એલર્જીથી બચાવશે આ ખાદ્ય ચીજો

જો તમને કેટલીક એલર્જીઓ હોય અને તેનાથી છૂટકારો મેળવવા તમે ભારે પ્રયત્નશીલ હો, જેમ કે તમને સતત છીંક આવતી હોય, તમને આંખોમાં ખંજવાળ આવતી હોય, તમારું નાક બંધ રહેતું હોય તો તમારે કંઈક અન્ય રીત પણ અજમાવવાની જરૂર છે. હા, ડૉક્ટર પાસે જવું કે તેમની દવા બંધ કરવાની સલાહ અહીં આપવામાં નથી આવતી, પરંતુ કેટલાંક વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો છે તે લેવાથી કદાચ તમે તમારી એલર્જીથી છૂટકારો મેળવી શકો છો.

અખરોટ

વર્ષ ૨૦૧૭ના એક અભ્યાસ જે જર્નલ ઑફ ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશનમાં પ્રકાશિત થયો હતો તે મુજબ, ઑમેગા-૩ની વધુ માત્રાના કારણે અખરોટ (એલર્જીનાં) લક્ષણો ઘટાડવામાં મદદ કરી શકે છે.

સફરજન

સફરજનથી બીમારી દૂર રહે છે તેવું તો સાંભળ્યું હતું પરંતુ એલર્જી પણ દૂર રહે છે? જર્નલ મૉલેક્યુલ્સમાં વર્ષ ૨૦૧૬માં પ્રકાશિત અભ્યાસ મુજબ, આ વાત સાચી છે. આ ફળમાં ક્વેરસેટિન રહેલું છે જે આવેશ અથવા બળતરા, જે ઘણી વાર એલર્જીની સાથોસાથ આવે છે, તેને ઘટાડે છે, જેના લીધે તમને અસર થતી અટકાવે છે.

હળદર

હળદર આપણા રસોડાના મસાલિયામાં હોય જ છે, ખરું ને? જર્નલ મૉલેક્યુલર ન્યૂટ્રિશન એન્ડ ફૂડ રિસર્ચમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, જો તમને એલર્જી હોય તો તમારા ભોજનમાં તેને લેવાથી તમારાં કેટલાંક લક્ષણો પર કાબૂ હંમેશ માટે મેળવી શકાશે. હળદર બીજા અનેક રોગોને થતા અટકાવવામાં પણ ઉપયોગી છે.

મધ

દવા લેવી ન ગમતી હોય પણ ગળ્યું ભાવતું હોય તો મધ તમારા માટે સારી પસંદગી છે. વર્ષ ૨૦૧૩ના એક અભ્યાસ મુજબ, તમારા આહારમાં તેને ઉમેરવાથી તમે તમારાં એલર્જીનાં લક્ષણોને ટક્કર આપી શકો છો અને ભવિષ્યમાં તેને થતાં અટકાવી પણ શકશો.

લસણ

હળદર માફક ન આવતી હોય તો લસણને અજમાવો. વર્ષ ૨૦૧૫ની એક સમીક્ષામાં જણાયું છે કે તે એલર્જીથી થતી પ્રતિક્રિયાને માત્ર ઘટાડતું જ નથી પરંતુ તે એલર્જી થતાં જ પહેલાં તો રોકે છે. વળી, સ્વાદમાં તે સારું હોય છે.

અનાનાસ

અનાનાસ અથવા પાઇનેપલ, તમારી એલર્જીને દૂર રાખવામાં મદદ કરે છે. તેનું કારણ એ છે કે તેમાં એક કપ દીઠ ૭૯ મિલીગ્રામ વિટામીન સી રહેલું છે જે તમને તમારાં લક્ષણો પર કાબૂ રાખવામાં મદદ કરે છે.

કેરી

જો તમને અનાનાસ ફાવતું કે ભાવતું ન હોય તો કેરી તો ભાવતી જ હશે. કોને ન ભાવતી હોય. તેમાં એક કપ દીઠ ૬૦ મિલીગ્રામ વિટામીન સી હોય છે. તે પણ તમને તમારી એલર્જી સામે લડવામાં મદદ કરે છે અને તેમને તંદુરસ્તીનો અનુભવ કરાવે છે.

ટમેટાં

ટમેટા એલર્જીની સામે લડવાનો સ્રોત લાઇકોપીન ધરાવે છે. તમે તેને અલગ-અલગ રીતે લઈ શકો છો. ચાહે તે સૉસના રૂપમાં હોય કે સલાડના રૂપમાં હોય. તે તમને તંદુરસ્ત રાખશે અને તમારાં એલર્જીનાં લક્ષણોથી પણ બચાવશે.

સ્ટ્રૉબેરી

સ્ટ્રૉબેરીમાં વિટામીન સી કપ દીઠ ૮૫ મિલીગ્રામ હોય છે. તેનાતી તમને એન્ટીઑક્સિડન્ટની સારી માત્રા તો મળે જ છે પરંતુ તમારાં (એલર્જીનાં) લક્ષણો ઘટાડવામાં પણ મદદ કરે છે. સ્ટ્રૉબેરી તમને યુવાન દેખાવામાં મદદ કરતા ૫૦ ખાદ્ય પદાર્થોમાંનું એક છે, તે ભૂલશો નહીં.

શીટકે મશરૂમ

મશરૂમ હંમેશાં આરોગ્ય માટે સારી પસંદગી છે અને જ્યારે એલર્જીથી છૂટકારો મેળવવાની વાત હોય ત્યારે શીટકે સારી પસંદગી છે. તે સુગંધી તો હોય જ છે, પરંતુ તેમાં વિટામીન ડી હોય છે. તેનાથી (એલર્જીનાં) લક્ષણો ઘટે છે. જો તે સૂકું હોય તો તેમાં તાજા મશરૂમ કરતાં વધુ વિટામીન ડી હોય છે. તે થાઇરૉઇડ માટે પણ સારું છે.

પપૈયું

પપૈયું અનેક રીતે સારું છે. પેટની ગરબડ હોય કે કફ થઈ ગયો હોય, પપૈયું તેમાં રાહત આપે છે. પરંતુ સાથે એલર્જીમાં પણ તે સારું છે કારણકે તેમાં એક કપ દીઠ ૧૪૦ મિલીગ્રામ જેટલું વિટામીન સી રહેલું છે. તેનાથી તમને આંખમાં ખંજવાળ કે નાક બંધ થઈ જવા જેવી સમસ્યામાં રાહત મળી શકે છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]