મહિલા અનામતઃ બિલ કરતાં ‘વીલ’ જરૂરી

ક્યારેક લોકસભામાં તો ક્યારેક રાજ્યસભામાં, ક્યાંક પસાર થતું તો ક્યાંક અટવાતું આવેલું મહિલા અનામત બિલ ફરીથી લોકસભાના ટેબલ પર ધડામ કરતુંકને પછાડવામાં આવ્યું છે. ફરક એટલો જ છે કે અગાઉ જ્યારે જ્યારે બિલ રજૂ થયું ત્યારે તત્કાલિન સરકાર પાસે સંસદના બન્ને ગૃહમાં પૂરતું સંખ્યાબળ નહોતું (કે પછી પૂરતી ઇચ્છાશક્તિનહોતી). આ વખતે મોદી સરકારે લાગ જોઇને તીર મારેલું છે અને એમની પાસે સંખ્યાબળ ય છે એટલે આ વખતે મહિલા બિલ બન્ને ગૃહની વૈતરણી પાર કરીને વાસ્તવિકતાના કિનારે લાંગરે એવી શક્યતા ઊજળી દેખાય છે.

 

અલબત્ત, એને કાંઠે આવતાં આવતાં હજી ઘણા રાજકીય તોફાનોનો સામનો કરવાનો છે એટલે એની ચર્ચા તો લાંબી ચાલશે, પણ એ હકીકત છે કે દેશના બદલાયેલા રાજકીય હવામાનમાં હવે કોઇપણ રાજકીય પક્ષ આ બિલને આડે આવીને અટકાવવાનું જોખમ લઇ શકે એમ નથી.

કેમ આ બિલ હંમેશા રાજકીય તોફાનને તાણી લાવે છે? આ સમજવા માટે નીચેના મુદ્દાઓ પર નજર ફેરવીએઃ

એકઃ બિલ નહીં, ‘વીલ’નો અભાવ હતો  

છેક 1989ના મે મહિનામાં રાજીવ ગાંધી સરકારે એને લોકસભામાં પસાર કરાવ્યું, પણ રાજ્યસભામાં એ પસાર ન થઇ શક્યું.  એ પછી 1992-93માં પી. વી. નરસિંહારાવની સરકારે મહિલાઓને અનામત આપવાની વેતરણ તો કરી, પણ બંધારણના એ 72 અને 73મા સુધારામાં ફક્ત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પંચાયતો અને નગર-મહાનગરપાલિકાઓમાં જ આરક્ષણની જોગવાઇ થઇ શકી. 12 સપ્ટેમ્બર, 1996 ના રોજ દેવગૌડા સરકારે 81મો બંધારણીય સુધારો રજૂ કરીને આ બિલ રજૂ કર્યું, પણ ખુદ દેવગૌડાજીની સરકાર જ ખોડંગાતી ખોડંગાતી ચાલતી હતી તો એમાં આ બિલ ક્યાંથી પસાર થાય?

વચ્ચે ગીતા મુખરજીના વડપણ હેઠળ કમિટી ય બની અને એની ભલામણો ય આવી, પણ એ સમયગાળાની સરકારો બહુમતીવાળી નહીં, પણ ટેકણલાકડીથી ચાલતી સરકારો હતી એટલે કોઇપણ સરકાર પાસે બિલને કાયદો બનાવવાનું વીલ કે બહુમતી નહોતા. વાજપેયી સરકારે 1998, 1999, 2002 અને 2003માં એમ ચાર પ્રયત્ન કર્યા, પણ નિષ્ફળતા જ હાથ લાગી. માયાવતી, જયલલિતા અને મમતા જેવી બહેનોથી પરેશાન થતી આવેલી વાજપેયી સરકાર બહેનોનું જ બિલ પાસ ન કરાવી શકી!

છેલ્લે, મનમોહનસિંહની સરકારે 9 માર્ચ, 2010ના રોજ રાજ્યસભામાં આ બિલ પસાર કરાવ્યું, પણ લોકસભામાં એ ઠેબે ચડ્યું તે ચડ્યું તે છેક હવે 2023માં મોદી સરકારે ફરીથી એને લોકસભામાં રજૂ કર્યું છે. જે રીતે આ બિલ બન્ને ગૃહમાં વારંવાર પછડાતું આવ્યું છે એમાંથી એક જ અર્થ નીકળે છેઃ જે તે સમયની સરકારો અને વિરોધ પક્ષોમાં બિલ માટેના વીલનો અભાવ હતો.

બેઃ  આવું ખાલી ભારતમાં જ છે?

