૩૧ ઓક્ટોબર વિશ્વ જાદુગર દિવસ: જાદુગર કે.લાલ, જાદુપ્રેમી રાજ કપૂર

દુનિયાભરમાં વેલેન્ટાઈન્સ ડે’, ‘મધર્સ ડે’, ‘ફાધર્સ ડે’, ‘ફ્રેન્ડશિપ ડે’, ‘રોઝ ડે’ જેવા અનેક દિવસો ઉજવવામાં આવે છે. પણ દર વર્ષે 31 ઓક્ટોબરે ‘વર્લ્ડ મેજિક ડે’નીય ઉજવણી કરવામાં આવે છે એ પણ જાણી લેવાની જરૂર છે. પોતાની જાદુઈ વિદ્યા, ઈન્દ્રજાલ, ચમત્કાર વડે દર્શકોને મંત્રમુગ્ધ કરવાની કળા ધરાવતા જાદુગરો આ દિવસ પોતાની રીતે ઉજવે છે. જાદુ બે પ્રકારના હોય છે. એક, હાથની ચાલાકી અને બીજું સંમોહન (હિપ્નોટિઝમ). દુનિયામાં એક એકથી ચડિયાતા જાદુગરો થઈ ગયા અને છે, તો ભારત પણ કંઈ કમ નથી.

ભારતના મહાન જાદુગરોમાં કે. લાલની ગણના કરવામાં આવે છે. એમનું મૂળ નામ કાંતિલાલ ગિરધારીલાલ વોરા. એમનો જન્મ 1924માં બગસરામાં થયો હતો અને 2012ની 23 સપ્ટેંબરે એમનો દેહાંત થયો હતો. 62 વર્ષ લાંબી કારકિર્દીમાં કે. લાલે દેશ-વિદેશમાં 22 હજાર જેટલા જાદુનાં શો કર્યા હતા. આજે ‘વિશ્વ જાદુગર દિવસ’ નિમિત્તે કે. લાલનું સ્મરણ કરીએ. એમના વિશે ‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’માં 2002ના દીપોત્સવી અંકમાં પ્રકાશિત કરાયેલો હેતલ દેસાઈ દ્વારા લિખિત લેખ અહીં પુનઃ પ્રસ્તુત કરીએ છીએ.

રાજ અને લાલ: જોડી અનોખી, મેળ અનોખો

રાજ કપૂરના જીવન અને એમની ફિલ્મો વિશે જાદુગર કે. લાલ પાસે કેટલીક રસપ્રદ વાતો…

એ દિવસોની આ વાત છે જ્યારે રાજ કપૂર ‘મેરા નામ જોકર’ ફિલ્મ બનાવી રહ્યા હતા. સ્ક્રીપ્ટ તૈયાર થઈ રહી હતી. રાજ કપૂર આ પ્રોજેક્ટ બાબતે ભારે ઉત્સાહી હતા. એ વખતે રાજ એમના એક ખાસ મિત્રને મળ્યા. મિત્રનું નામ કે.લાલ. જગવિખ્યાત જાદુગર.

વિશ્વના સૌથી ઝડપી ગણાતા જાદુગર કે. લાલ

કે.લાલે વાતવાતમાં રાજ કપૂરને એક ઘટના કહી…

મારી (કે.લાલની) ટીમમાં નંદી નામનો એક કૉમેડિયન છે. લોકોને હસાવવા માટે નંદી પોતાની જાન રેડીને કામ કરે. હમણાં બન્યું એવું કે અમારો શો ચાલુ હતો ત્યારે ખબર મળ્યા કે નંદીની દીકરી ગુજરી ગઈ. નંદી બે ઘડી કંઈ ન બોલ્યો. જાણે પથ્થર બની ગયો. એની પહોળી આંખોમાં કશું જ વાંચી શકાતું નહોતું. એમાં આંસુનો અણસાર સુદ્ધાં નહોતો. અચાનક એ બોલ્યો: આજ મેરી પરીક્ષા હૈ… દેખતે હૈ… આજ મૈં ઓડિયન્સ કો હંસા સકતા હૂં ક્યા?

