કેમિકલ હુમલાનો મામલોઃ અમેરિકાએ 60 રશિયન રાજદૂતોને હાંકી કાઢ્યા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એમના દેશમાં રશિયન રાજદૂતો વિરુદ્ધ મોટા પાયે પગલાં લીધા છે. એમની સરકારે આજે 60 રશિયન રાજદૂતોને અમેરિકામાંથી હાંકી કાઢ્યા છે.

સાથોસાથ ટ્રમ્પે સીએટલ શહેરમાં આવેલી રશિયન વાણિજ્ય દૂતાવાસને બંધ કરાવી દીધી છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે આ કડક પગલું બ્રિટનમાં રશિયાના ભૂતપૂર્વ જાસૂસ તથા એની પુત્રી પર કરાયેલા ઝેરના હુમલાના મામલે લીધું છે. રશિયન રાજદૂતોને સાત દિવસની અંદર અમેરિકામાંથી ચાલ્યા જવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગઈ 4 માર્ચે બ્રિટનના સેલીસબરીમાં ભૂતપૂર્વ રશિયન જાસૂસ સર્જેઈ સ્ક્રીપલ અને એમના પુત્રી યુલીયા એક કેમિકલ હુમલામાં ઘાયલ થયા હતા. એમની હાલત ગંભીર થઈ થઈ ગઈ હતી, પરંતુ હોસ્પિટલમાં એમની હાલત હવે સ્થિર છે.

બ્રિટિશ અધિકારીઓએ એ હુમલામાં વપરાયેલા રસાયણને નોવિચોક તરીકે ઓળખી કાઢ્યું હતું. આ નર્વ એજન્ટ (રાસાયણિક તત્વ) રશિયાએ શીત યુદ્ધ વખતે બનાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સર્જેઈ સ્ક્રિપલ હવે બ્રિટિશ નાગરિક છે.

અમેરિકી સરકારના એક સિનિયર અધિકારીએ કહ્યું કે અમેરિકાના મિત્ર એવા બ્રિટનમાં કરાયેલા હુમલાથી રશિયાએ સેંકડો બ્રિટિશ લોકોના જાન જોખમમાં મૂકી દીધા હતા.

બ્રિટનના વિદેશ પ્રધાન બોરીસ જોન્સને ગયા અઠવાડિયે કહ્યું હતું કે એવી પૂરી સંભાવના છે કે કેમિકલ હુમલાનો આદેશ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને પોતે જ આપ્યો હતો.

જોકે રશિયાએ એ બનાવમાં પોતાની સંડોવણીને રદિયો આપ્યો છે.

બ્રિટને તે ઘટના બાદ રશિયાના 23 રાજદૂતોને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. વળતા પગલામાં, રશિયાએ પણ બ્રિટનના રાજદૂતોને હાંકી કાઢ્યા હતા.

ટ્રમ્પ સરકારના અધિકારીએ કહ્યું છે કે અમેરિકામાં રાજદ્વારી તરીકે કામ કરતા મોટા ભાગના રશિયનો જાસૂસીની પ્રવૃત્તિઓ કરતા હતા.

બ્રિટનમાં રશિયન જાસૂસને ઝેર આપવાના કેસમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વિશ્વસ્તરે એકલા પડી ગયા છે. એમની પર દુનિયાના દેશોનું દબાણ વધી રહ્યું છે.

યુરોપીયન યુનિયને પણ એવી શંકા વ્યક્ત કરી છે કે રશિયાની સરકારે જ બ્રિટનસ્થિત પોતાના ભૂતપૂર્વ જાસૂસને મારી નાખવા એની પર લશ્કરી ઉપયોગવાળા રાસાયણિક શસ્ત્ર દ્વારા ઝેરી હુમલો કરાવ્યો હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]