હાર્દિક પટેલઃ અનામત આંદોલનથી જાહેરસભામાં થપ્પડ સુધી…

લોકસેવા માટે સર્વસ્વ ન્યોછાવર કરીને રાજકારણમાં આવવું એ જૂના જમાનાની વાત થઈ. હવે તો વાત છે ગણતરીપૂર્વક અને આયોજનબદ્ધ રીતે રાજકીય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની. આજકાલ દેશમાં જે કેટલાક યુવા નેતાઓ રાજકારણમાં સક્રિય થયા છે અને આગળ વધી રહયા છે તેમાં ગુજરાતના હાર્દિક પટેલનું નામ લેવું પડે.

રાજકારણની ગલીમાં ઊતર્યાં ત્યારે…

ગુજરાતમાં વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું અને હાર્દિકને પાટીદાર સમાજનું જબરદસ્ત સમર્થન મળ્યું. રાજ્ય સરકાર હાફળીફાંફળી થઈ ગઈ. રાજય સરકાર માટે, એના પાટીદાર પ્રધાનો અને ભાજપમાં રહેલા પાટીદાર નેતાઓ માટે હાર્દિક માથાનો દુખાવો બની ગયો. તેને કેમ ઠારવો તેનો કોઈ રસ્તો ન હતો. 25 ઓગસ્ટ, 2015ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદારો સ્વંયભૂ  ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યાં હતાં, પણ પછી થયેલા પોલીસ લાઠીચાર્જના કારણે અનામત આંદોલને વરવું સ્વરૂપ ધારણ કર્યું. તોફાનો થયાં. જાહેરસ્થળોની તોડફોડથી 42 કરોડ રૂપિયાનું નુકશાન થયું. આંદોલનમાં 14 પાટીદારોના મોત થયાં. તોફાનોમાં તોડફોડ, બસોને આગ ચાંપવાના બનાવો, બીઆરટીએસની રેલિંગ અને બસ સ્ટેન્ડ તોડવાના બનાવો બન્યા. હાર્દિક પટેલ સામે રાજદ્રોહ જેવા ગંભીર ગુના સહિતના કેસો પણ થયા. હાર્દિક પટેલ હવે હીરો બની ગયો હતો. ગુજરાત સહિત આખા દેશમાં છવાઈ ચૂક્યો હતો. એના આંદોલનના કારણે જ ગુજરાતના તે વખતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને રાજીનામું આપવું પડ્યું હતું.

પણ આ જ હાર્દિક પટેલ માટે પછી ઘણી બધી બાજીઓ ઊંધી પણ પડી.

રાજકારણને જૂઠ્ઠાં લોકોનું ગણાવ્યા પછી અને હું રાજકારણમાં નહીં જોડાઉં એવું કહયા પછી તે જ હાર્દિક કોંગ્રેસમાં જોડાઇ ગયો. કોંગ્રેસના સ્ટારપ્રચારક તરીકે હવાઈ સફર કરીને ચૂંટણી પ્રચાર કરવા લાગ્યો. એના કારણે કેટલાક પાટીદારોના રોષ ભોગ પણ બન્યો. સમાજના જ લોકો તેની સામે પડયા.

હમણાં આ જ હાર્દિક પટેલને સુરેન્દ્રનગર પાસેના બલદાણા ગામમાં એક જાહેરસભામાં તરૂણ ગજ્જરે નામની વ્યક્તિએ સ્ટેજ પર ચડીને જાહેરમાં તમાચો ચોડી દીધો.  આપણે કોઈ આવી રીતે કાયદો હાથમાં લેવાનું સમર્થન કરતાં નથી, પણ તરૂણ ગજ્જરે જે નિવેદન આપ્યું છે એ પછી હાર્દકના વલણને લઇને પણ સવાલો ઉભા થયા છે. શું હાર્દિક પટેલના રાજકારણમાં જોડાવાથી પાટીદાર સમાજ ખરેખર નારાજ છે? હાર્દિક પટેલના આવવાથી કોંગ્રેસને ચૂંટણીમાં કેટલો ફાયદો થશે તે તો સમય આવ્યે જ ખબર પડશે.

સંસદનો રસ્તો અટકી પડ્યો

પાટીદાર અનામત આંદોલન પછી હાર્દિક પટેલ પર અનેક કેસો થયા છે. જેમાં વિસનગર કોર્ટે ધારાસભ્યની ઓફિસના તોડફોડ કેસમાં હાર્દિકને સજા ફટકારી હતી અને ત્યાર પછી સજાના અમલ સામે સ્ટે પણ મેળવ્યો. બીજા અનેક કેસો કોર્ટમાં પેન્ડિંગ છે. પણ વાસ્તવિકતા એ છે કે 14 નિર્દોષ પાટીદારના પરિવારજનોને સહાય મળે, સરકારી નોકરી મળે, પાટીદારો સામેના કેસ પાછા ખેંચાય તેવી રાજ્ય સરકાર સમક્ષ જે અનેક રજૂઆતો કરાઈ હતી એનો કોઇ ઉકેલ આવ્યો નથી. હા, રાજ્ય સરકારે અમુક કેસ જરૂર પાછા ખેંચ્યાં છે.