એની આઈટેમનો સમય આવી પહોંચ્યો હતો. અ તરત સ્ટેજ પર પહોંચ્યો. પોતાની આઈટેમ સરસ રીતે ભજવી. દર્શકો હસી હસીને બેવડ વળી ગયા. આઈટેમ પતાવીને એ બેકસ્ટેજમાં પાછો ર્ફ્યો અને ફક્ત એટલું જ બોલ્યો: કોઈ કસર તો નહીં રહ ગઈ ના!

બેકસ્ટેજમાં લાલસાહેબ સહિત જેટલા પણ હાજર હતા એ બધાં જ રડી પડ્યા. બધાના દિલમાં રુદનનું એટલું પૂર ઉમટ્યું હતું કે પૂરી પંદર મિનિટ સુધી સ્ટેજ પર કોઈ જઈ જ ન શક્યું, ઓડિયન્સ પરેશાન… બેકસ્ટેજમાં સૌ નંદીને ભેટીને રડતા રહ્યા… રડતા રહ્યા…

કે.લાલના મોઢે આ કિસ્સો સાંભળ્યા પછી પૂરી પંદર મિનિટ સુધી રાજ કપૂર પણ રડતા રહ્યા… રડતા રહ્યા…

પછી સ્વસ્થ થયા બાદ રાજ કપૂરે ફોન કરીને ‘મેરા નામ જોકર’ના લેખક કે. અબ્બાસને બોલાવ્યા અને આ સીન ફિલ્મમાં ઉમેરાવ્યો.

એ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ. પરંતુ આજે પણ પ્રેક્ષકો જ્યારે આ ફિલ્મ જુએ છે ત્યારે એમાં જોકર પોતાની માતાના અવસાનના સમાચાર સાંભળ્યા પછી સર્કસની રિંગમાં જઈને પોતાની આઈટેમ રજૂ કર્યા બાદ માં… કહીને મોટેથી રડે છે અને નાક પાસે ગોઠવેલી પીચકારીમાંથી આંસુનો ફુવારો ઉડાડે છે એ જોઈને ફિલ્મની અંદર સર્કસનું ઓડિયન્સ જોરજોરથી હસતું જોવા મળે છે અને થિયેટરમાં (કે ઘરના ટીવી સામે બેઠેલા) પ્રેક્ષકો ચોધાર આંસુએ રડતાં જોવા મળે છે.

પોતાના જીગરજાન મિત્ર રાજ કપૂર તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અન્ય કેટલાક ટોચના કલાકાર-કસબીઓ સાથેના આવાં અનેક દિલચશ્પ સંભારણાં કે.લાલે અમારી સાથે વાગોળ્યાં ત્યારે એ કલાકો જાણે મિનિટોની જેમ પસાર થઈ ગયા.

એમણે કહેલી એ બધી વાતો, એમના જ શબ્દોમાં.

મારી કરિયરના શ‚રૂઆતના તબક્કામાં જ રાજ કપૂર સાથે મારી ઓળખાણ થઈ. એ દિવસોમાં રાજ કપૂર નરગિસથી છૂટા પડેલા એકદમ ડિસ્ટર્બ્ડ રહેતા હતા. એટલે મહિપતભાઈ રાજ કપૂરને ખેંચીને મારા શોમાં લઈ આવ્યા. મહિપતભાઈ સાથે રાજ કપૂરને જૂની દોસ્તી એમણે રાજ કપૂરને લઈને ફિલ્મ ‘પરવરિશ’ બનાવેલી. ‘પરવરિશ’ એકદમ હિટ નીવડેલી. મહિપતભાઈને અને રાજ કપૂરને ઘણું સારું બહેલાવવા આગ્રહ કરીને પરાણે મારા શોમાં લઈ આવ્યા. મારી કરિયરનો એ ૨૩મો શો હતો ઘણા વખતથી ઉદાસીમાં ડૂબેલા રાજ કપૂર એ શોમાં ખૂબ હસ્યા… હળવા થયા. એમને જાદુના શોમાં એટલી બધી મજા પડી. ગઈ કે બીજી વાર ઘરના બધાં બાળકોને લઈને શો જોવા આવ્યા.

