- થોડા સમય પહેલાં વિધુ વિનોદ ચોપરાએ કશાયે આડંબર વિના ‘ટ્વેલ્થ ફેઈલ’ સર્જી, જેની આજેય સિનેમાપ્રેમી ચર્ચા કરે છે. ‘શ્રીકાંત’ પણ ‘ટ્વેલ્થ ફેઈલ’ની પંક્તિમાં બિરાજતી ફિલ્મ છેઃ મેલોડ્રામાથી જોજનો દૂર, સાદી-સરળ, ઈમાનદારીથી બનાવવામાં આવેલી જીવનકથા. દિવ્યાંગોને દયા-કરુણાની નહીં, પણ સમાનતાની જરૂર છે, એમને ઈક્વલિટી આપો એવો સંદેશ આપતી, અશક્ય લાગતી સત્ય કથાને તુષાર હીરાણીનું દિગ્દર્શન, જગદીપ સિધુ-સુમીત પુરોહિતનું ચુસ્ત લેખન, અને રાજકુમાર રાવનો બેનમૂન અભિનય મળ્યાં છે. તુષાર હીરાણી એ સર્જક છે, જેમણે આપણને ‘સાંડ કી આંખ’ તથા વેબસિરીઝ ‘સ્કૅમ 2003-તેલગી સ્ટોરી’ આપી છે.
ફિલ્મ જેમના જીવન પર આધારિત છે એ 33 વર્ષી શ્રીકાંત બોલ્લા આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમાંથી આવતા દષ્ટિવિહીન યુવા ઉદ્યોગ સાહસિક છે. ખેડૂતપરિવારમાં જન્મેલા શ્રીકાંતને એમનું નામ મળ્યું ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંત પરથી. શ્રીકાંતને જન્મથી આંખોનાં તેજ મળ્યાં નહીં. ભણવામાં તેજ શ્રીકાંતને ભારતનો કાયદો સાયન્સના વિષય સાથે 12મું સાયન્સ ભણવાની મંજૂરી આપતો નહોતો એટલે ટ્વેલ્થ વિથ સાયન્સ ભણવા એમણે ભારતીય શિક્ષણ વ્યવસ્થા પર કેસ કર્યો અને એમને એમની પોતાની જવાબદારી પર વિજ્ઞાન ભણવાની મંજૂરી મળી. 98 ટકા સાથે એ ટૉપમાં આવ્યા. દિવ્યાંગ હોવાના લીધે આઈઆઈટીની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસમાં ઍડમિશન ન મળ્યું. ત્યાં બોસ્ટનની વિશ્વવિખ્યાત ‘માસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી’ (‘એમઆઈટી’)એ એમને કહ્યું, “આવો, અમે તમને ઍડમિશન જ નહીં, સ્કોલરશિપ પણ આપીએ છીએ”. આમ એ એમઆઈટીની ‘સ્લોન સ્કૂલ ઑફ મૅનેજમેન્ટ’ના સૌપ્રથમ ઈન્ટરનેશનલ બ્લાઈન્ડ સ્ટુડન્ટ બન્યા. ડિગ્રી મેળવી ભારત પરત આવીને એમણે દિવ્યાંગો માટે એક સેન્ટર શરૂ કર્યું, જ્યાં ભણતરની સાથે રોજગારની તક આપતા હુન્નરની તાલીમ આપવામાં આવે. 2012માં એમણે હૈદરાબાદ નજીક ‘બોલાન્ટ ઈન્ડસ્ટ્રીઝ’ની સ્થાપના કરી, જેમાં એમને રતન તાતાનું આર્થિક યોગદાન મળ્યું. આ કંપનીમાં એ દિવ્યાંગોને નોકરી આપે છે. નગરની મ્યુનિસિપાલિટીના કચરામાંથી ઈકો-ફ્રેન્ડ્લી રિસાઈકલ ચીજવસ્તુ બનાવતી કંપનીની વિશ્વવિખ્યાત આર્થિક સામયિક ‘ફૉર્બ્સે’ નોંધ લીધી છે.
અંધજનો પર આપણે ત્યાં ભાગ્યે જ સારી, સહ્ય ફિલ્મો બની છે. આશરે ચારેક દાયકા પહેલાં સઈ પરાંજપેએ ‘સ્પર્શ’ બનાવેલી તો બેએક દાયકા પહેલાં વિપુલ અમૃતલાલ શાહે ચાર અંધજનો સાથે મળીને બૅન્કલૂંટનો પ્લાન બનાવતા અમિતાભ બચ્ચનને ધ્યાનમાં રાખીને ‘આંખે’ બનાવી. સંજય ગુપ્તાએ યામી ગૌતમ-રિતિક રોશનને લઈને રિવેન્જ ડ્રામા ‘કાબિલ’ 2017માં બનાવી. આ બધાથી વિપરીત ‘શ્રીકાંત’ ચક્ષુવિહીન યુવાનનાં જીવન અને એના જુસ્સા અને એની અચિવમેન્ટનો ઓચ્છવ છે. શ્રીકાંત સાબિત કરે છે કે એના જેવા (વિઝ્યુઅલી ઈમ્પૅર્ડ)નો જન્મ લોકલ ટ્રેનમાં “શિરડી વાલે સાંઈ બાબા” ગાવા માટે જ નથી થયો. બલકે, પિતા પહેલાંથી જ કહેતા હતા કે પુત્ર એમનું નામ દીપાવશે જ એવા મતલબનું ગીત ફિલ્મમાં રાખવામાં આવ્યું છે. ‘કયામત સે કયામત તક’નું “પાપા કેહતે હૈ બડા નામ કરેગા”… તનીષ્ક બાગચીએ રિક્રિએટ કરેલું આ થિમસોંગ ફિલ્મમાં મિસફિટ છે એવું કમસે કમ મને લાગ્યું છે. શું કામ એ કહીશ તો રસક્ષતિ થવાનો ભય છે. તમે જ ફિલ્મ જોઈને નક્કી કરજો.
કમાલના અભિનેતા રાજકુમાર રાવ ઉપરાંત ફિલ્મમાં શ્રીકાંતની ટીચર-માર્ગદર્શકની ભૂમિકામાં જ્યોતિકા (જે છેલ્લે અજય દેવગન સાથે ‘શૈતાન’માં જોવા મળી), અમેરિકામાં ભણતી, શ્રીકાંતની દોસ્ત બનતી મેડિકલ સ્ટુડન્ટ સ્વાતિની ભૂમિકામાં આલિયા ફર્નિચરવાલા, શ્રીકાંતના સ્ટાર્ટઅપમાં ઈન્વેસ્ટમેન્ટ કરનારની ભૂમિકામાં શરદ કેળકર, વગેરે છે.
ઓકે, અમુક સીન્સ કોઈને નાટકીય લાગશે, પણ શ્રીકાંત બોલ્લાના જીવનમાં બન્યું એ જ સર્જકે બતાવ્યું છે. ક્યાંક ક્યાંક એમણે વાર્તા રસપ્રદ બનાવવા છૂટછાટ લીધી હશે. મારા માટે સર્જકની સફળતા એ કે આંધ્ર પ્રદેશના ગામડામાં જન્મેલા આવા એક અસામાન્ય વ્યક્તિત્વને એમણે દેશ સમક્ષ મૂકી આપ્યું. આશરે સવાબે કલાકની ‘શ્રીકાંત’ થિએટરમાં રિલીઝ થઈ છે. બાયોપિકમાં રસ હોય તો નજીકના થિએટરમાં પહોંચી જાઓ.