શરમજનક

આજે સમગ્ર ક્રિકેટ જગત આંચકામાં છે. વર્તમાન વર્લ્ડ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમે એવી શરમજનક હરકત કરી છે કે જેન્ટલમેન્સ ગેમ ક્રિકેટ કલંકિત થઈ ગઈ છે. સાઉથ આફ્રિકાના કેપ ટાઉન શહેરમાં, ગઈ 24 માર્ચે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત પૂરી થયા બાદ પત્રકાર પરિષદમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મીથ અને ઓપનિંગ બેટ્સમેન કેમરન બેંક્રોફ્ટે જ્યારે કબૂલ કર્યું કે એમની ટીમે બોલ સાથે પ્લાનિંગ મુજબ ચેડાં કર્યા હતા, એ સાથે જ ટીમ ઉપર ચારેકોરથી માછલાં ધોવાની શરૂઆત થઈ ગઈ. બેંક્રોફ્ટે કહ્યું હતું કે એણે સેન્ડપેપરની પટ્ટી વડે બોલને ઘસ્યો હતો. એમ કરવા પાછળનો ઈરાદો બોલને વધુ સ્વિંગ કરાવવાનો હતો જેથી પોતાની ટીમના ફાસ્ટ બોલરોને લાભ મળે.

પેન્ટના ખિસ્સામાંથી પીળા રંગની (સેન્ડપેપર) પટ્ટી કાઢીને બોલ પર ઘસતા બેંક્રોફ્ટની હરકત એક ટીવી કેમેરામાં ઝડપાઈ ગઈ હતી અને એ દ્રશ્યને સ્ટેડિયમ પર ઈન્સ્ટોલ કરાયેલા જાયન્ટ સ્ક્રીન પર બતાવવામાં આવ્યું હતું. અમ્પાયરોએ તરત જ સ્મીથ અને બેંક્રોફ્ટને બોલાવીને પૂછપરછ કરી હતી.

બાદમાં, પત્રકાર પરિષદમાં બેંક્રોફ્ટે કહ્યું હતું કે ટીમ લીડરશીપે પ્લાન બનાવીને સાઉથ આફ્રિકા સામે બોલ ટેમ્પરિંગ કર્યું હતું. જાયન્ટ સ્ક્રીન પર પોતાની હરકતને ઉઘાડી પાડી દેવામાં આવતાં એ ગભરાઈ ગયો હતો. બાદમાં, કોચ લીહમેને એક રીઝર્વ ખેલાડીને મેદાનમાં મોકલ્યો હતો અને બેંક્રોફ્ટને સલાહ આપી હતી કે તું જાયન્ટ સ્ક્રીન પર બોલને ઘસતો દેખાઈ ગયો છે તો તારી ટેપને સંતાડી દે. તેથી બેંક્રોફ્ટે એ પટ્ટી પેન્ટના ખિસ્સામાં પાછી મૂકવાને બદલે અંડરવેરમાં મૂકી દીધી હતી. જેથી ચેકિંગ કરવામાં આવે તો ખિસ્સામાંથી કંઈ ન મળે. પરંતુ એની એ હરકત પણ કેમેરામાં ઝડપાઈ ગઈ હતી.

સ્મીથે કહ્યું કે આ પ્લાનમાં ઓસ્ટ્રેલિયન ટીમના કોચ ડેરેન લીહમેન સામેલ નહોતા. આ પ્લાન માત્ર ખેલાડીઓનો જ હતો.

સ્મીથે કહ્યું કે, બેંક્રોફ્ટ ઓછો જાણીતો ખેલાડી હોવાથી એને બોલ સાથે ટેમ્પરિંગ કરવા માટે ખાસ પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ મેદાનમાં એને ખોટા સમયે ખોટી જગ્યાએ ઊભો રાખવામાં આવ્યો હતો એમાં ભાંડો ફૂટી ગયો.

બેંક્રોફ્ટે સ્પષ્ટતા કરી હતી કે આવી હરકત કરવા માટે એની પર કોઈએ દબાણ કર્યું નહોતું.

સ્મીથની કબૂલાતને પગલે એણે સુકાનીપદ ગુમાવ્યું હતું અને ડેવીડ વોર્નરે ઉપસુકાનીપદ ગુમાવ્યું. સ્મીથને એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને આઈપીએલ-11 સ્પર્ધામાં રાજસ્થાન રોયલ્સ ટીમે પણ એને સુકાનીપદેથી દૂર કરી દીધો છે.

આશ્ચર્યજનક રીતે, આઈસીસીએ બેંક્રોફ્ટને એની મેચ ફીની 75 ટકા રકમનો દંડ ફટકાર્યો છે, પણ એકેય મેચનો પ્રતિબંધ મૂક્યો નથી.

