કર્ણાટકની ખામ થિયરી પર કોંગ્રેસનો મદાર ફરી સત્તા અપાવશે?

ગુજરાતમાં દર ચૂંટણી વખતે ખામ થિયરીની ચર્ચા થાય છે. નવી પેઢીના વાચકોને જણાવી દઈએ કે ખામ શબ્દ ચાર પ્રથમાક્ષરને જોડીને બનાવાયેલી ટૂંકાક્ષરી છે. ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ – આ ચાર શબ્દોને અંગ્રેજીમાં લખવાના (અંગ્રેજીનો મોહ અહીં પણ છૂટ્યો નથી) અને તેના પ્રથમ અક્ષરને લઇ લેવાના. કરો એક્સરસાઇઝ એટલે મળી જશે શબ્દ ખામ. ગુજરાતમાં કોંગ્રેસ સત્તાની ખૂબ નજીક પહોંચી ગઈ હતી, તેમાં આ વખતે પણ ખામ થિયરી થોડી અમલમાં મૂકાઇ હતી ખરી. પરંતુ તેમાં થોડી ખાણી પણ રહી ગઈ, કેમ કે તદ્દન વિપરિત પટેલવાદને પણ ખામ સાથે જોડવાથી નુકસાન થઈ ગયું.ખામની સામે ભાજપે પટેલવાદનો સહારો લીધો અને હિન્દુવાદના નામે પટેલવાદ ચલાવ્યો તેમાં આપણે પડવું નથી, કેમ કે લેખનો વિષય છે કર્ણાટકની ખામ થિયરીનો. કર્ણાટકમાં કોંગ્રેસ આ થિયરીના આધારે સત્તા જાળવી શકશે કે કેમ તેની ચર્ચા છે. આ થિયરીનું નામ છે અહિન્દા. અહીં પણ મોહ અંગ્રેજીનો અકબંધ છે. અલ્પસંખ્યાતરુ એટલે મુસ્લિમ, હિન્દુલિદાવરુ એટલે ઓબીસી અને દલિતરુ એટલે યસ દલિત. Alpasankhyataru, Hindulidavaru, Dalitaru પરથી તૈયાર થયેલી થિયરી AHINDA અહિન્દા પર આ વખતે પણ મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયાનો મદાર છે.

ગુજરાત, પશ્ચિમ બંગ, ઓડિશા જેવા થોડા રાજ્યોને બાદ કરતાં મોટા ભાગના રાજ્યના નાગરિકો શાણા છે. દર પાંચ વર્ષે સરકાર બદલી નાખે છે. કર્ણાટકના લોકો પણ દર પાંચ વર્ષે સરકાર બદલી નાખે છે. સિદ્ધરમૈયા અગાઉ દેવરાજ ઉર્સ સતત બે વાર મુખ્ય પ્રધાન બન્યા હતા તે રેકર્ડની બરોબર કરવા માગે છે અને તેમનો મુખ્ય આધાર અહિન્દા થિયરી છે. દેવરાજ ઉર્સ પણ આ જ થિયરીના આધારે સતત બે ટર્મ માટે મુખ્ય પ્રધાન બની શક્યા હતા. માધવસિંહ સોલંકી ગુજરાતમાં ખામ થિયરીના આધારે બે ટર્મ મુખ્ય પ્રધાન બની શક્યા હતા.

કર્ણાટકમાં બે જ્ઞાતિઓનું જોર છે લિંગાયત અને વોક્કાલિગા. તેનો સામનો કરવા અને ઓબીસી તથા દલિત વર્ગમાંથી પણ નેતાગીરી ઊભી થાય તે માટેનો પ્રયાસ દેવરાજ ઉર્સે કર્યો હતો અને તે તેમને ફળ્યો હતો. ગુજરાતમાં પ્રારંભિક દાયકાઓમાં ક્ષત્રિયો અને પટેલોનું જોર હતું. બંને કોંગ્રેસમાં એક હતા, પણ પછી સામસામે થયા અને તેના કારણે ઓબીસી તથા દલિત-આદિવાસીઓની ખામ થિયરી ઊભી થઈ. ગુજરાતમાં ફરક એટલો છે કે ઓબીસી ભાજપ અને કોંગ્રેસમાં વહેંચાયેલા છે. અન્યત્ર ઓબીસી કોંગ્રેસ અને ભાજપની સામે પ્રાદેશિક પક્ષો તરીકે મજબૂત થયા છે.

