો કદાચ હિન્દુત્વના મુદ્દા કોંગ્રેસ ફાવ્યો ન પણ હોત. જોકે પાંચ રાજ્યોમાં સોફ્ટ હિન્દુત્વથી કોંગ્રેસનું નુકસાન ખાળી શકાયું હતું.આ વખતે લોકસભામાં પણ મંદિર દર્શન, હોમહવન માટે કોંગ્રેસે પ્રયાસો કર્યા હતા. પણ લાગે છે કે ભાજપ સામે હિન્દુત્વના મુદ્દે સ્પર્ધા કરવી કોંગ્રેસ માટે મુશ્કેલ છે. કોંગ્રેસે કેરળની જેમ વધારે ચુસ્ત હિન્દુત્વ તરફ વળવું પડે તો જ કદાચ ફાયદો થાય. કોંગ્રેસમાં એવી હિંમત છે ખરી કે સમાન નાગરિક ધારાનો મુદ્દો અપનાવીને તેના માટે જોરશોરથી પ્રચાર કરે? પોતે સૌને સમાન ગણે છે અને તુષ્ટિકરણના રાજકારણમાં હવે નવા જમાના પ્રમાણે નથી માનતી એવો મેસેજ આપવા માટે કોંગ્રેસ પાસે આ હુકમનું પત્તું છે. જોકે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને હુકમના પત્તાં માત્ર નેતાગીરીમાં દેખાતા રહ્યાં છે એટલે મૂળભૂત નીતિગત પરિર્વતન કેટલા અંશે થાય તે સવાલ છે. હાલમાં તો નેતાગીરીના મુદ્દે પણ સવાલ ઊભો થયો છે. રાહુલ ગાંધીને પ્રમુખપદ છોડી દેવાની મક્કમતા – આ લખાય છે ત્યાં સુધી – દાખવી છે. સાથે જ પક્ષ કરતાં પોતાના પુત્રોને જીતાડવા માગતાં અને તે રીતે પક્ષને નબળો પાડનારા ગહેલોત, નાથ અને ચિદંબરમ સામે બળાપો કાઢ્યો છે. પણ શું આ નેતાઓને પણ હટાવીને, કેરળની જેમ લોકમાનસમાં ચાલતા મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરીને કોંગ્રેસ દિશા અને દશા બદલી શકે? રાબેતા મુજબનો જવાબ – સમય જ આપશે.