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને ઓફ્ફ સ્પિનર હરભજન સિંહ આઈસીસીના નિર્ણયની ટીકા કરી છે. હરભજને કહ્યું કે 2001માં સાઉથ આફ્રિકામાં રમતી વખતે વધુપડતી અપીલ કરવા બદલ અમારી ટીમના 6 જણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને 2008માં સિડનીમાં અમારો કોઈ દોષ ન હોવા છતાં અમને ત્રણ મેચ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે લેટેસ્ટ બનાવમાં, બેંક્રોફ્ટે ગુનાની કબૂલાત કરી લીધી છે તે છતાં એની પર કોઈ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. વાહ, આઈસીસી અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ નિયમો રાખે છે.

ઝોટેની ઓસ્કરઃ આ એ કેમેરામેન છે, જેણે બેંક્રોફ્ટને બોલ સાથે ચેડાં કરતો પોતાના કેમેરામાં ઝડપી લીધો

સાઉથ આફ્રિકાનો નાગરિક અને કેમેરામેન ઝોટેની ઓસ્કર ડિજિટલ કેમેરા સાથે મેચનું કવરેજ કરતો હતો. એ થ્રી-પીસમાં સજ્જ હતો. ભારતના ભૂતપૂર્વ ઓપનર વિરેન્દર સેહવાગે બેંક્રોફ્ટની ગેરકાયદેસર હરકતને પોતાના ડિજિટલ કેમેરામાં કેદ કરી લેવા બદલ ટ્વીટ કરીને ઓસ્કરની પ્રશંસા કરી છે. સેહવાગે લખ્યું છે, ‘ગૌર સે દેખિયે ઈસ શખ્સ કો. ઓસ્કર – ધ કેમેરામેન. ઈનકે ડિજિટલ કેમેરા સે બચના મુશ્કિલ હેલો નહીં, નામુમકિન હૈ. #SandpaperGate’

શું છે નિયમો?

બોલ ટેમ્પરિંગ (બોલ સાથે ચેડાં કરવા) એ આઈસીસી દ્વારા લેવલ-2 ગુનો ગણવામાં આવ્યો છે. આ ગુના બદલ વધુમાં વધુ 100 ટકા મેચ ફીનો દંડ અને ચાર ડીમેરિટ પોઈન્ટ ઉપરાંત એક મેચના સસ્પેન્શનની જોગવાઈ છે.

ક્રિકેટ બોલ ટેમ્પરિંગના બહુ ગાજેલા કિસ્સા…

1977: ઈંગ્લેન્ડના બોલર જોન લીવરે ભારત સામેની સિરીઝમાં ચેન્નાઈમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન બોલને વધારે સ્વિંગ કરવા માટે બોલની એક બાજુ પર વેસેલીન લગાડ્યું હતું. ઈંગ્લેન્ડની ટીમે કહ્યું હતું કે લીવર અને એના સાથી ફાસ્ટ બોલર બોબ વિલીસે એમના કપાળ પરથી પસીનો દૂર રહે એ માટે એમની આંખોની ઉપરના ભાગ પર વેસેલીન લગાડ્યું હતું. લીવર સામે કોઈ આરોપ મૂકવામાં આવ્યો નહોતો.

1990: ફૈસલાબાદમાં, પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટ દરમિયાન ન્યુ ઝીલેન્ડે બોલનો આકાર બદલવા માટે બોટલના ઢાંકણનો ઉપયોગ કર્યો હતો. દાયકાઓ બાદ ન્યુ ઝીલેન્ડના વિકેટકીપર એડમ પરોરેએ આનો ઘટસ્ફોટ કર્યો હતો. એ રીતે બોલને ટેમ્પર કરવાથી બોલ વધારે સ્વિંગ થયો હતો અને ફાસ્ટ બોલર ક્રિસ પ્રિંગલે 11-વિકેટ લીધી હતી. એની સામે પણ કોઈ આરોપ મૂકવામાં આવ્યો નહોતો.

1994: ઈંગ્લેન્ડના કેપ્ટન માઈક આથર્ટને લોર્ડ્સ ખાતે સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મેચ દરમિયાન પોતાના પેન્ટના ખિસ્સામાંથી માટી કાઢીને બોલ પર લગાવી હતી. આથર્ટને કહ્યું હતું કે પોતાના હાથને સૂકા રાખવા માટે એણે પિચ પરથી માટી લઈને બોલ પર લગાડી હતી. એને દંડ ફટકારવામાં આવ્યો હતો, પણ કોઈ મેચમાં સસ્પેન્ડ કરાયો નહોતો અને એનું સુકાનીપદ પણ છીનવી લેવાયું નહોતું.