લિંગાયત શૈવપંથી છે અને તેના નેતા તરીકે આગળ આવેલા યેદીયુરપ્પાને કારણે ભાજપને પ્રથમવાર 2008માં કર્ણાટકમાં સત્તા મળી હતી. યેદીયુરપ્પાએ વિવિધ કારણોસર ભાજપ છોડવું પડ્યું, પણ ભાજપ તેમને ફરી પક્ષમાં લઈ આવ્યો છે. ભાજપને આશા છે કે લિંગાયત વોટને ફરી એક કરીને જીત મેળવી શકાશે. કર્ણાટકમાં જનતા દળે પણ સરકારો બનાવી હતી. તેના નેતા દેવે ગોવડા વોક્કાલિગા (તેનો ઉચ્ચાર સ્થાનિક ઓક્કાલિગા પણ થાય છે) જ્ઞાતિના નેતા છે. આ બે મુખ્ય જ્ઞાતિઓ વચ્ચે સત્તા માટે ખેંચતાણ ચાલતી રહે છે, પણ ત્રીજા જૂથ તરીકે અહિન્દાનું પણ એટલું જ મહત્ત્વ છે.

હકીકતમાં લિંગાયત અને વોક્કાલિગા સામે અને કોંગ્રેસમાં થયેલા ભાગલામાં સંસ્થા કોંગ્રેસ સામે ઇન્દિરા કોંગ્રેસના નેતા દેવરાજે ઉર્સે અહિન્દા થિયરી ઊભી કરી હતી. 1969માં કોંગ્રેસના દિગ્ગજોને લાગ્યું કે ઇન્દિરા ગાંધીનું જોર વધી રહ્યું છે. તેથી જૂના નેતાઓએ ભેગા થઈને તેમને સાઇડલાઇન કરવાની કોશિશ કરી, પણ આ ‘ગુંગી ગુડિયા’ શક્તિશાળી સાબિત થઈ. પોતાની કોંગ્રેસ મૂળ કોંગ્રેસ એટલે કે સંસ્થા કોંગ્રેસ છે એવું કહેનારાને ઇન્દિરા કોંગ્રેસે હરાવી દીધી હતી. સંસ્થા કોંગ્રેસ એટલે કોંગ્રેસ (ઓ) અને મુખ્ય બની ગયેલી કોંગ્રેસ એટલે કોંગ્રેસ (આઇ).કામરાજ ઉપરાંત એસ. નિજલિંગપ્પા, વીરેન્દ્ર પાટીલ, રામકૃષ્ણ હેગડે અને દેવે ગોવડા જેવા નેતાઓ સંસ્થા કોંગ્રેસમાં જ રહ્યા. તેની સામે દેવરાજ ઉર્સે સમય પારખીને ઇન્દિરા ગાંધી સાથે રહેવાનું નક્કી કર્યું હતું. બાંગ્લાદેશની રચના કરીને ઇન્દિરા ગાંધી એક શક્તિ તરીકે તેઓ ઉપસ્યા હતા. તેના કારણે 1972માં વિધાનસભાની ચૂંટણીમાં દેવરાજ ઉર્સની આગેવાનીમાં કોંગ્રેસ (આઇ)ને સત્તા મળી ગઈ.

જોકે પાંચ વર્ષ પછી ફરીથી ચૂંટણી આવી ત્યારે સ્થિતિ બદલાઇ ગઈ હતી. કટોકટીના કારણે ઇન્દિરા ગાંધી સામે નારાજી હતી. બીજું સ્થાનિક ધોરણે મહત્ત્વની ગણાતી લિંગાયત અને વોક્કાલિગા વોટબેન્ક સંસ્થા કોંગ્રેસના જૂના કોંગ્રેસી નેતાઓ સાથે જ હતી. દેવરાજ ઉર્સે વૈકલ્પિક નેતાગીરી ઊભી કરવી જરૂરી હતી. તેમણે સમય પારખીને કટોકટી વખતે અમર્યાદ સત્તા હતી ત્યારે જમીન સુધારણાનું કામ જોરશોરથી ઉપાડી લીધું હતું. વોક્કાલિગા મોટા જમીનદારો હતા, જ્યારે લિંગાયત શિક્ષિત અને ધાર્મિક વર્ગ તરીકે વહીવટમાં મજબૂત હતો. જમીન સુધારણા લાગુ કરીને ઓબીસીને જમીન માલિકો બનાવાયા. દેવરાજ ઉર્સ ફરી એકવાર ફાવી ગયા અને 1977માં કટોકટી પછીની સ્થિતિમાં પણ બીજી વાર મુખ્યપ્રધાન બન્યા. કર્ણાટકમાં બીજી વાર સત્તા પર આવનારા તેઓ પ્રથમ મુખ્યપ્રધાન હતા. ગુજરાતમાં ખામ થિયરીના આધારે બીજી વાર મુખ્યપ્રધાન બનનારા માધવસિંહ પ્રથમ મુખ્યપ્રધાન હતા.