ત્યાર પછી તો મારો શો જોવા મુકેશ, શૈલેન્દ્ર, શંકર-જયકિશન અને એમના પ્રિય સિનેમેટોગ્રાફર રઘુ કરમાકરને પણ પોતાની સાથે લઈ આવ્યા.

એ દિવસોમાં રાજજી ‘સંગમ’ પિક્ચર બનાવી રહ્યા હતા. એમાં એક શોટમાં રાજે શરીરને એટલી હદે પાછળની તરફ નમાવવાનું હતું કે એમનાથી એ થઈ શકે તેમ નહોતું. રાજ કપૂરે મને પૂછ્યું કે આ બાબતમાં તમારી જાદુગરી ઉપયોગી થઈ શકે કે નહીં. મેં કહ્યું, હા થઈ શકે. હું તમને હિપ્નોટાઈઝ કરીને તમને મદદ કરી શકું.

એમના મનમાં શંકા જાગી. એ કહે: જુઓ લાલસાહેબ, હું લાખો રૂ‚પિયાનો માણસ છું. હિપ્નોટિઝમમાં મારા મગજને કંઈક થઈ ગયું તો મારી વાત જવા દો, બીજા અનેક લોકો રઝળી પડશે. ઘણા બધા લોકો મારા પર નભે છે. હું ઘણો મોટો માણસ છું.

મેં પણ રાજ કપૂરને પરખાવ્યું: તમારી લાઈનમાં તમે મોટા માણસ છો તો મારી લાઈનમાં હું પણ ઘણો મોટો માણસ છું. મારી પણ પ્રતિષ્ઠાનો સવાલ છે.

એ જ સેકન્ડે રાજ કપૂરે સ્વીકારી લીધું: ઓ.કે. હું તૈયાર છું.

સંગમના એ શોટના ડિસ્કશન માટે અને શૂટિંગ માટે પૂરા દસ દિવસ મારે આર. કે. સ્ટુડિઓમાં રહેવું પડ્યું. એમણે મારી ઘણી સારી મહેમાનગતિ કરી. પણ જમવામાં હું પાક્કો શાકાહારી. એટલે મારા ખાતર એ પણ દસ દિવસ શાકાહારી બની ગયા. ટિફિન એમના ઘરેથી આવતું. પણ દસ દિવસ એમણે એક પણ નોન-વેજ આઈટમ ન ખાધી. એ મારી સાથે જ જમે. આખો. દિવસ મારી સાથે રહે, પણ રાતના નવ વાગે એટલે અમે છુટ્ટા, કારણ કે ત્યાર પછી એમનો પીવાનો સમય શ‚રૂ થાય.

માણસ દુલો રાજા. એકદમ નમ્ર. સેટ પર પણ પોતે બધાથી નાના હોય એવી રીતે વર્તે. સંગમના સેટ પર એ મારા પગ પાસે બેસીને મારી સાથે વાતો કરવા બેસી જાતા. હું એમને પરાણે ઉઠાડીને મારી સામેની ખુરશીમાં બેસાડી દેતો.

મજાક પણ બહુ કરે.

એક વાર મેં જાહેરાત કરી કે નરગિસજી મારો શો જોવા આવશે. એ વખતે રાજ અને નરગિસ છૂટાં પડી ગયેલાં, પણ એમના વિશે લોકોમાં ગોસિપ બહુ ચાલતી.

રાજ કપૂરને ખબર પડી કે નરગિસ મારો શો જોવા આવવાની છે એટલે એમણે મને કહ્યું: નરગિસ આવશે ત્યારે હું પણ તમારા શોમાં આવીશ.

મારા શોમાં રાજ કપૂર અને નરગિસ બન્ને સાથે આવી ચડે તો હંગામો મચી જાય. છાપામાં હેડલાઈન્સ છપાય. પણ મને એ મંજુર નહોતું. મારા કારણે એ બન્નેના સંબંધની વાતો ફરી ગાજે એ મને પસંદ નહોતું.

