તાલિબાન સાથે શાંતિ કરાર એ શું અમેરિકાની પીછેહઠ છે?

નવી દિલ્હીઃ અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાએ કહ્યું છે કે આગામી 14 મહિનામાં આ કરાર હેઠળ અમેરિકી દળોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચી લેવામાં આવશે. આટલું જ નહીં, અમેરિકાના સાથી દેશો પણ પોતાના સૈનિકોને પાછા ખેંચી લેશે. પણ પોતાનાં પાછલા 18 વર્ષથી જારી રહેલા વિશ્વના સૌથી મોંઘા અને ખતરનાક યુદ્ધમાં 10,000 લોકો માર્યા ગયા છે અને લાખ્ખો લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે. તાલિબાન સાથે થનારી આ બેઠકમાં અફઘાનિસ્તાન, અમેરિકા, ભારત અને પાકિસ્તાન સહિત સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોના પ્રતિનિધિઓ દોહા પહોંચ્યા હતા.

તાલિબાન સાથેની શાંતિ સમજૂતી અમેરિકા માટે મજબૂરી કે નવી વ્યૂહરચના

પાછલા ત્રણ સૈકાઓમાં ત્રીજી વાર એવું છે કે કોઈ મોટા દેશને અફઘાનિસ્તાન છોડવું પડ્યું હો. 18મી સદીમાં બ્રિટને અફઘાનિસ્તાનમાંથી જવું પડ્યું હતું. ત્યાર બાદ 19મી સદીમાં સોવિયેત સંઘે વર્ષ 1979માં અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો પણ એણે ભારે નુકસાન ખમવું પડ્યું હતું અને 1989માં એફઘાનિસ્તાનમાંથી ભાગવું પડ્યું હતું. ત્યાર બાદ અલ કાયદાના આંતકવાદીઓએ 11 સપ્ટેમ્બર, 2001 ચાર એરક્રાફ્ટ હાઇજેક કરીને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બિલ્ડિંગ અને પેન્ટાગોન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 3000 લોકો માર્યા ગયા હતા.

અફઘાનિસ્તાન પર હુમલો કરી અમેરિકા ફસાઈ ગયું

અલ કાયદાથી હુમલાનો બદલો લેવા માટે અમેરિકા અને તેના સાથી નાટો દેશો સાત ઓક્ટોબર, 2001એ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. આ ભીષણ યુદ્ધમાં અમેરિકાને આંશિક સફળતા જ મળી. તાલિબાન સાથે યુદ્ધમાં અમેરિકાને 750 અબજ ડોલરથી વધુનો ખર્ચ થયો. આ યુદ્ધમાં 10,000 લોકોનાં મોત થયાં. આ યુદ્ધમાં અમેરિકાના 2400  સૈનિકોનાં મોત થયાં છે અને 20,000થી વધુ સૈનિકો ઘાયલ થયા છે. હાલ અફઘાનિસ્તાનમાં 13,000 અમેરિકી સૈનિક છે.

ઇરાન અને અમેરિકી ચૂંટણી પર ટ્રમ્પની નજર

આંતરાષ્ટ્રીય મામલાઓના નિષ્ણાત કમર આગાએ કહ્યું હતું કે તાલિબાન સાથે ડીલ કરીને ટ્રમ્પ એક તીરથી બે શિકાર કરી રહ્યા છે. ટ્રમ્પના નિશાને હાલ ઇરાન છે. અમેરિકા ઇરાનમાં સત્તા પરિવર્તન ઇચ્છે છે, પણ અફઘાનિસ્તાનની વર્તમાન સરકાર એમાં સહકાર નથી આપતી. બીજી બાજુ અબજો ડોલર ખર્ચા બાદ અને અનેક સૈનિકોના બલિદાન પછી પણ અમેરિકાને લાભ ના થતાં તાલિબાનથી શાંતિ સમજૂતી કરવી પડી. જેથી સૈનિકોને ચૂંટણી પહેલાં ઘેર મોકલીને ટ્રમ્પ અમેરિકનવાસીઓનું દિલ જીતવા માગે છે.

ભારત પર તાલિબાન કરારની અસર

તેઓ કહે છે અફઘાનિસ્તાનમાં શાંતિ કરારમાં ભારત ભલે એક મહત્ત્વનો પક્ષકાર હોય, પણ એનાથી ભારતનું સંકટ ઘેરાયું છે. તાલિબાનનની સાથે પાકિસ્તાનના સારા સંબંધ છે. આ ડીલ પછી પાકિસ્તાન પોતાની આતંકવાદી શિબિરો અફઘનિસ્તાન શિફ્ટ કરી દેશે. જેથી એ FATAના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળી જશે. આ સિવાય તાલિબાની અફઘાનિસ્તાન પર કબજો કરીને કાશ્મીર બાજુ વળશે.