વિરોધપક્ષવાળાઓને બાબા રામદેવની સલાહ

માનસિક તાણને દૂર કરવા માટે સામાન્ય લોકો તો કોઈ પણ રીત અજમાવી શકે છે, પણ દેશના વિરોધ પક્ષોનાં નેતાઓને તો માત્ર પ્રાણાયામ (ઊંડા શ્વાસ લેવાની ક્રિયા)થી જ ફાયદો થઈ શકશે અને તે પણ ઘણા લાંબા સમય સુધી કરતા રહેવું પડશે, એવું જાણીતા યોગ ગુરુ બાબા રામદેવનું કહેવું છે.

રામદેવ ભલામણ હંમેશાં ભલામણ કરતાં હોય છે કે તાણને દૂર કરવા માટે પ્રાણાયમ કરો, જેને તેમણે ‘અનુલોમ… વિલોમ’ નામ આપ્યું છે. એટલે કે ઊંડો શ્વાસ લેવાનો અને ઝડપથી બહાર કાઢવાનો. આવું 60 સેકંડમાં શક્ય એટલી વધારે વાર કરવું.

પરંતુ, વિરોધ પક્ષના નેતાઓએ તો આ પ્રમાણે હવે 15 વર્ષ સુધી કરતા રહેવું પડશે, કારણ કે, વિરોધ પક્ષોએ હવે લાંબા સમય સુધી વિપક્ષમાં જ બેસવાનું રહેવાનું છે, એવું રામદેવનું માનવું છે.

‘મને લાગે છે કે વિપક્ષી નેતાઓએ હવે 15 વર્ષ સુધી કપાલભાતી અને અનુલોમ વિલોમ કરતા રહેવું પડશે. આ એકમાત્ર રીતે તેઓ એમની માનસિક તાણને અંકુશમાં રાખી શકશે,’ એવું રામદેવ કહે છે.

નાકના બંને નસકોરાથી વારાફરતી ઊંડા શ્વાસ લેવાની અને બહાર કાઢવાની ક્રિયા માનસિક તાણને ચોક્કસપણે દૂર કરે છે. રામદેવની પદ્ધતિને બોલીવૂડના સિતારાઓ, વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓ સહિત લાખો લોકો અનુસરે છે.

હાલની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના મેજિક સામે વિરોધ પક્ષોનો જે રીતે સફાયો થઈ ગયો છે એ જોતાં એવું કોઈ પણ માને કે વિરોધ પક્ષોવાળાઓ માનસિક તાણમાં, ગુસ્સામાં હશે.

રામદેવની સલાહ છે કે આ ગુસ્સો એમણે ઉતારી દેવાની જરૂર છે અને અનુલોમ વિલોમ કરવાની જરૂર છે, કારણ કે એમણે હવે 15 વર્ષ સુધી વિપક્ષમાં જ બેસવાનું રહેવાનું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેતાગીરી હેઠળ દેશ આર્થિક અને સાંસ્કૃતિક કંગાલિયતમાંથી મુક્તિ મેળવવાનો છે. મોદી સહિત તમામ પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા છે અને એ તમામ લોકો દેશની જનતાની અપેક્ષા પ્રમાણે કામ કરશે. આવતા પાંચ વર્ષ સુધી આ પ્રધાનો સખત મહેનત કરશે. મારું માનવું છે કે વિપક્ષી નેતાઓએ આવતા 10-15 વર્ષ સુધી ઘણું બધું કપાલભાતી અને અનુલોમ વિલોમ કરવું પડશે, કારણ કે તો જ તેઓ પોતાની માનસિક તાણને અંકુશમાં રાખી શકશે.