ભારતીય અર્થતંત્ર માટે આજનો સૌથી મહત્વપૂર્ણ ગણાતો સમય આવી ગયો છે, કારણ કે લોકસભામાં કાર્યવાહીના પ્રારંભ સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરવાનું શરૂ કરી દીધું છે.

- કન્ટેનર મેન્યુફેક્ચરિંગ માટે 10 હજાર કરોડ
- ટેક્સટાઇલમાં આધુનિકરણને પ્રોત્સાહન મળશે
- દેશી કપડા માટે વિશેષ મદદ
- ઓરિસ્સા, કેરળ, આંધ્ર અને તમિલનાડુમાં રેર અર્થ કોરિડોર
- મેગા ટેક્સટાઇલ પાર્કનું નિર્માણ કરાશે
- 200 વિરાસતોનો કાયાકલ્પ કરાશે
- 1000થી વધુ ક્લિનિકલ સાઇટ તૈયાર કરાશે
- આત્મનિર્ભર ભારત માટે 2 હજાર કરોડ
- ટીયર બે અને ત્રણના શહેરોનો વિકાસ કરાશે
- જૈવિક દવાઓ બનાવવા પર ભાર મુકાશે
- દેશમાં પાંચ વર્ષમાં 20 નવા જળ માર્ગો શરૂ થશે
- બનારસ અને પટનામાં જહાજ મરામત કેન્દ્ર બનશે
- 5 લાખથી વધુ આબાદીવાળા શહેરોનો વિકાસ થશે
- બેન્કિંગ ક્ષેત્રમાં સુધારા માટે હાઈ લેવલ કમિટી
- દિલ્હી,વારાણસી હાઈસ્પીડ રેલ કોરિડોર
- મુંબઈ,પુણે હાઈસ્પીડ રેલ કોરિડોર
- વારાણસી,સીલીગુડી હાઈસ્પીડ રેલ કોરિડોર
- હૈદરાબાદ ચેન્નઈ હાઈસ્પીડ રેલ કોરિડોર
- જામનગરમાં આયુર્વેદનું સંશોધન કેન્દ્ર બનશે
સવારે 11 વાગ્યે સંસદના પટલ પરથી પોતાના ભાષણની શરૂઆત કરતા નાણામંત્રી આગામી વર્ષ માટે સરકારના આર્થિક લક્ષ્યાંકો, ટેક્સના માળખામાં સંભવિત ફેરફારો અને વિવિધ ક્ષેત્રો માટેની નાણાકીય ફાળવણીની વિગતો આપી રહ્યા છે. આ વર્ષનું બજેટ એટલા માટે પણ ખાસ છે કારણ કે તે ડિજિટલ સ્વરૂપે રજૂ કરવામાં આવી રહ્યું છે અને તેમાં ભારતને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવાની દિશામાં અનેક નવી યોજનાઓની જાહેરાત થવાની શક્યતા છે. દેશભરની જનતા, રોકાણકારો અને ઉદ્યોગ જગતની નજર અત્યારે નાણામંત્રીના દરેક શબ્દ પર ટકેલી છે, જે આગામી એક વર્ષ માટે દેશની આર્થિક પ્રગતિની દિશા નક્કી કરશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં વૈશ્વિક આર્થિક પડકારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વર્તમાન સમયમાં જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર અને બહુપક્ષીય સમજૂતીઓ જોખમમાં છે, ત્યારે નવી ટેક્નોલોજી ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો લાવી રહી છે. ભારતે આ બદલાતા પ્રવાહોને સ્વીકારીને વૈશ્વિક બજારો સાથે વધુ મજબૂતીથી જોડાવું પડશે અને પોતાની નિકાસ ક્ષમતામાં ધરખમ વધારો કરવો પડશે.
વિકસિત ભારતના લક્ષ્ય તરફ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહેલી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દેશની આ આર્થિક પ્રગતિના લાભો માત્ર શહેરો પૂરતા સીમિત ન રહેતા તમામ વંચિત વર્ગો અને મહિલાઓ સુધી સમાન રીતે પહોંચે. વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં જનતાના સાથ અને સહકાર બદલ આભાર વ્યક્ત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ભારત પોતાની ઉત્પાદન પ્રણાલીઓને આધુનિક બનાવીને આત્મનિર્ભરતાના માર્ગે અવિરત કૂચ ચાલુ રાખશે.




