પડી પટોળે ભાત ફાટે, પણ ફીટે નહીં

 

પડી પટોળે ભાત ફાટે, પણ ફીટે નહીં

 

ઉત્તર ગુજરાતમાં આવેલું પાટણ એના પટોળા માટે જાણીતું છે. “છેલા જી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો” આ શબ્દોમાં પોતાના પ્રિયતમને પાટણથી આ વિશિષ્ટ સાડી લાવવા માટે પ્રિયતમા સંદેશ આપે છે. આ પટોળા અદભૂત કારીગીરીનો નમૂનો છે. એમાં કુદરતી રંગો જ વપરાય છે. અને એની ભાત વણાટની સાથે જ ઉપસે છે. આમ કેમિકલ રંગ હોય તો ધીરે ધીરે કપડું ધોવાય તેમ ઝાંખો પડતો જાય તેવું પટોળામાં થતું નથી.

એટલે જ કહેવાયું છે “પડી પટોળે ભાત ફાટે, પણ ફીટે નહીં.” મતલબ કે જે રંગ કે ભાત પટોળા પર છપાયેલ હોય તે લૂગડું ફાટી જાય તો પણ તેનો રંગ ઘસાઈને ઝાંખો પડતો નથી.

માનવના સ્વભાવનું પણ એવું જ છે. જે ઢાળ્યા ઢળ્યા એ ઢળ્યા, એમાં કશો ફેરફાર થાય નહીં.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)