મહાગઠબંધન થયું હોત તો શું થયું હોત?

ભારતીય જનતા પક્ષ સામે મહાગઠબંધનની રચના કરીશું એવું વિપક્ષો છેલ્લા એક વર્ષથી કહેતા હતા. સાચા અર્થમાં એવું કોઈ મહાગઠબંધન થયું નહોતું. સામાન્ય ગઠબંધનો થયા, પણ તેનાથી ફરક ના પડ્યો, કેમ કે તેની સામે ભાજપનું વધારે નક્કર ગઠબંધન હાજર જ હતું. અર્થાત મહાગઠબંધનથી પરિણામોમાં કોઈ ફરક પડ્યો ના હોત. મહત્ત્વની વાત એ છે કે ભાજપની સ્થિતિ મજબૂત હોય તે રાજ્યોમાં અસંખ્ય બેઠકો પર 50 ટકા કરતાં વધારે મતો મળ્યા છે. 50 ટકા મતે જેને મળે તેની સામે કોઈ ગઠબંધન ના ચાલે.

નવી દિલ્હીનો દાખલો લો. ફરી એકવાર સાતેસાત બેઠકો ભાજપે મેળવી કેમ કે 56 ટકા જેટલાં મતો મળ્યા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચર્ચા બહુ કરી – અને વિવાદ વધારે કર્યો – પણ ગઠબંધન ના કર્યું. ગઠબંધન કર્યું હોત તો પણ ફરક ના પડ્યો હોત, કેમ કે બંને પક્ષોના મતોનો સરવાળો પણ કામ આવે તેવો નહોતો. ફરક એ પડ્યો કે આમ આદમી પાર્ટી કરતાં કોંગ્રેસ આગળ નીકળી અને બીજા નંબરે રહી. 22.50 ટકા કોંગ્રેસને મળ્યા, જ્યારે આપને માત્ર 18.10 ટકા. ગયા વખતે 33 ટકા મતો સાથે આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી હતી.  13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભાજપ અને સાથી પક્ષોનો વૉટ શેર 50 ટકા કરતાં વધારે રહ્યો છે. હિન્દી પટ્ટો અને ગુજરાતમાં પણ ફરી એકવાર 60 ટકાની નજીકની મતોની ટકાવારી રહી છે. તેના કારણે જ બિહારમાં પણ ગઠબંધન ચાલ્યું નહિ.
મહાગઠબંધનનું મીની સ્વરૂપ બિહારમાં હતું ખરું. અહીં આરજેડી અને કોંગ્રેસ સાથે હતા, તથા નાના નાના બીજા પક્ષો પણ જોડાયા હતા. પરંતુ સામા પક્ષે ભાજપ અને જનતા દળ (યુ)નું ગઠબંધન થવાના કારણે અહીં પણ ગણિત કામ ના આવ્યું, કેમિસ્ટ્રી કામમાં આવી. ભાજપને ગયા વખતે એકલા હાથે 22 બેઠકો મળી હતી. આ વખતે પાંચ બેઠકો ઓછી સ્વીકારીને નીતિશકુમાર સાથે જોડાણ કર્યું તેના કારણે 17 બેઠકો અકબંધ રહી.

ફાયદો થઈ ગયો નીતિશકુમારને. તેમના પક્ષને બેના બદલે 16 બેઠકો મળી ગઈ. આરજેડીને શુન્ય અને કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી. આરજેડીએ કેટલીક બેઠકો બહુ ઓછા માર્જિનથી ગુમાવી છે એટલો આત્મસંતોષ લઈ શકે.
આવો જ દાખલો કર્ણાટકનો છે. વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ અને જેડી(એસ) સાથે નહોતા. તેના કારણે ભાજપનો દેખાવ સારો રહ્યો અને 104 વિધાનસભા બેઠકો મળી. પરંતુ સત્તા ના મળી, કેમ કે કુમારસ્વામીને મુખ્ય પ્રધાન બનાવવા માટે કોંગ્રેસે ટેકો આપી દીધો. બંને પક્ષોના જોડાણમાં માત્ર ગણિત હતું, કેમિસ્ટ્રી નહોતી તે આ વિતેલા મહિનાઓમાં સ્પષ્ટ થવા લાગ્યું હતું. કોંગ્રેસના સ્થાનિક નેતાઓને અફસોસ રહ્યો કે સરકાર આપણી બનવી જોઈતી હતી, તેના બદલે નાના પક્ષની બની. હારી ગયેલા કોંગ્રેસી મુખ્યપ્રધાન સિદ્ધરમૈયાની જૂની દુશ્મનાવટ ગોવડા પરિવાર સાથે છે. તેઓ કોંગ્રેસને તોડીને ભાજપના ટેકાથી સરકાર બનવા સુધીનું વિચારી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલતી રહી છે.

