આજની 1લી ફેબ્રુઆરી ભારતની આર્થિક સફર માટે અત્યંત નિર્ણાયક સાબિત થવા જઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં પોતાનું સતત 9મું બજેટ રજૂ કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરશે.

વર્તમાન સમયમાં જ્યારે અમેરિકાની નવી ટેરિફ નીતિઓ અને વૈશ્વિક રાજકીય ઉથલપાથલને કારણે વિશ્વભરમાં આર્થિક અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે, ત્યારે ભારતની મજબૂત સ્થાનિક માંગ અને સ્થિર અર્થતંત્ર પર આખા વિશ્વની નજર છે. સરકાર માટે પડકાર એ રહેશે કે તે દેશની વિકાસની ગતિને વેગ આપવા અને નાણાકીય ખાધને અંકુશમાં રાખવા વચ્ચે કેવી રીતે સંતુલન જાળવે છે.
વિકાસનો અંદાજ અને સામાન્ય જનતાની અપેક્ષાઓ
તાજેતરમાં રજૂ થયેલા આર્થિક સર્વે 2025-26ના આંકડાઓ મુજબ, આગામી વર્ષમાં ભારત 6.8% થી 7.2% ના દરે વિકાસ કરશે તેવો આશાવાદ છે. ભારત પાસે યુવા વસ્તીનું મોટું બળ છે, પરંતુ તેમની માટે ગુણવત્તાયુક્ત રોજગારનું સર્જન કરવું અને આરોગ્ય ક્ષેત્રે સુધારા લાવવા એ સરકારની પ્રાથમિકતા રહેશે. ખાસ કરીને મધ્યમ વર્ગના કરદાતાઓ આશા રાખી રહ્યા છે કે આ બજેટમાં આવકવેરાના સ્લેબમાં ફેરફાર થાય અથવા સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારવામાં આવે. સાથોસાથ, ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે ખેડૂતો માટે નવી યોજનાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ સરકારી રોકાણ વધવાની પૂરી શક્યતા છે. આ બજેટ માત્ર નાણાકીય દસ્તાવેજ નથી, પરંતુ ‘વિકસિત ભારત’ તરફ આગળ વધવાનું એક મજબૂત પગલું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં દેશનું લેખાજોખું રજૂ કરવામાં આવે તે પૂર્વે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની મહત્વની બેઠક શરૂ થઈ ગઈ છે. સંસદ ભવનમાં યોજાઈ રહેલી આ બેઠકમાં બજેટ 2026 ના અંતિમ પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે અને તેને ઔપચારિક રીતે મંત્રીમંડળની મંજૂરી આપવામાં આવશે. આ એક અનિવાર્ય બંધારણીય પરંપરા છે, જેમાં નાણામંત્રી મંત્રીમંડળના સાથીઓને બજેટની મુખ્ય જોગવાઈઓથી માહિતગાર કરે છે અને PM મોદીની મહોર બાદ જ આ દસ્તાવેજ જાહેર જનતા સમક્ષ રજૂ કરવામાં આવે છે. કેબિનેટની આ બેઠક બાદ નાણામંત્રી સીધા લોકસભાના હોલમાં જશે, જ્યાં સવારે 11 વાગ્યે તેઓ ઐતિહાસિક બજેટ ભાષણનું વાંચન શરૂ કરશે.




