ગુમરાહઃ ડબલ ટ્રબલ

આજે (7 એપ્રિલે) થિએટરમાં રિલીઝ થયેલી ‘ગુમરાહ’ જેના પરથી ઊતરી છે એ 2019ની તમિળ ફિલ્મ ‘થડમ’માં એક કેરેક્ટર છે દીપિકા. આ કન્યા દર અઠવાડિયે ફિલ્મોના રિવ્યુ કરે છે. એક દિવસ એ એના બૉયફ્રેન્ડને કહે છે કે મેં આ જૉબ છોડી દીધી. બૉયફ્રેન્ડ જાણવા માગે છે કે આટલી સરસ જૉબ કેમ છોડી દીધી? તો એ કહે છેઃ “દર અઠવાડિયે છ ફિલ્મ જોઈને બતાવ, એટલું જ નહીં, જોઈને છના રિવ્યુ લખવાની ટ્રાય કર, પછી સમજાઈ જશે.” હિંદી રિમેકમાં આ કેરેક્ટર તો છે, પણ ડાયલૉગ ગાયબ છે. બલકે આ અને આવા અનેક ચબરાકિયા સંવાદની બાદબાકી છે. હશે. હિંદી આવૃત્તિના ડિરેક્ટર વર્ધન કેતકરને ગમ્યું તે ખરું. બાય ધ વે, ગુમરાહનો રિવ્યુ એ કેરેક્ટરે

લેખક-દિગ્દર્શક મગિલ તિરુમણિ (જેમણે ‘થડમ્’ બનાવેલી)ની વાર્તા પરથી સુમીત અરોરાએ પટકથા લખી છે. ફિલ્મનો આરંભ થાય છે એક સરસ મજાના ખૂનથી. દિલ્હીના એક પૉશ બંગલામાં મેઘલી રાતે ખૂન થાય છે, સવારે તેહકીકાતમાં ઈન્વેસ્ટિગેટિવ ઑફિસર શિવાની માથુર (મૃણાલ ઠાકૂર)ને એક મજબૂત કડી મળે છેઃ બાજુના બંગલાની ટૅરેસ પર એક પ્રેમી યુગલ સેલ્ફી લઈ રહ્યું હોય છે, એમાં ખૂની અર્જુન સહગલ (આદિત્ય રૉય કપૂર)નો ફોટો આવી ગયો છે. તત્કાળ એની અરેસ્ટ થાય છે. આટલી ઝડપે ક્રાઈમ સૉલ્વ થવાથી પોલીસ ખુખુશાલ છે, પણ ત્યાં નવો ફણગો ફૂટે છે. પોલીસને અર્જુનનો હમશકલ સૂરજ રાણા (આદિત્ય રૉય કપૂર) હાથ લાગે છે. જે બાહોશ ઠગ અને જુગારી છે… આ નવા વળાંકથી શિવાની માથુર, એના બૉસ એસીપી યાદવ (રોનિત રૉય) અને એમની પોલીસટીમ પાછાં હતાં ત્યાં ને ત્યાં. એકસરખા ચહેરા ધરાવતા આ બેમાંથી ખૂની કોણ? અને બન્ને માટે મરનાર અજાણ્યો હતો તો હત્યા કરી શું કામ? કોણે?

જોડિયા ભાઈઓના વિષય પર બનેલી ફિલ્મ થોડા સમય પહેલાં આવીઃ સરકસ, જે લેખન-મુખ્ય પાત્રના અભિનય એમ બધી રીતે રેઢિયાળ હતી. ગુમરાહે જોડિયા ભાઈવાળી વાર્તાને જરા નવો વળાંક આપ્યો છે. સર્જકોનો દાવો છે કે ફિલ્મની વાર્તા કેટલીક સત્ય ઘટનાઓ પરથી લેવામાં આવી છે. એન્ડ ટાઈટલ્સમાં પણ પરદેશમાં બનેલી આવી ઘટનાઓની માહિતી આપવામાં આવી છે, જેના લીધે માનવા ન આવે એવી વાર્તાને એક પ્રકારની અધિકૃતતા મળે છે.

મને હંમેશાં રિમેક વિશે એક વાતનું આશ્ચર્ય થાય છે કે હિંદીમાં કંઈ અલગ કરવાના બહાને એ લોકો આખા ને આખા પાત્ર, સંવાદ શું કામ ઉડાડી મૂકતા હશે? જેમ કે થડમમાં એક મહિલા ઠગનું સબળ અને મજેદાર પાત્ર હતું એ હિંદીમાં ગાયબ છે. કંઈ ઓરિજિનલ કરવાના ચક્કરમાં આ લોકો મૂળને નુકસાન પહોંચાડી રહ્યા છે એનો એમને ખ્યાલ નહીં આવતો હોય?

-અને મને ફિલ્મ વિશેની સૌથી ફની વાત લાગી પરદા પર એક પછી એક આવતાં વાક્ય. ઉદાહરણ તરીકે ફિલ્મના આરંભમાં આવેઃ ધ ક્રાઈમ. એ પછી ખૂન થાય. ત્યાર બાદ આવે ધ ઈન્વેસ્ટિગેશનનું લખાણ અને, પોલીસટીમ આવીને શોધખોળ કરે છે. ભલાદમી, આદિત્ય રૉય કપૂર તીક્ષ્ણ સ્ક્રૂડ્રાઈવરથી કોકની હત્યા કરે એને ક્રાઈમ કહેવાય એ અમને લખીને સમજાવવાની શું જરૂર? અને પોલીસ ત્યાં આવીને જે કરે એને ઈન્વેસ્ટિગેશન કહેવાય. એમ? અમને તો ખબર જ નહીં.

અંતે, જો તમે થડમ્ નથી જોઈ તો તમને ગુમરાહ ગમશે, એ તમને જકડી રાખશે, જેનું કારણ છે કથાવસ્તુ. એકસરખું વિચારતી બે વ્યક્તિ, દરેક માનવીમાં ધરબાયેલી જટિલતા, અને સંજોગવશાત્ સારો માણસ પણ ખરાબ થઈ શકે છે, વગેરે જેવા મસાલાથી બનેલો પ્લોટ. જો મારે માર્ક્સ આપવાના હોય તો ગુમરાહને પાંચમાંથી અઢી આપીશ.