રાજ કપૂર કહે: હું તો આવીશ જ.

મેં કહ્યું: એ ન બની શકે.

રાજ કપૂર તરત હસી પડ્યા. એ કહે: હું તો તમારી મજાક કરતો હતો.

મિત્રો બાબતે રાજ કપૂર એકદમ ઉદાર. મારા માનમાં એમણે એક મોટી કોકટેલ પાર્ટી આપી. હું તો દા‚રૂ પીઉં નહીં. એટલે એમણે મને આગ્રહ ન કર્યો અને પોતે મિત્રો સાથે પીવાનું શરૂ‚ કર્યું.

ત્યારે એમને એક મિત્રે ચાવી મારી કે આ આખી પાર્ટી કે. લાલના માનમાં છે અને એ પોતે જ ન પીએ એ કઈ રીતે ચાલે. રાજ કપૂરને વાત ગળે ઉતરી ગઈ. એ સીધા આવ્યા મારી પાસે. મને કહે: પીવું તો પડશે. મેં કહ્યું: મરી જાઉં તો પણ ન પીઉં.

એમણે તો સીધો મને પકડીને બળજબરી કરીને જમીન પર સુવાડી દીધો અને મારી ઉપર ચઢી બેઠા. પછી ખુલ્લી બોટલ લઈને મને કહે:  લાલસાબ, એક ઘૂંટ. આપ કો પાપાજી (પૃથ્વીરાજ કપૂર) કી કસમ. મેં કહ્યું: મૈંને ભી સાત પીઢી કી કસમ ખાઈ હૈ કિ શરાબ કભી નહીં પીઉંગા.

આ સાંભળીને એમણે તરત મને છોડી દીધો. શરાબના નશામાં પણ એમનામાં એટલી સમજ અને ખાનદાની હતી કે કોઈની કસમ ન તોડાવવી જોઈએ.

સંગમ ફિલ્મમાં પેલો શોટ લેવામાં આવ્યો એ દિવસ પણ યાદગાર હતો. મેં એમને હિપ્નોટાઈઝ કર્યા. મેં સતત એમને કહ્યા કર્યું: માત્ર મને જ સાંભળજો. એ સિવાય બીજી પણ કોઈ વાત પર ધ્યાન ન આપતા.

અગાઉ મેં કહ્યું એમ, શરૂ‚આતમાં એમના મનમાં થોડો ડર હતો કે ક્યાંક એમના મગજને કંઈક થઈ ગયું તો! પણ પછી મેં ફરી યાદ દેવડાવ્યું કે એમને કંઈ નહીં થાય, કારણ કે છેવટે તો મારા માટે પણ આ ઈજ્જતનો સવાલ છે.

બસ, પછી એમણે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી અને મારા શબ્દોમાં એ ડૂબી ગયા. રાજેન્દ્ર કુમારે વૈજયંતી માલાને લખેલો પત્ર રાજ કપૂર જેમ જેમ વાંચતા જાય છે તેમ તેમ પાછળની તરફ નમતા જાય છે. હિપ્નોટાઈઝ્ડ અવસ્થામાં શરીરને પાછળની તરફ ૧૮૦ ડિગ્રીની દિશામાં ઘણું નમાવી શક્યા. એક જ ટેકમાં શોટ ઓકે થઈ ગયો.

શૂટિંગ બાદ એ મને ૨૫,૦૦૦ ‚રૂપિયા આપવા લાગ્યા. પણ મેં ન લીધા તે ન જ લીધા.

મિત્રો પાસેથી પૈસા થોડા લેવાય?

પણ એ અડગ હતા. બહુ દલીલો ચાલી ત્યારે મેં એમને કહ્યું કે જુઓ, હું એક્ટિંગના થોડા પાઠ તમારી પાસેથી શીખ્યો છું. એ રીતે જોતાં તમે મારા ગુરુ થયા. હવે તમે જ કહો, ગુરુ પાસેથી પૈસા લેવાય?

અને એ તરત માની ગયા.