બીજી તરફ, કેન્દ્ર સરકારે 10 ટકા આર્થિક અનામતનો ખરડો સંસદમાં પસાર કરાવી દીધો છે. પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરીને આંદોલન કરવાનો આરોપ પાસના જ કેટલાક સભ્યોએ કર્યો હતો. કેટલાક સભ્યો હાર્દિક પટેલનો સાથ છોડીને પણ જતાં રહ્યાં.

સતત ચર્ચામાં રહેવા માગતાં હાર્દિક પટેલને મીડિયાનો સાથ મળતો હતો. હાર્દિક પટેલના મામલે ભાજપ અને કોંગ્રેસ સામસામે રહ્યાં હતાં. સતત ચર્ચાતો મુદ્દો રહ્યો હતો. ટીવી ચેનલોની ડિબેટમાં પણ તે મુદ્દો બની રહ્યો હતો.

અગાઉ હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન વખતે ભરસભામાં એલાન કર્યું હતું કે હું રાજકારણમાં જોડાવાનો નથી…. હું પાટીદારનો દીકરો છું…. હું સાચું જ બોલું છું…. રાજકારણ તો જુઠ્ઠા લોકોનું છે…. એવા વાકયો બોલનાર હાર્દિક અંતે કોંગ્રેસ પક્ષમાં જોડાયો. રાહુલ ગાંધીના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરીને પંજાનો હાથ પકડ્યો.

જો કે કાનૂની જોગવાઇના કારણે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શકે એમ નહોતો એટલે હવે કોંગ્રેસ માટે પ્રચાર કરવાનું કામ એની પાસે છે. લોકસભાની ચૂંટણીની સ્ટાર પ્રચારકોની યાદીમાં હાર્દિક પટેલનું નામ મુક્યું, હેલિકોપ્ટર પણ ફાળવ્યું. જો કે સંસદમાં જવાની હાર્દિકની મનની મનમાં રહી ગઈ.

જાહેર જનતાએ આપી તીખી પ્રતિક્રિયા

થોડાક દિવસ પહેલાં હાર્દિક અમદાવાદના પ્રહલાદનગરગાર્ડનમાં ગયો ત્યારે ગાર્ડનમાં મોર્નિંગ વૉક કરવા આવનારા લોકોએ હાર્દિકનો ઉધડો લઈ લીધેલો એ વિડિયો સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. આ વિડીયો પ્રમાણે, ત્યાં હાજર લોકોએ હાર્દિકને મોંઢામોંઢ કહી દીધું હતું કે રાજકારણમાં આવવાનો નથી એવું કહીને કોંગ્રેસમાં ઘૂસી કે ગયા? અમે બધા વોટથી પતાવી દઈશું…આવી વ્યક્તિ સાથે તો ઉભાં રહેતાં ય શરમ આવે…..

જાહેરસભામાં તમાચો મારવાના બનાવ પછી હાર્દિકે આરોપ મૂક્યો છે કે ભાજપ મને જાનથી મારી નાંખવા માગે છે. સામે તમાચો મારનાર તરુણ ગજ્જરે એક વાઇરલ થયેલા વિડીયોમાં ખુલાસો કર્યો છે એ પ્રમાણે, અનામત આંદોલન વખતે એની પત્ની પ્રેગનન્ટ હતી અને એને મુશ્કેલી પડી હતી. આ મુશ્કેલીના કારણે એ ગુસ્સે ભરાયો હતો.  તરૂણ ગજ્જરે નિવેદન આપ્યું છે કે એ પોતે ભાજપ કે કોંગ્રેસ સાથે જોડાયેલો નથી. જો કે હાર્દિકના સાથીદારોએ આ ભાજપનું કાવતરૂં હોવાનો આરોપ મૂક્યો છે. હાલ તો હાર્દિક પટેલને પડેલા તમાચાની ગૂંજ હાલ તો ભાજપ અને કોંગ્રેસમાં ગૂંજી રહી છે અને સામસામા આક્ષેપો મૂકાઇ રહયા છે. રાજ્ય સરકારે હાર્દિકને સુરક્ષા આપવાની પણ જાહેરાત કરી છે.

હાલ તો હાર્દિક પટેલ જાહેરસભાઓમાં ખેડૂત અને રોજગારીના મુદ્દાઓ રજૂ કરીને ભાજપ સરકાર પર આકરાં પ્રહાર કરી રહયો છે. અનામત આંદોલનથી શરૂ થયેલી વાત થપ્પડ સુધી પહોંચી ચૂકી છે. મતદારો આ વાતને કઇ રીતે લે છે એની તો 23 મે ના રોજ જ ખબર પડશે.

અહેવાલઃ પારુલ રાવલ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]