ગુજરાતમાં નવા સીમાંકન બાદ વિધાનસભામાં મહિલાઓ માટે બેઠકો વધી જશે

રાજ્યમાં નવા સીમાંકન બાદ વિધાનસભામાં મહિલાઓ માટે બેઠકો વધી જશે. જેમાં નવા સીમાંકન બાદ ગુજરાત વિધાનસભામાં 76 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. 50 % મહિલા અનામતવાળા ગુજરાતને ’33 ટકા’નો મજબૂત લાભ મળશે. તથા હાલમાં 182 પૈકી 13 મહિલા MLA છે, નવા સીમાંકનથી કુલ બેઠકો 230ને પાર થશે! લોકસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ પર આજે ચર્ચા થશે. જેમાં લોકસભામાં સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી ચર્ચા થશે. તેમાં બિલ પર ચર્ચા માટે 7 કલાકનો સમય નક્કી કરાયો છે. બિલ પર કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી બોલશે. ભાજપ તરફથી નિર્મલા સીતારમણ બિલ પર બોલશે. તથા સ્મૃતિ ઈરાની, દીયા કુમારી, ભારતી પવાર પણ બોલશે. તેમજ ભાજપથી અપરાજિતા સારંગી, સુનીતા દુગ્ગલ પણ બોલશે.

લોકસભાની કુલ બેઠકો 800 પહોંચશે તો ગુજરાતમાં 42માંથી 14 મતક્ષેત્રો મહિલા માટે રહેશે. ભારતની સંસદે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવા વિધેયક રજૂ કર્યુ છે. આ વિધેયક પસાર થયા બાદ તેનો અમલ નવા સીમાંકન પછી કરવામાં આવશે. પ્રાથમિક અનુમાન મુજબ નવા સીમાંકનથી ભારતમાં લોકસભાની બેઠકો 543માંથી વધીને 800ને પાર થશે. તે જ પ્રમાણે ગુજરાત વિધાનસભાની બેઠકો પણ 182થી વધીને 230 થવાની ધારણાં છે. આ સ્થિતિમાં 33 ટકા મહિલા જનપ્રતિનિધિત્વ દાખલ થતા આગામી ચાર- પાંચ વર્ષ પછી ગુજરાત વિધાનસભામાં મહિલાઓ માટે 76 બેઠકો અનામત રહી શકે છે.

માત્ર વિધાનસભા જ નહી પરંતુ, નવા સીમાંકન બાદ લોકસભાની બેઠકો જો 800ને પાર થશે તો ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદોની સંખ્યા પણ 26થી વધી 42 આસપાસ રહશે. તેમાંથી 33 ટકા લેખે 14 મતક્ષેત્રો મહિલાઓ માટે અનામત રહેશે તેવુ પ્રારંભિક અનુમાન છે. સંસદમાં રજૂ થયેલા 33 ટકા મહિલા અનામતના સુધારાથી ગુજરાતને મજબૂત લાભ મળશે ! કારણ કે, ગુજરાતમાં 12 વર્ષ પહેલા જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અર્થાત ત્રિ- સ્તરીય પંચાયતી રાજની સંસ્થાઓ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકામાં 50 ટકા જનપ્રતિનિધિત્વ (બેઠકો) અને મેયર, પ્રમુખ સહિતના હોદ્દાઓ મહિલાઓ માટે અનામત છે.