2000: પાકિસ્તાનના ફાસ્ટ બોલર વકાર યુનુસે શ્રીલંકામાં વન-ડે ઈન્ટરનેશનલ મેચોની ટ્રાઈ-સિરીઝમાં સાઉથ આફ્રિકા સામેની મેચ વખતે પોતાની આંગળીઓથી બોલ સાથે ચેડાં કર્યા હતા. ગુનેગાર ઠેરવ્યા બાદ એને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બોલ સાથે ટેમ્પરિંગ કરવા બદલ સસ્પેન્ડ થયેલો એ દુનિયાનો પહેલો બોલર હતો. એને તેની મેચ ફીની 50 ટકા રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

2001: સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન મેચ રેફરી માઈક ડેનીસે ભારતના દંતકથાસમાન ક્રિકેટર સચીન તેંડુલકર પર આરોપ મૂક્યો હતો કે સચીને આંગળીઓ વડે બોલની સીમને ઘસી નાખી હતી. તેંડુલકરે પોતે નિર્દોષ હોવાની દલીલ કરી હતી અને કહ્યું હતું કે હવામાનમાં ભેજ વધારે હોવાથી બોલ પર ચોંટેલી માટીને એ દૂર કરી રહ્યો હતો, પરંતુ એની પર એક-મેચનો સસ્પેન્ડેડ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારતીય ટીમે ધમકી આપી હતી કે જો એ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ટીમ પ્રવાસ પડતો મૂકીને જતી રહેશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ત્રીજી ટેસ્ટનો બહિષ્કાર કર્યો હતો અને બિનસત્તાવાર ટેસ્ટમાં રમવા માટે એણે એક રીઝર્વ ટીમને ઉતારી હતી. બાદમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે કહ્યું હતું કે તેંડુલકરે બોલ ટેમ્પરિંગ કર્યું નહોતું, પણ અમ્પાયરની પરવાનગી લીધા વગર બોલને સાફ કર્યો હતો.

2004: ભારતીય બેટ્સમેન રાહુલ દ્રવિડે બ્રિસ્બેનમાં વન-ડે ઈન્ટરનેશનલ મેચોની ટ્રાઈ-સિરીઝ વખતે ઝિમ્બાબ્વે સામેની મેચ દરમિયાન બોલના ચળકતા ભાગ ઉપર કફ સીરપ લગાડ્યું હતું. એ મેચ ભારત જીતી ગયું હતું. મેચ રેફરી ક્લાઈવ લોઈડે દ્રવિડને ગુનેગાર જાહેર કર્યો હતો અને એને તેની મેચ ફીની 50 રકમનો દંડ ફટકાર્યો હતો.

2005: ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન માર્કસ ટ્રેસ્કોથીકે એની આત્મકથા પુસ્તકમાં લખ્યું હતું કે એ બોલ પરનો ચળકાટ જાળવી રાખવા માટે મિન્ટવાળી લાળનો ઉપયોગ કરતો હતો જેને લીધે ઈંગ્લેન્ડની ટીમ 18 વર્ષ બાદ પહેલી વાર એશિઝ સિરીઝ જીતી શકી હતી. તેણે એ રીતે બોલને ટેમ્પર કરતાં ઈંગ્લેન્ડના બોલરો બોલને વધારે સ્વિંગ કરી શક્યા હતા અને ઓસ્ટ્રેલિયાની ટીમ તે સિરીઝ 1-2થી હારી ગઈ હતી. ટ્રેસ્કોથીક સામે કોઈ આરોપ મૂકવામાં આવ્યો નહોતો. પુસ્તક પ્રકાશિત થયું એ પહેલા જ પોતે ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો હતો.

2006: ઓવલમાં રમાયેલી તે ટેસ્ટ મેચ દરમિયાન અમ્પાયરો ડેરેલ હેર અને બિલી ડોક્ટ્રોવે બોલ સાથે ચેડાં કરવાનો પાકિસ્તાન ટીમ પર આરોપ મૂક્યા બાદ ઈંગ્લેન્ડને પાંચ એક્સ્ટ્રા રન ફાળવ્યા હતા. પાકિસ્તાને એ નિર્ણયના વિરોધમાં ટી-બ્રેક બાદ ટીમને મેદાનમાં ઉતારવાની ના પાડી હતી અને ટેસ્ટ મેચ જતી કરી હતી. એ કિસ્સાને કારણે ઈંગ્લેન્ડ તથા પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ વચ્ચેના સંબંધ વર્ષો સુધી બગડેલા રહ્યા હતા.

2010: સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન બોલ સાથે ચેડાં કરવાનો ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરો – સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસન પર આરોપ મૂકવામાં આવ્યો હતો. બ્રોડે એના શૂઝના સ્પાઈક્સ વડે બોલને ચગદી નાખ્યા બાદ બંને બોલર પર આરોપ મૂકાયો હતો. બંનેએ આરોપને નકારી કાઢ્યો હતો. બેઉમાંથી એકેય બોલર પર સત્તાવાર રીતે આરોપ મૂકવામાં આવ્યો નહોતો.

2010: પાકિસ્તાનનો ઓલરાઉન્ડર શાહિદ અફરિદી પર્થમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે ઈન્ટરનેશનલ મેચ વખતે બોલ પર દાંત ભરાવતો કેમેરામાં ઝડપાઈ ગયો હતો. એને બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

2016: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ વખતે સાઉથ આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસી મિન્ટ ચાવતો દેખાયો હતો અને ત્યારબાદ એણે એ મિન્ટવાળી લાળને બોલ પર લગાડી હતી જેથી બોલનો ચળકાટ જળવાઈ રહે.