જાણીતી ને માનીતી વ્યક્તિની આત્મકથા, એમનાં સંસ્મરણ મારો પ્રિય વાંચનપ્રકાર છે. બાયોપિક વાંચીને જે તે વ્યક્તિના સંઘર્ષથી સફળતાના પ્રવાસ વિશે તો જાણવા મળે છે, એક ચોક્કસ સમયકાળ વિશે પણ જાણવા મળે છે. તાજેતરમાં ફિલ્મ-ટીવી-નિર્માતા, દિગ્દર્શક, નાટ્યકાર, લેખિકા સઈ પરાંજપેની આત્મકથા પ્રકાશિત થઈ ‘અ પૅચવર્ક ક્વિલ્ટ’. અગાઉ સઈની માતૃભાષા મરાઠીમાં ‘સયઃ માઝા કલાપ્રવાસ’ એ શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલી.
જો કે અંગ્રેજીમાં ઘણા ઉમેરા, ઘણી માહિતી તથા એમની ફિલ્મોને વણી લેતા ઘણા કિસ્સા છે. 19 માર્ચ, 1938ના રોજ રશિયન પિતા ને મરાઠી માતા, 1930-1940ના દશકનાં અભિનેત્રી શકુંતલા પરાંજપેને ઘેર જન્મેલાં સઈ પરાંજપે એટલે ‘સ્પર્શ’, ‘ચશ્મેબદ્દુર’, ‘કથા’, ‘દિશા’, ‘પપીહા’, ‘સાઝ’ જેવી ફિલ્મનાં તથા દસ્તાવેજી ચિત્રપટનાં સર્જક, લેખિકા.
રશિયન પતિ સાથે ડિવોર્સ બાદ શકુંતલાજીએ સઈને એકલેહાથે ઊછર્યાં. એમના પિતા અને સઈના નાનાજી એટલે દેશના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી સર રઘુનાથ પુરુષોત્તમ પરાંજપે. પુણેમાં ઑલ ઈન્ડિયા રેડિયોનાં ઉદઘોષક તરીકે કારકિર્દીના શ્રીગણેશ કરનારાં અને પદ્મભૂષણથી સમ્માનિત સઈએ ત્રણ દાયકામાં છ ફિલ્મ બનાવી. ફિલ્મ વિશેની એમની વ્યાખ્યા છેઃ એમાં ભરપૂર મનોરંજન હોવું જોઈએ, હિંસા ન હોવી જોઈએ, એની રમૂજ નિર્દોષ હોવી જોઈએ, એ કોઈને ઉતારી પાડતી સસ્તી દ્વિઅર્થી ન હોવી જોઈએ…
સઈની પહેલી ફિલ્મ હતી 1980માં આવેલી ‘સ્પર્શ’. ખરેખર તો એમણે દિલ્હી દૂરદર્શન માટે ‘બ્લાઈન્ડ રિલીફ ઍસસિયેશન’ પર આઠ મિનિટની ફિલ્મ બનાવવાની હતી. એ સંસ્થાની મુલાકાતમાંથી આ ફિલ્મનાં વિષય-વાર્તા મળ્યાં. એક બ્લાઈન્ડ સ્કૂલના પ્રિન્સિપાલ અનિરુદ્ધ પરમાર (નસીરુદ્દીન શાહ) અને અંધજનની શાળાનાં તેજસ્વી દષ્ટિ ધરાવતાં શિક્ષિકા કવિતા (શબાના આઝમી) સાથેના ઋજુ પ્યારની કહાણી લખતી વખતે સઈનાં દિલદિમાગમાં મુખ્ય ભૂમિકા માટે સંજીવકુમાર-તનુજા હતાં. દરમિયાન સંજીવકુમારને ખબર પડી કે ‘સ્પર્શ’ના નિર્માતા લો-બજેટવાળા બસુ ભટ્ટાચાર્ય છે એટલે પૈસાના પ્રોબ્લેમને કારણે એમણે (સંજીવકુમારે) ના પાડી દીધી. એ પછી સઈએ નસીરુદ્દીન શાહને લીધા. નસીર સાથે તનુજા જામે નહીં એટલે શબાના આઝમી આવ્યાં ને બાકી ઈતિહાસ. ‘સ્પર્શ’ને ઢગલાબંધ એવૉર્ડ્સ મળ્યા, જેમાં ત્રણ નેશનલ એવૉર્ડ ઉલ્લેખનીય છેઃ શ્રેષ્ઠ હિંદી ફિલ્મ, શ્રેષ્ઠ પટકથા (સઈ) શ્રેષ્ઠ અભિનય (નસીરુદ્દીન શાહ). જો સંજીવકુમારે ફિલ્મમાં કામ કરવાની હા પાડી હોત તો હિંદી સિનેમાઈતિહાસની એક ઉત્કૃષ્ટ ફિલ્મ સાથે એમનું નામ જોડાઈ ગયું હોત.