પરિણામ એ આવ્યું કે ટૂમકુરમાંથી દેવે ગોવડા પોતે હારી ગયા. તેમનો પૌત્ર અને કુમારસ્વામીનો પુત્ર પણ માંડ્યામાંથી હારી ગયો. બંને પક્ષના મતોનો સરવાળો થયો જ નહોતો. સાચી વાત એ છે કે ગઠબંધન કર્યા પછી કાર્યકરો વચ્ચે પણ સમજૂતિ થાય તેવા પ્રયાસો નેતાઓએ કરવા પડે. કાર્યકરો પછી પોતપોતાના ટેકેદારોને સમજાવવા પડે કે શા માટે ગઠબંધન કર્યું છે અને શા માટે એકબીજાને મતો આપવા જરૂરી છે. યુપીમાં ભલે પરિણામો ધાર્યા ના આવ્યા, પણ આ માટેના પ્રયાસો અખિલેષ અને માયાવતીએ કર્યા હતા. પોતપોતાના કાર્યકરોને એ સમજાવવાની કોશિશ હતી કે આ વખતે સાથે રહેવું જરૂરી છે. આમ છતાં ધારી સફળતા ના મળી, કેમ કે 18થી 29 વર્ષના, છેલ્લા પાંચ વર્ષમાં મતદાર બનેલા સવા આઠ કરોડ યુવાનોએ સાગમટે નરેન્દ્ર મોદીને મત આપ્યા છે. આ યુવાનોમાં જ્ઞાતિ ગણિતા ચાલ્યું નથી. આ ઉપરાંત મહિલાઓ પણ જ્ઞાતિ ગણિત ઓછું ચાલ્યું અને તેના મતો પણ નરેન્દ્ર મોદીને ગયા.

આમ છતાં અહીં કેટલાક અંશે ગણિત ફળ્યું પણ હોત. બિહાર અને કર્ણાટક અને દિલ્હીમાં ગણિત ફળવાનું નહોતું, પરંતુ કોંગ્રેસે મતો તોડ્યા ના હોત તો ઉત્તર પ્રદેશમાં ભાજપે બીજી 9 બેઠકો ગુમાવવી પડી હોત. ધૌરાહા, મેરઠ, બદાયું, બારાબંકી, બાંદા, સુલતાનપુર, બસ્તિ, સંત કબીર નગર અને ચંદૌલીમાં કોંગ્રેસ મતો તોડ્યા અને તેના કારણે એસપી-બીએસપીના ઉમેદવારો હારી ગયા. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સરકાર બની ત્યારે બીએસપીને જરા પણ ભાવ ના આપવાની કોંગ્રેસની નીતિના કારણે માયાવતી બરાબર ગીન્નાયા હતા. તેના કારણે કોંગ્રેસને સાથે રાખી શકાયું નહિ. કોંગ્રેસ કદાચ ખુશ થશે કે પોતાના વિના ગઠબંધન ફાવ્યું નથી, પણ કોંગ્રેસ એ સમજવાની જરૂર હતી કે ભાજપને થોડો ઓછો મજબૂત થવા દેવામાં તેનું હિત રહેલું હતું, નહિ કે ગઠબંધનને થોડું નબળું પાડવામાં.
બીજું બીએસપીનો કોંગ્રેસ સામેનો રોષ આ પરિણામોથી વધવાનો છે, કેમ કે નવ બેઠકોમાંથી પાંચ બેઠકો બીએસપીએ કોંગ્રેસને કારણે ગુમાવી છે. તેનો અર્થ એ થયો કે વિધાનસભામાં પણ કોંગ્રેસને સાથે રાખવામાં બીએસપી જ વિરોધ કરશે. અહંકાર છોડીને કોંગ્રેસ યુપીમાં પ્રાદેશિક પક્ષો સાથે જોડાઇ હોત અથવા પોતાના ઉમેદવારો ઊભા ના રાખ્યા હોત તો ચિત્ર થોડું જૂદું હોત. જોકે થોડું જ, કેમ કે માત્ર 9 બેઠકોનો ફરક પડ્યો હોત. 62ના બદલે ભાજપની બેઠકો 56 થઈ હોત, તે પણ કંઈ ઓછી ના કહેવાય.

