બીમારીઓથી પૂરાં કરી નાંખશે પાણીપુરી…

પાણીપુરી. નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવી ગયું ને? પરંતુ આજકાલ પાણીપુરી ખોટાં કારણોસર ચર્ચામાં છે. રોગચાળો ફેલાતો હોવાથી વડોદરામાં તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ તેના પર પ્રતિબંધ મૂકી દેવાશે તેવું આરોગ્ય રાજ્યપ્રધાન કુમારભાઈ કાનાણીએ કહ્યું છે.

ખાસ કરીને સ્ત્રીઓને પાણીપુરી બહુ ભાવતી હોય છે. શાકભાજી લેવા જતી વખતે કે ઑફિસથી છૂટતી વખતે પાણીપુરીની એક પ્લેટ ખાવાની ઈચ્છા તેઓ રોકી શકતી નથી. આમ પોતાના સ્વાસ્થ્યનું બહુ ધ્યાન રાખે, પરંતુ રસ્તા પર કોઈ ભૈયાને ઊભેલો જોયો નથી ને સ્કૂટરને બ્રેક વાગી નથી!

પાણીપુરીના રસિયાઓ માટે ખરાબ સમાચાર છે. તે એ કે પાણીપુરી તમને બીમારી કરી શકે છે. તે એટલી ભયંકર બીમારી આપી શકે છે કે તમે સહન ન કરી શકો. ગુજરાતમાં વડોદરા મહાનગરપાલિકાએ તો ભૈયાઓ સાફસફાઈ ન રાખતા હોવાનું અને રોગચાળો ફેલાતો હોવાનું કહી તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે જ અમદાવાદમાં મેમનગર પાસે પાણીપુરીમાં સડેલાં બટેટાં વપરાતાં હોવાનો વિડિયો પણ વાઇરલ બન્યો છે.

પણ શું તમને ખબર છે કે પાણીપુરી અને કેન્સર બીમારી વચ્ચે ગાઢ સંબંધ છે. નહીં ને? તો તમને જણાવી દઈએ કે તમને જ્યારે ખબર પડશે કે વારંવાર પાણીપુરી ખાવાથી આ ભયંકર બીમારીને નિયંત્રણ આપી રહ્યા છો તો તમને આઘાત લાગશે.પાણીપુરીની યકૃત (લિવર) પર થતી અસર ખતરનાક છે. પાણીપુરી યકૃતને નુકસાન કરે છે. આનું કારણ એ છે કે પાણીપુરીવાળા ભૈયાઓ વાસી મસાલો (બટેટા-ચણા-મગ વગેરે) વાપરે છે. વળી તેઓ કૃત્રિમ રંગ નાખીને લીલું, ચટાકેદાર પાણી તમને પીરસે છે. આ તમારાં આંતરડાં માટે ખૂબ જ હાનિકારક છે.

તમે રસ્તા પર ઊભા રહીને પાણીપુરીની લારી પર પાણીપુરી તો ટેસડો લઈને ખાવ છો, પરંતુ તેની બનાવવાની પ્રક્રિયા એવી છે કે તેમાં ગંદકીની ભરમાર હોય છે. જ્યારે લારીવાળો આખો હાથ પાણીમાં નાખે છે તો વિચારો કે તે પાણીમાં કેટલી ગંદકી હશે. તેનાથી તમને આંતરડાંનું કેન્સર થવાની સંભાવના રહે છે.

પાણીપુરીનું પાણી બનાવવાની રીત પણ સૌથી ખતરનાક હોય છે. ધાણાભાજી, ફૂદીનો, ચટણીના સ્થાને પાણીમાં કૃત્રિમ રંગ અને વાસી ચીજોનો ઉપયોગ કરાય છે. આટલું બધું પાણી બનાવવા માટે અને આટલા સસ્તા ભાવમાં કોઈ પણ વ્યક્તિ મોટા ભાગે શુદ્ધ ચીજોનો ઉપયોગ ન કરી શકે. તે બજારૂ રંગ તમારા શરીરમાં જામતા રહે છે જે કેન્સરનું કારણ બની શકે છે. જોકે આનો અર્થ એ નથી કે રસ્તા પર લારીવાળા જ આવું કરે છે, હૉટલોમાં પણ આવું જ થતું હોય છે.

તેનાથી બ્લડપ્રૅશર પણ વધી શકે છે. જો તમે બ્લડપ્રૅશરના દર્દી હો તો તમારે પાણીપુરી ન ખાવી જોઈએ. પાણીપુરીના પાણીમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે. તેનાથી તમારા શરીરને નુકસાન થાય છે. સાથે પુરીને અનેકવાર વપરાયેલા તેલમાં તળવામાં આવે છે જે તમારા હૃદય માટે પણ નુકસાનકારક છે.