આત્મકથામાંથી આવી અનેક રસપ્રદ માહિતી મળે છે. ‘સ્પર્શ’ બાદ આવી સઈની બે વધુ સ-રસ ને સફળ ફિલ્મઃ ‘ચશ્મેબદ્દુર’ (1981) અને ‘કથા’ (1983). સઈના કહેવા મુજબ ‘સ્પર્શ’ જોઈને નિર્માતા ગુલ આનંદે એમને એક ફિલ્મ બનાવવા કહ્યું. શરત હતીઃ કૉમેડી જ બનાવવાની. સઈ પાસે વાર્તા તૈયાર હતી ને આમ સર્જાઈ હિંદી ફિલ્મઈતિહાસની કલ્ટ ફિલ્મનું બિરુદ મેળવી ગયેલી અને ફારુક શેખ-દીપ્તિ નવલ-સઈદ જાફરી-રાકેશ બેદી-રવિ બાસવાનીને ચમકાવતી ‘ચશ્મેબદ્દુર’. ત્યાર બાદ આવી ‘કથા’, જેનું શૂટિંગ પુણેની એક ચાલમાં થયેલું. 1990માં આવી દિશા. છેલ્લા નવેક મહિનાના કોવિડકાળનો સૌથી યાદગાર, સૌથી દારુણ એપિસોડ કોઈ હોય તો એ છે શહેરોમાંથી શ્રમિકોની પોતાના ગામ ભણી હિજરત. ‘દિશા’ આ જ વિષયની એક સશક્ત ફિલ્મ છે.
ફિલ્મો ઉપરાંત સઈના નામે અઢળક અંગ્રેજી-હિંદી-મરાઠી નાટકો, બાળનાટકો, ટીવીસિરિયલ્સ, ડૉક્યૂમેન્ટરી ફિલ્મો બોલે છે, જે બધાંનાં લેખન એમણે કર્યાં. એક ઈન્ટરવ્યુમાં એમણે કહેલું કે, મેં મારા જીવનમાં એટલુંબધું લખ્યું છે કે મારો જમણો હાથ ઓલમોસ્ટ નકામો બની ગયો છે.
અંગત જીવન પર એક નજર કરીએ તો, 1980ના દાયકામાં સઈએ નાટ્યઅભિનેતા અરુણ જોગળેકર સાથે લગ્ન કર્યાં. જો કે ધણી-ધણિયાણી બે જ વર્ષમાં છૂટાં પડ્યાં. આમ છતાં અરુણભાઉનો 1992માં દેહાંત થયો ત્યાં સુધી બન્નેની મૈત્રી અકબંધ રહી. સઈનો પુત્ર ગૌતમ મરાઠી ફિલ્મડિરેક્ટર, કૅમેરામૅન છે, જ્યારે પુત્રી વિની (અશ્વિની) અભિનેત્રી છે.
(કેતન મિસ્ત્રી)