બળિયાના બે ભાગ |
જેની લાકડી તેની ભેંસ એવી મતલબની પણ કહેવત છે. સત્તા અથવા શરીરબળ વિપુલ હોય તેવી વ્યક્તિ પોતાનાથી નબળો હોય તેની પાસેથી પોતાને ગમતી વસ્તુ છીનવી લે છે. પોતાને મળવાપાત્ર હોય તેના કરતાં વધારે અને ક્યારેક તો બિલકુલ હક વગરનું પણ પડાવી લે છે. નબળો વ્યક્તિ આ પ્રકારની સત્તા અથવા શારીરિકબળ સામે નિ:સહાય બની જાય છે.
આજ મતલબની કહેવતો જબરો નબળાને ખાય, મારે તેની તલવાર, જબરો જીતે વિગેરે છે.
જોકે આથી તદ્દન ઊલટું એવું પણ કહ્યું છે કે,
बुद्धिर्यस्य बलं तस्य निर्बुद्धेस्तु कुतो बलम् ।
એટલેકે જેની પાસે બુધ્ધિ છે તે બળવાન છે. બુધ્ધિ નથી તેની પાસે બળ કેવું? આજે આપણે માહિતી યુગમાં જીવીએ છીએ આ યુગના મહાન વિચારક એલવિન ટોફલર કહે છે કે, “Knowledge is power and who has earliest access to the knowledge shall be the most powerful”, અર્થાત જ્ઞાન એજ શક્તિ છે અને જેની પાસે જ્ઞાનને ઝડપથી આંબવાની શક્તિ છે (Research and Development?) તે સૌથી વધુ બળવાન છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)