દેવરાજ ઉર્સે લિંગાયત અને વોક્કાલિગા સામે જે જૂથ ઊભું કર્યું તે અહિન્દા. જોકે તેમની લોકપ્રિયતા વધી તે સાથે કોંગ્રેસના મોવડીઓ સાથે વાંધો પણ પડ્યો. કોંગ્રેસનું દિલ્હીનું મોવડીમંડળ મજબૂત સ્થાનિક નેતાને સાંખી શકતું નથી. કોંગ્રેસ રાજ્યોમાં ઓબીસી, આદિવાસી, દલિત અને મુસ્લિમના જોરે સત્તા મેળવે, પણ મોવડીમંડળમાં વર્ચસ્વ આ જૂથનું કદી રહ્યું નથી. તેથી 1980 સુધીમાં ઉર્સે અધવચ્ચે સત્તા અને કોંગ્રેસ પક્ષ છોડવા પડ્યા. તેમણે પોતાનો પ્રાદેશિક પક્ષ સ્થાપ્યો, પણ ચૂંટણીમાં હારી ગયા. દરમિયાન તેમનું અવસાન થયું એટલે અહિન્દા જૂથની નેતાગીરી પૂરી થઈ ગઈ.

દરમિયાન દલિત અને આદિવાસી બેઠકો અનામત જાહેર થઈ હતી તેના કારણે હવે દરેક પક્ષમાં દલિત અને આદિવાસી નેતાઓ તૈયાર કરીને તેમને આ બેઠકો પર લડાવવા અનિવાર્ય બન્યા હતા. તેથી બધા જ પક્ષમાં નવા નેતાઓ તૈયાર થવા લાગ્યા. ફક્ત મુસ્લિમો અને ઓબીસી માટે નવી તક ઊભી થઈ નહોતી. તેથી આગળ જતા અહિન્દા થિયરી ફરી ઊભી થઈ.

દરમિયાન જનતા દળમાં પણ ભાગલા પડ્યા. લિંગાયત ભાજપ તરફી અને વોક્કાલિગા જનતા પક્ષ તરફી, જ્યારે કોંગ્રેસમા અહિન્દા એવા ત્રણ ભાગ પડી ગયા હતા. પણ અહિન્દાનું મહત્ત્વ ના વધે તેમાં ભાજપ અને દેવે ગોવડાના જનતા દળને રસ હતો. જનતા દળમાં રહેલા સિદ્ધરમૈયાને આ તક મળી ગઈ હતી. દેવરાજ ઉર્સની ગેરહાજરીમાં અહિન્દા જૂથ નબળું પડ્યું હતું, પણ તેને સંગઠિત કરવા પ્રયાસો ચાલતા હતા. આવા એક કાર્યક્રમમાં સિદ્ધરમૈયા હાજર રહ્યા એટલે દેવે ગોવડાએ તેમને હાંકી કાઢ્યા.

2005માં સિદ્ધરમૈયા કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ કુરુબા નેતા હતા. યાદવ – આહિર કર્ણાટકમાં પણ ઓબીસી ગણાય છે અને તેમને કુરુબા તરીકે ઓળખવામાં આવે છે. કુરુબાનો એક અર્થ થાય છે ભરોસો રાખવો. ભરોસાપાત્ર જ્ઞાતિ તરીકે ગૌરવ લેનારા કુરુબાના નેતા સિદ્ધરમૈયાએ લિંગાયત અને વોક્કાલિગા સામે ઓબીસી જૂથ ફરી મજબૂત કર્યું. કોંગ્રેસની ફોર્મુલા અહીં તેમને કામ આવી અને ઓબીસી સાથે અલ્પસંખ્યાતરુ અને દલિતરુ જોડીને અહિન્દા થિયરીને મજબૂત કરી. યુપી – બિહારમાં મુસ્લિમ-યાદવના જૂથ સાથે દલિત જૂથ જોડાઈ શક્યું નથી, કેમ કે દલિત નેતાગીરી પોતાની રીતે મજબૂત થઈ છે. પણ કર્ણાટકમાં મજબૂત દલિત નેતાગીરી ના હોવાથી અહિન્દામાં તે જોડાઈ છે. ગુજરાતમાં કોંગ્રેસે આદિવાસી અને દલિત સમર્થન ગુમાવ્યું તેથી ખામ થિયરી નકામી થઈ હતી.

