રિયલ અને રીલ પુલીસ અફ્સર ભેગાં થાય ત્યારે…

આજે, 12 મે, એક નવી સિરીઝ પ્રાઈમ વિડિયો પર આવી છેઃ દહાડ. રાજસ્થાનમાં મહિલાઓના એક વિચિત્ર ટાઈપના સિરિયલ કિલરને પોલીસ શોધી રહી છે. એક પછી એક 28 શાદીશુદા મહિલા ગુમ થતી જાય છે ને કિલર કોઈ પગેરું છોડી જતો નથી… પોલીસ ઈન્વેસ્ટિગેશન ટીમની હેડ છે અંજલિ ભાટી (સોનાક્ષી સિંહા). કેસ સૉલ્વ કરવાની એની પોતાની સ્ટાઈલ છેઃ સિરિયલ કિલરના માનસમાં ઘૂસીને, એની જેમ વિચારીને, એનું પગેરું દબાવવું.

સોનાક્ષી સિંહા ઉપરાંત ગુલશન દેવૈયા, વિજય વર્મા, સોહમ શાહ, જેવા કલાકારોને ચમકાવતી આઠ પાર્ટની દહાડને ક્રિયેટ કરી છે રીમા કાગતી-ઝોયા અખ્તરે અને ડિરેક્ટ કરી છે રીમા કાગતી-રુચિકા ઓબેરોયે. આ સિરીઝનો પ્રીમિયર આ વર્ષે જ ધ બર્લિનાલે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયેલો. કોઈ પણ ઈન્ડિયન સિરીઝનો બર્લિનાલેમાં પ્રીમિયર થયો હોય એવી આ પ્રથમ ઘટના.

ગયા અઠવાડિયે દહાડના એક ઈવેન્ટમાં હું ગયો ત્યારે કલાકાર-કસબી તો મળ્યાં જ, બોનસમાં રિટાયર્ડ આઈપીએસ (ઈન્ડિયન પોલીસ સર્વિસ) ઑફિસર ડૉ. મીરાં ચઢ્ઢા બોરવણકરને મળવાનું થયું. એ સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત હતાં. મહારાષ્ટ્ર કેડરના આ બાહોશ પોલીસ અધિકારીએ 1981થી 2017 સુધી વિવિધ પદ શોભાવ્યાં. હાલ એ નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનમાં છે.

ટ્રેલર જોઈને સોનાક્ષીને શાબાશી આપતાં મીરાંજીએ કહ્યું કે હું “1981માં ઈન્ડિયન પોલીસ ફૉર્સમાં જોડાઈ ત્યારે ટ્રેનિંગમાં મારી સાથે 70 પુરુષ પોલીસકર્મી હતા ને હું એકલી સ્રી. તાલીમના ભાગ રૂપે અમારે રૉક ક્લાઈમ્બિંગ, હોર્સ રાઈડિંગ, જનરલ કૉમ્બેટ, વગેરે શીખવાનું હતું, જે બધાંમાં હું અવ્વલ રહી સિવાય સ્વિમિંગ કેમ કે 70 મરદની સામે મને સ્વિમિંગ કૉસ્ચ્યુમમાં જવાનું જરા ઑડ લાગતું,પરંતુ હું જોડાઈ તે પછી મહિલાઓ માટે પોલીસદળમાં જવાનો રસ્તો ખૂલ્યો. કમનસીબે આજે પણ, આપણા દેશમાં મહિલાઓની વસતીની સરખામણીએ માત્ર 11 ટકા મહિલા પોલીસદળમાં છે… કમસે કમ 40 ટકા તો હોવી જોઈએ.”

