‘તમારો આ દીકરો તમારુ જ નહીં સમગ્ર દેશનું નામ રોશન કરશે’ સાવ સામાન્ય પરિવારમાં એક દીકરાના જન્મ સમયે જયોતિષે આ ભવિષ્યવાણી કરી હતી. માતા-પિતાએ જાણીને ખુબ હરખાયા પરંતુ આજે આખો દેશ એમના માટે ગર્વ લઈ રહ્યો છે. કારણ કે એ જ્યોતિષની ભવિષ્વાણી આજે સાચી ઠરી છે. વાત છે ભારતના લોકપ્રીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદર દાસ મોદીની. આજે એમનો 73મો જન્મ દિવસ. ત્યારે એક નજર એમની જીવન સફર પર…
બાળપણમાં પિતાને ચાના સ્ટોલ પર મદદ કરતા
મોર્નિંગ કન્સલ્ટના ગ્લોબલ લીડર એપ્રુવલ સર્વેમાં પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. નરેન્દ્ર મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં ઉત્તર ગુજરાતના વડનગર ખાતે થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને માતા હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન એટલે નરેન્દ્ર મોદી. બાળપણમાં પોતાના પિતા સાથે મોદી ચાના સ્ટોલ પર મદદ કરતા હતા અને ત્યાર બાદ એમણે પોતાનો પણ ચાનો સ્ટોલ ચલાવ્યો. એમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. એમનું જીવન સંઘર્ષથી ભરેલુ હતુ. પરિવારની પરિસ્થિતિ સારી નહોતી. ગરીબીના એ જમાનામાં આપણા પ્રધાનમંત્રીએ ખૂબ સંઘર્ષ કર્યો હતો.
નાની ઉંમરે જ સંઘના સંગમાં આવ્યા
માત્ર 8 વર્ષની ઉંમરમાં જ મોદી આરએસએસના સંપર્કમાં આવ્યા અને આ સંગઠન સાથે એમની લાંબી સફળ શરૂ થઈ. મોદી 1985માં બીજેપીમાં શામેલ થઈ ગયા. આરએસએસ સાથે લાંબા સમય સુધી રહ્યા બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. એમના રાજનૈતિક પ્રવાસને વેગ ત્યારે મળ્યો જ્યારે એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ચૂંટાયા. નરેન્દ્ર મોદી ભારતના 14માં પ્રધાનમંત્રી છે, જેમણે 2014માં ભારતીય જનતા પાર્ટીની પ્રભાવશાળી જીતનું નેતૃત્વ કર્યુ. મોદી વિશેની એક રસપ્રદ વાત એ છે કે તેઓ પહેલી વાર ધારાસભ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આ રીતે તેઓ પહેલી વાર સાંસદ તરીકે ભારતના પ્રધાનમંત્રી બન્યા.
પ્રધાનમંત્રીની સફળ..
– રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને ત્યારબાદ RSS માં જોડાયા.
– 1987 – દેશભરમાં હિન્દુત્વનો જુવાળ ઊભો થયો હતો ત્યારે મોદી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
– 1990 – ભાજપના નેતા એલ.કે. અડવાણીની અયોધ્યાથી ગુજરાતના સોમનાથ મંદિર સુધીની રામ રથયાત્રાના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
– 1994 – ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી.
– 1995 – ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનાવાયા અને એમને પાંચ રાજ્યોનો હવાલો સોંપવામાં આવ્યો.
– 1998 – મહામંત્રી તરીકે નિયુક્ત કરાયા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી અને પક્ષમાં મહત્વ વધી ગયું.
– 7મી ઓક્ટોબર,2001: ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં
– 2002 -વિધાનસભાની 182 સીટોમાંથી 127 સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્યો.
– 2007 – ગુજરાતમાં ત્રીજી વાર મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા.
– 26, ડિસેમ્બર 2012 – ગુજરાતની ચૂંટણી ફરી જીતી લીધી. 182માંથી 115 બેઠકો જીતી. સળંગ ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ.
– 17મી સપ્ટેમ્બર, 2012 – એમના જન્મ દિવસે ગુજરાતના લોકોની સેવામાં 4000 દિવસ પૂર્ણ કર્યાં. સળંગ બાર વર્ષો સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન પદે રહેવાનો તેઓ વિક્રમ ધરાવે છે .
– 2013: 9 જૂન – ગોવામાં ભાજપે મોદીને દેશની 2014ની ચૂંટણીના પ્રચાર માટેની સમિતિના વડા તરીકે નિમ્યા.
– 13 સપ્ટેંબર 2013 – ભાજપ અને એનડીએના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા.
– 26, મે- 2014 – ભારતના વડાપ્રધાન પદે શપથ લીધા જે આજ સુધી અવરીત છે.
અનેક સિદ્ધિઓ મેળવી
નરેન્દ્ર મોદી એક એવું નામ જેણે ભલભલા રાજકીય પંડિતો, ભલભલા જ્યોતિષો અને દુનિયાભરના રાજનેતાઓને ખોટા ઠેરવીને સાહસ અને સંઘર્ષ થકી સફળતાનો અલગ માર્ગ બનાવ્યો. એક સામાન્ય ચા વાળાથી લઈને વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશના બબ્બે વાર પ્રધાનમંત્રી બન્યા. જી20 સમીટની અધ્યક્ષતા કરીને દુનિયાની મહાસત્તાઓને ભારત સમક્ષ ઝુકાવવાની વાત હોય પીએમ મોદીને એકબાદ એક મોટી મોટી સફળતાઓ મળી. નોટબંધી હોય કે સર્જિકલ સ્ટ્રાઈક, કોરોના વખતે લોકડાઉન હોય કે પછી દેશભરમાં વેક્સીનેશન પ્રધાનમંત્રી મોદી કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલાં સહેજ પણ ખચકાતા નથી. એમની રાજકીય સૂઝબૂઝ, અથાક પરિશ્રમ ઉપરાંત બીજી પણ અનેક વસ્તુ છે જે એમના સંઘર્ષથી સફળતાના શિખર સુધી સતત એમની સાથે રહી છે.
ઈનસાઈડ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજકારણની દુનિયામાં એમની ચાણક્ય બુદ્ધિથી તો દેશ અને દુનિયાના લોકો એમને સુપરે ઓળખે છે. પણ આ કુશળ રાજકીય નેતામાં એક સંવેદનશીલ કવિ હ્રદય પણ ધબકી રહ્યું છે એની બહુ ઓછા લોકોને ખબર હશે. મોદીના પ્રથમ કાવ્યસંગ્રહ આંખ આ ધન્ય છે નું વિમોચન એપ્રિલ 2007માં મુંબઈમાં થયું હતું એ પછી તો એમણે ડાયરી અને અનેક પુસ્તકો લખ્યા. જે લોકપ્રિય બન્યા છે.
માતાના સૌથી નજીક
પીએમ મોદી માતાના ખૂબ જ નિકટ છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા પોતાની માતાના આશીર્વાદ લેવાનુ ભૂલતા નથી. મોદીએ કહે છે, માની મમતા, માતાના આશીર્વાદથી જીવન જીવવાની જડીબુટ્ટી મળે છે.
નરેનદ્ર મોદી એક એવુ વ્યક્તિત્વ છે જે એક ગુજરાતી તરીકે માત્ર ગુજરાતમાં જ નહીં દેશ અને વિશ્વફલક પર પોતાની આગવી પ્રતિભા ધરાવે છે.
હેતલ રાવ
પ્રજ્ઞેશ વ્યાસ