ડિજિટલ ક્લાસરુમ્સની સંખ્યા 10,000 સુધી લઇ જવાશે

ફાઇલ તસવીર

રાજકોટ- હોમસિટી રાજકોટમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેતાં મુખ્યપ્રધાન વિજય રુપાણીએ લોધિકામાં જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારી શાળાઓમાં ચાલતાં ડિજિટલ ક્લાસરુમની સંખ્યા વધારીને 10,000 કરવામાં આવશે.

ફાઈલ તસવીર

રૂપાણીએ કહ્યું કે, રાજ્યના ગરીબ બાળકોના શિક્ષણની જવાબદારી સરકાર, શિક્ષક અને સમાજની છે અને એટલે જ આ વખતે પાછલા વર્ષોની સાપેક્ષે સૌથી વધુ રૂ. ૨૭ હજાર કરોડની ફાળવણી શિક્ષણ માટે કરી છે. શાળાઓમાં ભૌતિક સુવિધાઓ સાથે શિક્ષણની ગુણવત્તા વધે એ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.

રૂપાણી મિશન વિદ્યા અંતર્ગત લોધિકા તાલુકાની મોટા વડા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને શિક્ષણ સુધારણામાં સરકારે લીધેલા પગલાં અંગે કહેતા તેમણે જણાવ્યું કે ગુણોત્સવમાં દરમિયાન એવું પણ ધ્યાને આવ્યું કે બાળકો વાંચન, ગણન અને લેખનમાં અસક્ષમ છે. તેના ઉપચારાત્મક પ્રયાસ રૂપે રાજ્ય સરકારે મિશન વિદ્યા શરૂ કર્યું છે. બુદ્ધિ ઉપર કોઇનો એકાધિકાર નથી. ગરીબ બાળકો પણ બુદ્ધિમાન હોય છે. તેમને માત્ર તકની જરૂર હોય છે. આવી તક સરકારી પ્રાથમિક શાળામાં પૂરી પાડવામાં આવે છે.

જ્ઞાનદીપ પ્રોજેક્ટ અંતર્ગત ૪૦૦૦ શાળાઓમાં ડિઝીટલ ક્લાસરૂમ શરૂ કર્યા છે. બાળકોને ઓડિયો વિઝ્યુલી શિક્ષણ આપવામાં આવે છે. તેના કારણે બાળકોની ગ્રહણશક્તિમાં વધારો થયો છે. વધારાના ૬૦૦૦ ડિઝીટલ ક્લાસ રૂમ્સ શરૂ કરી તેની સંખ્યા ૧૦ હજાર સુધી કરવામાં આવશે.