કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણી પહેલાં સતત ધમકીઓનો સિલસિલો શરૂ થયો છે. એક તરફ મમતા બેનર્જીના ભત્રીજા અને ડાયમંડ હાર્બરથી લોકસભા સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું છે કે ચોથી મે પછી જોઈશું કે દિલ્હીમાંથી કોણ બચાવવા આવે છે. તો બીજી તરફ તેમના નજીકના મનાતા અને ફાલ્ટાથી TMC ઉમેદવાર જહાંગીર ખાને ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારી અને સેન્ટ્રલ ઓબ્ઝર્વર અજય પાલ શર્માને ખુલ્લી ધમકી આપી છે. જહાંગીર ખાને કહ્યું કે રમત તમે શરૂ કરી છે, પૂરી અમે કરીશું. એટલું જ નહીં, તેણે CRPFને હવામાં ઉડાવી દઈશું એવું પણ કહી દીધું છે.
જહાંગીર ખાને શું કહ્યું?
ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારી અને સેન્ટ્રલ ઓબ્ઝર્વર અજય પાલ શર્મા પર તીખો હુમલો કરતાં TMC ઉમેદવાર જહાંગીર ખાને કહ્યું હતું કે આ રમતની શરૂઆત તેમણે કરી છે, પરંતુ અંત અમે કરીશું. પિક્ચર હજુ બાકી છે મારા દોસ્ત. જો તમે વિચારો છો કે થોડા CRPF જવાનો સાથે તમે બચી જશો તો તમે ખોટા છો. અહીં લોકો જ અસલી તાકાત છે. જો લોકો સાથે ચાલી પડે તો CRPFને હટાવી દેશે. તેણે આગળ કહ્યું હતું કે જો અહીંના લોકો પગપાળા નીકળે તો CRPFના જવાનો હવામાં ઊડી જશે. તેણે કહ્યું હતું કે તેને ખબર છે કેવી રીતે કસોટી કરવી અને ‘પુષ્પા’ સ્ટાઇલમાં તેણે કહ્યું હતું કે TMCવાળાઓએ ઝૂકવું શીખ્યું નથી.
ફાલ્ટાથી TMC ઉમેદવાર જહાંગીર ખાને આરોપ લગાવ્યો કે પોલીસે TMC કાર્યકરોને ધમકાવ્યા છે. મહિલા મતદાતાઓને પણ ધમકી આપવામાં આવી છે. જહાંગીરે કહ્યું હતું કે IPS અજય પાલે એન્કાઉન્ટરની ધમકી આપી છે. તેણે કહ્યું હતું કે ભાજપ IPS અજય પાલના કહેવા પર ધમકી આપી રહ્યો છે. બંગાળના લોકો ભાજપને જવાબ આપશે. બંગાળમાં લોકો આવી ધમકીઓથી ડરવાના નથી.

ધમકીબાજો સામે કાર્યવાહી શરૂ
બીજી તરફ, બંગાળમાં ધમકી આપનારાઓ સામે કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી ઓબ્ઝર્વર અજય પાલ શર્માના નેતૃત્વમાં ફાલ્ટા વિધાનસભા વિસ્તારમાં સઘન તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મતદાતાઓને ધમકાવનાર લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે.




