અતિસૂક્ષ્મ ડ્રોપ્લેટ કોરોના સંક્રમણના બિનકાર્યક્ષમ વાહક

એક નવા સંશોધન પ્રમાણે જાણવામાં આવ્યું છે કે, કોરોના વાયરસના હવામાં તરતા અત્યંત સૂક્ષ્મ ડ્રોપ્લેટ દ્વારા સંક્રમણ ફેલાવાનો ભય ઓછો છે.

કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં 4 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે. જ્યારે 11 લાખથી વધુ લોકોના જીવ ગયા છે. પરંતુ હવે થોડી હળવાશની વાત એ છે કે, લંડનમાં પ્રકાશિત જર્નલ ‘ફિજીક્સ ઓફ ફ્લ્યૂડ્સ’માં છપાયેલા એક અધ્યયન મુજબ હવામાં રહેલા અતિસૂક્ષ્મ ડ્રોપ્લેટ્સથી કોરોના વાયરસના ફેલાવાની શક્યતા નહીંવત્ છે.

એક નવા સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે, વ્યક્તિના ખાંસવા કે છીંકવાથી મોંઢામાંથી નીકળીને હવામાં ફેલાયેલા એયરોસોલ માઈક્રોડ્રોપ્લેટ્સ (હવામાં તરતા અત્યંત સૂક્ષ્મ બિંદુઓ) કોરોના વાયરસના ફેલાવા માટે જવાબદાર નથી. ‘ફિજીક્સ ઓફ ફ્લ્યૂડ્સ’માં પ્રકાશિત અધ્યયન મુજબ બંધ સ્થાનકોમાં સાર્સ-સીઓવી-2ના એયરોસોલ (સૂક્ષ્મ બિંદુઓ)નો ફેલાવો બહુ અસરકારક નથી હોતો.

સંશોધનકારોએ એક વકતવ્યમાં જણાવ્યું કે, ‘કોઈ વ્યક્તિ એવી જગ્યાએ પહોંચે, જ્યાં થોડીવાર પહેલાં કોરોના વાયરસના હળવા લક્ષણ ધરાવતી વ્યક્તિ હાજર હોય. તો પણ તે બીજી વ્યક્તિ આ વાયરસના સંક્રમણના પ્રભાવમાં આવવાની શક્યતાઓ ઘણી ઓછી છે.’

અધ્યયનમાં વધુમાં જણાવવામાં આવ્યું કે, ‘અમારા અધ્યયન દ્વારા એ સાબિત થયું છે કે, સાર્સ-સીઓવી-2ના એયરોસોલનો પ્રસાર સંભવ છે, પણ તે વધુ પ્રભાવશાળી નથી. ખાસ કરીને લક્ષણ વગરના અથવા ઓછા લક્ષણ ધરાવનાર કોરોના સંક્રમિતોના કિસ્સામાં.’ એમ્સટર્ડમ વિશ્વવિદ્યાલયમાં આ અધ્યયનના સહ-લેખક ડેનિયલ બૉનનું કહેવું છે કે, ‘અતિ સૂક્ષ્મ કણ હોવાને કારણે તેમાં વાયરસની સંખ્યા નહીંવત્ જેવી હોય છે, આથી જ એનાથી સંક્રમણના ફેલાવાનો ભય ઓછો રહેલો છે.’

ડેનિયલ બૉન વધુમાં સૂચવે છે કે, ‘મોંઢા પર માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવું તેમજ એવી અન્ય તકેદારી રાખવાથી કોરોના સંક્રમણનો ફેલાવો રોકી શકાય છે.’