કમાલના માણસ હતા રાજ કપૂર જેટલા જિદ્દી એટલા જ સમજુ અને પ્રેમાળ. દિલના અત્યંત કોમળ. તરત ભાંગી પડે. મેરા નામ જોકર નિષ્ફળ ગઈ ત્યારે ભયંકર ડિપ્રેશન આવી ગયેલું એમને. જોકર રિલીઝ થયા પછી છ મહિના સુધી દારૂ‚ના નશામાં ચૂર રહ્યાં.

ખરેખર તો એમની યોજના એવી હતી કે મેરા નામ જોકર ફિલ્મ રિલીઝ થાય ત્યાર પછી જાદુગરના જીવન પર જોકર જેવી જ બીજી એક ફિલ્મ બનાવવી. એમને પૂરી ખાતરી હતી કે જાદુગર પરની એમની ફિલ્મ સુપરહિટ સાબિત થશે જ.

જોકરનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે એ એક તબક્કે મદ્રાસ આવેલા. એ વખતે મદ્રાસમાં મારા પણ શો ચાલી રહ્યા હતા. એમણે મારી સાથે મળીને જાદુગરના જીવન પરની ફિલ્મ વિશેની એમની યોજના અંગે આઠ દિવસ સુધી ઘણી બધી ચર્ચાઓ કરી. એ વખતે એમના ફેવરિટ લેખક કે. અબ્બાસ, સિમી, હેમા માલિની અને અનંત સ્વામીને મારી સાથેની ચર્ચા દરમિયાન સાથે રાખેલા. હેમા માલિનીને ડિસ્કશનમાં અમારી સાથે રાખવાનું કારણ એ કે જાદુગર વિશેની ફિલ્મમાં હેમા માલિનીને જાદુગરની આસિસ્ટન્ટના પાત્રમાં હીરોઈન તરીકે ચમકાવવાની રાજ કપૂરની ઈચ્છા હતી. અને ફિલ્મમાં જાદુગરની મુખ્ય ભૂમિકા મારે જ ભજવવી એવો એમનો આગ્રહ હતો.

જાદુગર વિશેની ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર કરવાની દિશામાં એ ઠીક ઠીક આગળ વધી ગયા એ તબક્કે મેરા નામ જોકર રિલીઝ થઈ. ફિલ્મ ફલોપ જવાને કારણે એ એટલા હતાશ થઈ ગયેલા કે ન પૂછો વાત. એ દિવસોમાં એક વાર ગુસ્સે થઈને એમણે મને એક વાર કહેલું: હું પહેલેથી જ અત્યંત સંવેદનશીલ ફિલ્મો બનાવતો રહ્યો છું. અને લોકો મારી ફિલ્મો પસંદ પણ કરતા. પણ હવે એવા સંવદેનશીલ લોકો જ નથી રહ્યા. ઓડિયન્સ હવે બદલાઈ ગયું છે. નવા જમાનાના ઓડિયન્સને આવી સેન્સિટિવ ફિલ્મો નહીં ગમે. ઠીક છે… આજની પેઢીના ઓડિયન્સ માટે હું સેક્સી ફિલ્મ બનાવીશ.

અને એમણે બોબી બનાવી… હિટ પણ થઈ.

એમનું અવસાન થયું ત્યાં સુધી અમારી દોસ્તી એવી ને એવી જ જિવંત રહી હતી. એમના મૃત્યુના મને સમાચાર મળ્યા એ દિવસે ટાટાનગરમાં મારો શો હતો. તરત મેં એ શો કેન્સલ કરાવ્યો. સામાન્ય રીતે હું ગમે તેવી મુશ્કેલીઓ હોય, હું પોતે માંદો હોઉં, મને ૧૦૩ ડીગ્રી તાવ હોય તો પણ શો કેન્સલ નથી કરતો. પણ રાજ કપૂરના અવસાન વખતે મેં શો કેન્સલ કરેલો.

એ અભૂતપૂર્વ ઘટના હતી, કારણ કે અમારી દોસ્તી પણ અભૂતપૂર્વ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]