એમણે કહ્યું કે “આ સિરીઝ કંઈ બિન્જ વૉચિંગ અર્થાત્ એક ઝાટકે બધા એપિસોડ્સ જોઈ નાખવા જેવી નથી, પણ (કોળિયો ચાવી ચાવીને ખાઈએ એમ) શાંતિથી એક-એક એપિસોડ જોવા જેવી છે. આમાં એક સ્ત્રીના કૉન્ફિડન્સની, એની સક્સેસની વાત છે. સક્સેસ હંમેશાં પ્રેરણાદાયી હોય છે. અને દહાડમાં જે રીતે સક્સેસનું વાસ્તવિક ચિત્રણ થયું છે એ દેશની મહિલાને પોલીસદળમાં જોડાવાની ચોક્કસ પ્રેરણા આપશે.” આટલું કહી એમણે સોનાક્ષી સામે જોતાં કહ્યું “આઈ હોપ કે અંતમાં તે કેસ સૉલ્વ કર્યો હશે તો જવાબમાં સોનાક્ષીએ મીઠું મલકતાં કહ્યું, મૅમ, એ માટે તમારે સિરીઝ જોવી પડશે.”

લૉન્ચિંગ બાદ ચિત્રલેખા સાથે વાત કરતાં મીરાંબહેન કહેઃ “આપણી ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસમાં ઘણું પરિવર્તન આવ્યું છે. એક સમય હતો, જ્યારે મહિલા પોલીસ અધિકારીને સ્ત્રી સાથે થયેલા ગુનાની તપાસ જ સોંપવામાં આવતી, પણ આજે એમને હાઈ પ્રોફાઈલ કેસ સોંપવામાં આવે છે, જે સારી વાત છે.”

પુણેનાં સર્વપ્રથમ મહિલા પોલીસ કમિશનરથી લઈને કંઈકેટલાં પદ શોભાવનારાં મીરાં ચઢ્ઢા બોરવણકર પર ફિલ્મ પણ બની છે. 2014માં સ્વર્ગસ્થ ડિરેક્ટર પ્રદીપ સરકારે યશરાજ ફિલ્મ્સ માટે મરદાની બનાવેલી, જેમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચની સિનિયર ઈન્સ્પેક્ટર શિવાની રૉય (રાણી મુખર્જી) ચાઈલ્ડ ટ્રાફિકિંગ નેટવર્કને પ્રકાશમાં લાવીને ગુનેગારને સજા અપાવે છે.

ફિલ્મનો મધ્યવર્તી વિચાર તથા શિવાની રૉયનું પાત્ર મીરાં ચઢ્ઢા બોરવણકર પર આધારિત હતું. યાદ હોય તો, 1994માં મહારાષ્ટ્રના જલગાંવમાં સ્કૂલ તથા કૉલેજની કૂમળી કન્યાને જબરદસ્તી પ્રૉસ્ટિ્યુશનમાં ધકેલવાનું એક સેક્સ સ્કેન્ડલ બહાર આવેલું, જેણે આખો દેશ ગજાવેલો. આ કેસના ચાવી રૂપ ઈન્વેસ્ટિગેટર હતાં મીરાં ચઢ્ઢા બોરવણકર.

સિરીઝનું લેખન ચુસ્ત છે, ખાસ કરીને સોનાક્ષીનું કેરેક્ટર. પોલીસ અધિકારી અંજલિ ભાટી ગુનેગારના માનસમાં જઈને એની જેમ વિચારીને ક્રાઈમ સૉલ્વ કરતી ચતુર પોલીસ અધિકારી છે. એક સીનમાં સોનાક્ષી રસ્તાની એક કોરે ઊભીને ચા પી રહી છે. ત્યારે ત્યાં બાઈક પરથી પસાર થતો એક ટપોરી રાડ પાડે છેઃ ઓયે લેડી સિંઘમ ત્યારે સોનાક્ષી ભડકે છેઃ “ભાગ સાલા અહીંથી…” કેમ કે એ એક સિરિયસ કેસ સૉલ્વ કરનારી સિરિયસ પોલીસ ઑફિસર છે, એને લેડી સિંઘમ કે એવા કોઈ લેબલની જરૂર નથી.

વેઈટ. બધા એપિસોડ્સ જોઈ લઉં પછી નિરાંતે વાત કરીએ.