ડૉનના પાત્રમાં આલિયાબાઈ કેટલીક સફળ?    

“કેહતે હૈ કમાઠીપુરા મેં કભી અમાવસ કી રાત નહીં હોતી. ક્યોંકિ વહાં ગંગુ રેહતી હૈ. ગંગુ ચાંદ થી ઔર ચાંદ હી રહેગી”…

આ તાલીપીટ સંવાદ સાથે ગંગુનો પાર્ટ ભજવનારી આલિયા ભટ્ટનો પૃષ્ઠભાગ પરદા પર દેખાય છે… પૂઠ ફરે છે ત્યાં સીન કટ થાય છે. બીજા દશ્યમાં ગંગુ મુંબઈના બદનામ વિસ્તાર ગણાતા કમાઠીપુરાની ગલીમાં બ્લૅક કલરની ડોજ મોટર પાસે અનોખી અદામાં ઊભીને તીસ-છાપ બીડી ફૂંકતી દેખાય છે. એની પાછળ, મકાનની બારીમાં, નીચે ઓટલા પર અમુક ટાઈપની સ્ત્રી ઘરાકને લલચાવતી દેખાય છે…

વિક્રમ સંવત 2077ની સુદ તેરસે, ગુરુવાર, 25 ફેબ્રુઆરીએ સંજય લીલા ભણસાળીએ 58મો જન્મદિન ઊજવ્યો. આ મંગળ દિવસે ફિલ્મરસિકોને ગિફ્ટ આપીઃ પોતાની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટીઝર અથવા એક આછીપાતળી ઝલક. ખુદ સંજયભાઈ અને ‘પેન મરુધર’ના જયંતીલાલ ગડા દ્વારા નિર્મિત ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 30 જુલાઈએ સિનેમામાં રિલીઝ થશે.

ટીઝર રિલીઝ થતાંની સાથે જ ટ્વિટર, ફેસબુક જેવા સોશિયલ મિડિયા જાતજાતની ટીકટિપ્પણીથી ધમધમી ઊઠ્યા. ટીકાટિપ્પણીનો મેઈન ટોપિક એ છે કે ગંગુબાઈ તરીકે આલિયા ભટ્ટ જામે છે કે નથી જામતી?

પણ એ વાત પછી. પહેલાં બે વાત ગંગુબાઈ વિશેઃ સત્યકથા આધારિત આ ફિલ્મનું મુખ્ય પાત્ર ગંગા હરજીવનદાસ કાઠિયાવાડમાં જન્મેલી. કાચી વયે ગંગુને પિતાના હિસાબનીશ રમણીક સાથે સ્નેહ થઈ ગયેલો. 1960ના દાયકાના અંતભાગમાં બન્ને ભાગીને મુંબઈ આવ્યાં. ગંગાનાં અરમાન હતાં આશા પારેખ, હેમામાલિની જેવી ટોપની અભિનેત્રી બનવાનાં, પણ એના નસીબમાં કંઈ જુદું લખાયેલું. ગંગુને મામૂલી રકમમાં વેશ્યાવાડે વેચી દેવામાં આવી. પછી પેલું કહે છેને કે, સમાજના સિતમની ભઠ્ઠીમાં તપી તપીને ગંગુ એટલી મજબૂત બની કે દક્ષિણ મુંબઈના અમુક વિસ્તારમાં એના નામની હાક વાગતી. એણે તે સમયના ડૉન કરીમ લાલા (ફિલ્મમાં એની ટૂંકી ભૂમિકા અજય દેવગન ભજવે છે)ના કાંડે રાખડી બાંધી એને ભાઈજાન બનાવેલો. કમાઠીપુરા વિસ્તારના એક મોટા બ્રોથલની માલિકણ ગંગુએ મુંબઈના રેડ લાઈટ વિસ્તારની સ્ત્રી તથા એમનાં અનાથ બાળકોનાં કલ્યાણ માટે જાત ઘસી નાખેલી.

હવે, ઈન્ટરનેટ પર મચેલા તોફાન વિશે. આલિયાની અભનિયપ્રતિભા વિશે કોઈ બેમત નહીં અને બોલિવૂડના એના તમામ સખાસહિયારાસહેલીએ એણે જે રીતે ગંગુબાઈના કેરેક્ટરને રજૂ કર્યું છે એ માટે બિરદાવી છે, પણ અનુક લોકોને લાગે છે કે આવા બોલ્ડ, ધાંસૂ પાત્ર માટે આલિયા ફિટ નથી. આ માટે તો તબુ કે વિદ્યા બાલન જેવી અભિનેત્રી જોઈએ. આલિયાએ એનું શ્રેષ્ઠ આપ્યું હશે, પણ એને જોતાં એવું લાગે છે, જાણે ધનાઢ્ય કુટુંબની છોકરીએ વેશભૂષા હરીફાઈમાં લેડી ડૉન બની છે. કોઈએ એવું કહ્યું ટીઝર જોઈને એવું લાગે કે ફ્લિપકાર્ટની ઍડ ચાલી રહી છે, જેમાં બાળકો મોટાંની જેમ વર્તે છે. ઘણાનો એવો મત છે કે પહેલી વાર સંજયભાઈ કાસ્ટિંગમાં થાપ ખાઈ ગયા.

વાંકદેખાઓને જે કહેવું હોય તે કહે, ગંગુબાઈ કાઠિયાવાડી સશક્ત વાર્તા ને સંજય લીલા ભણસાલી જેવા સર્જક તથા આંખો આંજી દેતા નિર્માણના સહારે હિટ ન થાય તો જ આશ્ચર્ય થશે. ક્રાઈમ રિપોર્ટર એસ. હુસૈન ઝૈદી દ્વારા લિખિત પુસ્તક માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ પર આધારિત ગંગુબાઈ કાઠિયાવાડીની ટક્કર ‘બાહુબલી’વાળા પ્રભાસ અને ‘મોહેંજો દરો’વાળી પૂજા હેગડેને ચમકાવતી ‘રાધે શ્યામ’ સાથે થશે. બન્ને 30 જુલાઈએ રિલીઝ થઈ રહી છે.

(કેતન મિસ્ત્રી)