પણ કર્ણાટકમાં કોંગ્રેસને તે થિયરી ફળી છે. 2005માં સિદ્ધરમૈયા નાના નેતા હતા. 2008માં ભાજપનો ઉદય થયો એટલે તેમણે રાહ જોવી પડી. પણ 2013 સુધીમાં સ્થિતિ બદલી હતી. યેદીયુરપ્પાએ ભાજપને તોડ્યું તેથી લિંગાયત મતોમાં ભાગલા પડ્યા હતા. વોક્કાલિગા મતો ગોવડાના જનતા પક્ષ સાથે ઘણા અંશે રહ્યા, તેથી કોંગ્રેસને અહિન્દા મતોથી ફાયદો થયો. આ એક દાયકા દરમિયાન સિદ્ધરમૈયા અહિન્દા નેતા તરીકે ઉપસ્યા હતા અને તેથી 2013ની ચૂંટણીમાં વિભાજિત ભાજપ સામે કોંગ્રેસને સત્તા મળી ગઈ હતી.

સિદ્ધરમૈયા હવે દેવરાજ ઉર્સની જેમ બીજી વાર મુખ્ય પ્રધાન બનવા ધારે છે. પણ સ્થિતિ 2013 જેવી નથી. યેદીયુરપ્પા ભાજપમાં પાછા ફર્યા છે અને ભાજપનું મોવડીમંડળ દક્ષિણ ભારતના પ્રવેશદ્વારા તરીકે કર્ણાટકમાં ફરી સત્તા મેળવવા આતુર છે. અમિત શાહ સતત કર્ણાટક પર ધ્યાન આપી રહ્યા છે. નરેન્દ્ર મોદી પણ હાલમાં ત્યાં સભા કરી આવ્યા.

બીજી બાજુ જનતા દળ શું કરશે તે સ્પષ્ટ નથી. કોંગ્રેસ સાથે સમજૂતિની કોઈ વાતો હજી થઈ રહી નથી. સૂત્રો અનુસાર દેવે ગોવડા અને તેમના પુત્ર કુમારસ્વામીને એવું લાગે છે કે કોઈને સ્પષ્ટ બહુમતી મળશે નહિ. વોક્કાલિગા વિસ્તારોમાં જનતા દળ પોતાની રીતે બેઠકો મેળવી લેવા માગે છે. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસમાંથી નારાજ થઈને આવેલા સ્થાનિક મજબૂત ઉમેદવારોને ટિકિટ આપી દેવાની ગણતરી છે. તેથી ટેકાથી સરકાર રચવાની વાત આવે ત્યારે જનતા દળ ફાવે. ભાજપ પોતાની રીતે અહિન્દા જૂથમાં ગાબડા પાડવાની વેતરણમાં છે અને આવી થિયરીના બદલે સંગઠનના આધારે કામ કરવાની ગતણરી અમિત શાહે માંડે છે. પેજ પ્રમુખ સહિતની જવાબદારીઓ અત્યારથી અપાઈ ગઈ છે. પાયાનું આ કામ શાહ કરી લે તે પછી નરેન્દ્ર મોદીની સભાઓ દ્વારા રાષ્ટ્રીય મુદ્દાઓથી વાડ પર બેઠેલા મતદારોને આકર્ષવાના છે. તેની સામે કોંગ્રેસમાં હવે રાહુલ ગાંધીનું સ્પષ્ટ નેતૃત્ત્વ છે. રાહુલ મારા પણ બોસ છે એવું સોનિયા ગાંધીએ કહી દીધું છે. ગત ચૂંટણી વખતે ટિકિટો આપવામાં કોંગ્રેસે બહુ કાળજી લીધી હતી. રાહુલની ટીમે (જેમા ગુજરાતના મધુસુદન મિસ્ત્રી પણ હતા) તેમણે જીતી શકે તેવા ઉમેદવારોને શોધીને, જૂથબંધી દૂર રાખીને ટિકિટો આપી હતી. આ વખતે પણ તેવું કરવાની ગણતરી છે. સિદ્ધરમૈયા તેની સાથે પોતાની અહિન્દા થિયરી ફરી અપનાવશે. કર્ણાટકની ચૂંટણી આ રીતે રસપ્રદ બનવાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]