યુનાઇટેડ નેશન્સની પાંખ યુએન-વિમેનના અહેવાલ પ્રમાણે, 1 જાન્યુઆરી, 2023ની સ્થિતિએ વિશ્વના 31 દેશમાં 34 મહિલા કાં તો રાષ્ટ્રના વડા તરીકે, કાં તો સરકારના વડા તરીકે કાર્યરત છે. ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનના આંકડા કહે છે કે, વિશ્વભરના પાર્લામેન્ટ્સમાં મહિલાઓની ભાગીદારી સરેરાશ 26.2 ટકા છે. ભારતમાં 2019માં લોકસભામાં સૌથી વધારે 78 મહિલા સભ્યો છે તો રાજ્યસભામાં 2014માં સૌથી વધારે 31 મહિલા સભ્યો હતી. આ દ્રષ્ટિએ ભારતમાં આ સરેરાશ 12.7 થી 14 ટકા રહી છે.

એક સમયે દુનિયાએ માર્ગારેટ થેચર, એન્જેલા માર્કેલ અને ઇન્દિરા ગાંધી જેવી મહિલાઓને શક્તિશાળી રાષ્ટ્ર પર શાસન કરતી પણ જોઇ છે. ન્યુઝીલેન્ડ અને ફિનલેન્ડ જેવા નાનકડાં રાષ્ટ્રોની યુવાન મહિલા શાસકો હમણાં સુધી ન્યુઝમાં રહેતી આવી છે, તો આઇરની એ પણ છે કે અમેરિકા જેવા વિશ્વના સૌથી લિબરલ અને ડેમોક્રેટિક ગણાતા દેશમાં હજુ કોઇ મહિલા પ્રમુખ બની શકી નથી.

ત્રણઃ ભારતમાં વિરોધાભાસ કે ફક્ત ભાસ?

આપણે ત્યાં મહિલાના દરજ્જા, સમાનતાની વાત નીકળે (ખાસ કરીને મહિલા દિન વખતે) એટલે સોશિયલ મિડીયાના ચોતરે વાકપટુઓ બન્ને તરફની લોકપ્રિય દલીલો ફેંકવા માંડે છે કે, આ દેશમાં તો ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા’ના સંસ્કાર છે. તો સામે એ જ દેશમાં સતીપ્રથા જેવા કુરિવાજો ય છે અને મહિલાને પુરુષ પોતાની ‘સંપત્તિ’ કે ‘ચીજ’ પણ ગણે છે.

ઇનશોર્ટ, મહિલાના દરજ્જાને લઇને આપણે ત્યાં જે વિરોધાભાસ છે એ રાજકારણમાં ય છે. 1947માં જે દેશની ગણના સાવ પછાત અને ગરીબ દેશ તરીકે થતી હતી એ દેશનું બંધારણ ઘડવામાં રાજકુમારી અમ્રિત કૌર, હંસા મહેતા અને સરોજિની નાયડુ જેવી પંદર વિદૂષીનો પણ સિંહણફાળો હતો. અમુક રાષ્ટ્રોમાં મહિલાઓને મતાધિકાર નહોતો ત્યારે ભારતમાં મહિલાઓ કોને મતાધિકાર આપવો એ નક્કી કરવામાં આગળ હતી. અમેરિકાએ હજુ મહિલા રાષ્ટ્રપ્રમુખ આપી નથી, પણ ભારત વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ એમ બન્ને પદ પર મહિલાને ક્યારનુંય બેસાડી ચૂક્યું છે.

અલબત્ત, ફેસબુકમાં પોપ્યુલર લાગે એવી આ બધી દલીલો સામસામે અસ્તિત્વ ધરાવતી હોવા છતાં સત્ય એ છે, મહિલાઓની રાજકારણમાં ભાગીદારીના વાત આવે તો ભારત વિશ્વની એવરેજ કરતાં હજુ પાછળ છે. આપણે ત્યાં અમુક અપવાદો સિવાય મહિલાઓની રાજકારણમાં ભાગીદારી એ પણ ફક્ત એક ‘ભાસ’ છે.

ભાસ એટલા માટે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામત આવ્યા પછી દેશભરમાં અંદાજે 15 લાખ મહિલાઓ પંચાયત અને પાલિકાઓમાં (ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના અંબર કુમાર ઘોષના એક સંશોધનપત્ર પ્રમાણે) બિરાજતી હોવા છતાં સાચો વહીવટ એમના પતિદેવો જ કરે છે. અપવાદો સિવાય વિધાનસભા અને લોકસભામાં આવતી મહિલાઓમાંથી મોટાભાગની મહિલાઓ કાં તો રાજકીય ઘરાનામાંથી આવે છે અને કાં તો એ એમના પતિ-પિતા-ભાઇની ‘પ્રોક્સી’ તરીકે ચૂંટાઇને આવેલી છે. એક અંદાજ પ્રમાણે, 2019ની લોકસભા ચૂંટણીમાં 716 મહિલા ઉમેદવાર હતી, જે અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા છે, પણ એમાંથી 41 ટકા મહિલાઓ કોઇકને કોઇક રાજકીય પરિવારમાંથી જ આવતી હતી. કહેવાનો મતલબ એ જ છે કે હિલેરી ક્લિન્ટન અમેરિકાની સેક્રેટરી ઓફ સ્ટેટ જેવા પાવરફૂલ પદ પર હોય એ મહિલાની રાજકારણમાં ભાગીદારીની વાસ્તવિકતા છે, પણ રાબડીદેવી બિહારની મુખ્યમંત્રી હોય એ મહિલા ભાગીદારીનો ફક્ત ભાસ છે.

