યુટ્યુબર, કન્ટેન્ટ ક્રિએટર, અભિનેતા અને હવે સ્ટેન્ડ અપ કૉમેડિયન વિરાજ ઘેલાણીએ છેલ્લાં આઠેક વર્ષમાં આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ડિજિટલ હોસ્ટ બનવાથી માંડીને સંગીતસંધ્યાનાં સંચાલન કર્યાં, ટીવીઍડમાં કામ કર્યું, બિલ બોર્ડમાં મોડેલ તરીકે ચમકવા સુધીના શોખ પૂરા કર્યા. પછી ફિલ્મોમાં પણ કામ કર્યું.
હાલ પોતાના લાઈવ કૉમેડી શો સાથે ગુજરાતની ટૂર કરી રહેલા વિરાજે તાજેતરમાં ‘ચિત્રલેખા’ની મુંબઈ ઑફિસની મુલાકાત લીધી ત્યારે શું થયું એનો વિગતવાર લેખ આજે (26 જુલાઈએ) પ્રકાશિત થયેલા ‘ચિત્રલેખા’માં છે. થોડા સમયમાં એની મસ્તીભરી મુલાકાતનો ફની વિડિયો પણ ‘ચિત્રલેખા’ના ડિજિટલ માધ્યમમાં જોવા મળશે. આ લેખ એક નૉટ સો ફની ટોપિક પર છે. એ છે રીલ બનાવવાના ઝનૂન વિશે.
આજે એક આખો વર્ગ છે, જેમનાં માથાં પર રીલ બનાવી એને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવાં સોશિયલ મિડિયા પર મૂકી લાઈક્સ મેળવવાનું ગાંડપણ સવાર થયું છે. આ માટે આ લોકો કોઈ પણ હદ સુધી જાય છે. હજી આ જ મહિને મુંબઈની તેજસ્વી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, 27 વર્ષી આન્વી કામદારે મહારાષ્ટ્રના રાયગડમાં માનગાવ તાલુકાના (માનગાવ રેલવે સ્ટેશન પણ છે) કુંભે વૉટરફૉલ પાસે રીલ બનાવવામાં બેલેન્સ ખોયું ને એનો જીવ ગયો. આના એકાદ-બે દિવસ બાદ એક ચાઈનીસ ઈન્ફ્લુઅન્સર પાન ઝિયાઓટિંગે લાઈવસ્ટ્રીમ દરમિયાન વધુપડતું ખાઈને જીવ ગુમાવ્યો. બન્યું એવું કે કોરિયાથી મુકબાંગ નામનો એક ટ્રેન્ડ વહેતો થયો (એક્સટ્રીમ ઈટિંગ), જેમાં અકરાંતિયાની જેમ ખૂબ બધું ખાતા હોઈએ એવા વિડિયો શૂટ કરવાના. 14 જુલાઈએ ભોજનના ભંડાર સફાચટ કરતી 24 વર્ષની પાનબહેનનું વધુ પડતું ખાવાના લીધે, કૅમેરાની સામે, લાઈવ ડેથ થયું.
બીજી તરફ, ગમે ત્યાં રીલ બનાવવા નીકળી પડનારાઓની ઈન્ટરનેટ પર શાબ્દિક ધોલાઈ (ટ્રોલિંગ) કરવામાં આવે છે. આ વિશે વિરાજનું શું માનવું છે?
વિરાજ કહે છેઃ ‘ટ્રોલિંગ વિશેના સવાલનો પહેલાં જવાબ આપું તો, તમે એવા લોકોને કેટલો ભાવ આપો છો એની પર બધું નિર્ભર છે. કમેન્ટ્સને બહુ મહત્વ નહીં આપવાનું અને વિડિયો જ એવા બનાવવાના કે કોઈ તમારી પાછળ પડી ન જાય. વચ્ચે એક ટ્રેન્ડ આવેલોઃ ‘ઑલ આય્ઝ ઑન રફાહ.’ આવી પોસ્ટ કરનારા અડધા લોકોને રફાહ ક્યાં આવ્યું એ ખબર પણ નહીં હોય. કહેવાનું એ કે કન્ટેન્ટ ક્રિએટર તરીકે જાતને બહુ સિરિયસલી નહીં લેવાની. હું ધર્મ-રાજકારણથી દૂર રહું છું. મારું કામ છે ફની વિડિયોથી મારા ફૅન્સને ખુશ રાખવા. કોઈ મારા પ્રોફાઈલ પર જ્ઞાન મેળવવા, પ્રેરણા લેવા કે કંઈ શીખવા આવતા નથી. આ તો બેઘડીનો નિર્મળ આનંદ છે, ટાઈમપાસ છે. કન્ટેન્ટ ક્રિએટર તરીકે તમારી ભૂમિકા આટલી જ છે.
‘હવે વાત, રીલ બનાવવાવાળાઓ વિશે… થોડા સમય પહેલાં હું ‘કેન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં ભાગ લેવા ફ્રાન્સ ગયેલો. મારા પ્રવાસમાં મેં જોયું કે ત્યાં લોકો કન્ટેન્ટ ક્રિએટરોને માનથી જુએ છે. કોઈ વિડિયો શૂટ કરતું હોય તો કાર અટકાવી દે. એ લોકો આને આર્ટ ગણે છે. વિડિયો બનાવનારા પણ કારવાળાને જવા દે, એમની વચ્ચે ન આવે. આપણી મુશ્કેલી એ છે કે આપણાં શહેરો લોકોથી ઊભરાય છે. મુંબઈ, અમદાવાદ જેવાં શહેરમાં લોકો સતત ભાગતા હોય છે. સતત કોઈ ને કોઈ સ્ટ્રેસ હેઠળ જીવતા, સવારથી ભાગતા લોકોની વચ્ચે ન આવો. ટ્રાફિક અટકાવીને રસ્તાની વચ્ચોવચ વિડિયો બનાવવા મંડી જાઓ તો લોકો ગુસ્સે ભરાશે જ. મારી રીલ બનાવનારાઓને એક સિમ્પલ ઍડવાઈસ છે કે પબ્લિકની સ્પેસમાં ન આવો. જાહેર જગ્યાએ વિડિયો બનાવવો જ હોય તો પરમિશન લઈને શૂટ કરો, અથવા બપોરે અવરજવર ઓછી હોય ત્યારે કરો, પણ લોકોને નડો નહીં. અને મહેરબાની કરીને જાનના જોખમે તો રીલ ન જ બનાવો.’
વાત તો સો ટકા સાચી.