બીજું રાજ્ય ધ્યાન ખેંચે છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં એક્ઝિટ પોલ આવ્યા ત્યારે ફરી એકવાર ભાજપ અને શિવસેનાની સ્થિતિ મજબૂત બતાવાઈ હતી. તે વાત ગળે ઉતરે તેની લાગતી નહોતી, કેમ કે આ વખતે અહીં કોંગ્રેસ અને એનસીપી એકઠા થયા હતા. કોંગ્રેસ અને એનસીપી નેચરલ એલી ગણાય. એક જ ફાડના આ બે ટુકડા છે. તેથી તેઓ ભેગા થાય ત્યારે કાર્યકરો અને મતદારોને મનાવવાનું કામ સહેલું થાય. બીજી અગત્યની વાત કે રાજ ઠાકરેએ ઉમેદવારો ઊભા રાખ્યા નહોતા. તેમણે ઠેર ઠેર સભાઓ કરીને ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો. જોકે તેમના ટેકેદારો ભાજપ વિરુદ્ધ જાય ખરા, પણ કદાચ કોંગ્રેસને ટેકો ના આપે. તેથી તેમણે ઉમેદવારો ઊભા રાખ્યા હોત તો કદાચ ફાયદો થાત. તો પછી કેમ ધારી બેઠકો મહારાષ્ટ્રમાં ના મળી.

અહીં પેલું ગણિત કામ આવ્યું છે ખરું. ત્રીજા એક પક્ષે બાજી બગાડી અને કોંગ્રેસ અને એનસીપીની સાત બેઠકો ઓછી થઈ. ઠાકરેએ પણ ઉમેદવારો રાખ્યા હોત અને તેમણે ભાજપ-સેનાને નુકસાન કર્યું હોત કે કેમ તે કહેવું મુશ્કેલ છે, પણ પ્રકાશ આંબેડકરના પક્ષે ભાજપ-સેનાને ફાયદો કરાવી દીધો. અહીં પણ સાત બેઠકોનું નુકસાન ભાજપ-સેનાને થયું હોત. આંબેડકરનો પક્ષ વંચિત બહુજન અઘાડી અને ઔવેસીના પક્ષ વચ્ચે ગઠબંધન થયું હતું. ઔવેસીના પક્ષને ઔરંગાબાદમાંથી જીત પણ મળી. અઘાડીએ 22 જગ્યાએ ઉમેદવારો મૂક્યા હતા અને તેના કારણે સાત બેઠકોનું નુકસાન કોંગ્રેસ-એનસીપીને કરાવ્યું. બલદાણા, હટકાંગલે, પરભણી, સોલાપુર, નાંદેડ, સાંગલી અને ગઢચિરોલીના પરિણામોમાં ફેર પડી ગયો. અઘાડીને 22 બેઠકો પર 14 ટકા મતો મળ્યા. અઘાડીને પણ ગઠબંધનમાં સામેલ કરાયું હોત તો ભાજપ-સેનાને 41ના બદલે 34 બેઠકો જ મળી હોત. અઘાડીનો ટેકેદાર વર્ગ કોંગ્રેસને સમર્થન આપી શકે તેવો છે, તેનો ફાયદો થયો હોત.

આ ઉપરાંત આસામ, હરિયાણાની એક એક બેઠકો એવી છે કે ગઠબંધનને કારણે પરિણામમાં ફેર પડ્યો હોત. પણ આ માત્ર એકેડેમિક એક્સરસાઇઝ છે, કેમ કે સરવાળે સરકારની રચનામાં કોઈ ફેર ના પડ્યો હોત. આ પ્રકારની ગણતરીને કારણે વિપક્ષને વીસેક બેઠકો વધારે મળી હોત. ભાજપને વીસેક બેઠકો ઓછી મળ્યા પછીય ગયા વખતે જેટલી 282 બેઠકો મળી જ હોત. એકલા હાથે બીજીવાર બહુમતી મેળવી લેવાનો વિક્રમ ભાજપ પાસે યથાવત જ રહ્યો હોત.  બીજું આ ગણિતમાં આપણે સીધો સરવાળો કરીએ છીએ, જ્યારે વાસ્તવમાં મતદારો સીધો સરવાળો નથી કરતાં. ગઠબંધન થયા પછી અમુક ટેકેદારો અલગ રીતે પણ વિચારે. આમ છતાં આવું ગણિત એક અંદાજ આપતા હોય છે. તેના પરથી એ અંદાજ મળે છે કે માત્ર ગણિત પર આધાર રાખી શકાય તેમ નથી. નવો ઊભો થઈ રહેલો મતદારવર્ગ ભાજપ તરફ આકર્ષાઇ રહ્યો છે. નવા સવા આઠ કરોડ મતદારો લગભગ ભાજપને ગયા તેમ લાગે છે. ગણિત ગણવાના બદલે વિપક્ષે નવયુવાનોને આકર્ષવા માટે નવીન પ્રકારના પ્રયાસો કરવા પડશે.