એ પણ ભૂલવા જેવું નથી કે આપણા સામાજિક-રાજકીય માહોલમાં મહિલાઓ માટે રાજકારણમાં સ્વતંત્ર રીતે, પોતાની મહેનત અને ક્ષમતાથી આગળ વધવું એ એટલું જ દુષ્કર પણ છે. રાત-દિવસ જાહેરજીવનમાં રખડવા માટે કાં તો ‘કાસ્ટીંગ કાઉચ’નો ય સામનો કરવો પડે ને મહત્વાકાંક્ષી હો તો કેટલાય સમાધાનો કરવા પડે. ન ગમે, પણ આ નગ્ન સત્ય છે.

આ સંજોગોમાં વિધાનસભા-લોકસભામાં 33 ટકા મહિલા અનામત આવ્યા પછીય ખરા અર્થમાં લાયક અને સક્ષમ હોય એવી કેટલી મહિલાઓ ત્યાં સુધી પહોંચી શકે છે એ પણ સવાલ છે.

ચારઃ બિલ વિપક્ષી એકતાનું ‘વીલ’ તોડશે?  

2024ની લોકસભા ચૂંટણીના સાત મહિના પહેલાં જ આ બિલ લાવીને મોદી સરકારે રાજકીય રીતે આમ તો પાક્કું તીર માર્યું છે. બિલનો અમલ 2024 ની ચૂંટણીમાં થવાનો નથી, કેમ કે 2021ની વસતી ગણતરી હજુ બાકી છે અને નવા સિમાંકનની પ્રક્રિયા હજુ 2026માં હાથ ધરાવાની છે એટલે ચૂંટણીમાં અમલ નહીં થાય તો ય બિલ પાસ કરાવવાનો જશ આ સરકારને મળવાનો છે.

વળી, આ બિલ વિપક્ષી એકતામાં પણ ભંગાણ પડાવી શકે છે. 2010માં મનમોહનસિંહની સરકાર વખતનો રાજકીય ઘટનાક્રમ યાદ કરી જોજો. નીતિશકુમાર અને શરદ યાદવ વચ્ચેના ભંગાણનું કારણ આ બિલનું સમર્થન જ હતું. સમાજવાદી પક્ષ અને આરજેડી પણ આડા ફાટેલા. આ વખતે વિપક્ષી મોરચો નામે ઇન્ડિયા માંડમાંડ એક અને મજબૂત દેખાતો હતો એમાં આ બિલના કારણે ફાચર પડી શકે છે.

કોંગ્રેસ તો આઉટરાઇટ આ બિલના સમર્થનમાં છે, પણ અન્ય કોઇ પક્ષ પણ સીધી રીતે મહિલા અનામતનો વિરોધ કરી શકે એમ નથી, પણ અનામત ક્વોટામાં ય એસસી-એસટી-ઓબીસી માટે આરક્ષણને લઇને એમાં રોડાં તો નાખી જ શકાય છે. આ સંજોગોમાં બિલ ક્યાંક અટવાય તો અપજશ ય વિપક્ષને જ મળે. વિપક્ષી મોરચો તૂટવાને કારણ ય મળે. ઇનશોર્ટ, આ બિલ આગામી સમયનો રાજકીય ઘટનાક્રમ નક્કી કરશે.

સૌથી મજાની વાત એ છે કે, દેશની કોઇપણ મહિલાને મત આપવાની સાથે સાથે ચૂંટણી લડવાનો અધિકાર છે એ વાત તો બંધારણના આર્ટીકલ 325 અને 326માં લખીને આપી દેવાઇ છે. રાજકારણમાં મહિલાઓની ભાગદારી વધે એ માટે બંધારણ ઘડનારાઓએ દૂરંદેશી વાપરીને આ જોગવાઇ કરેલી. કમનસીબે, એને વાસ્તવમાં લાવતા 75 વર્ષ લાગ્યા છે, અને તો પણ, આ દર(બિલ)માંથી હિલેરી ક્લિન્ટનો વધારે નીકળે છે કે રાબડીદેવીઓ એ હજુ અનિશ્ચિત છે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)   

(તસવીરો પ્રતીકાત્મક છે.)