થાક ઉતારવામાં મહત્વની બનશે આ બ્યૂટી થેરાપી

દીવાળીનો તહેવાર નજીક આવે તેમ તેમ ઘરની સાજ સજાવટની સાથે  સ્ત્રી વર્ગ પોતાની સાજ સજ્જા માટે પણ સજ્જ બની જાય છે. ફેશિયલ, મેનિકયોર, પેડિકયોર, નેલ પેઇન્ટ, હેર કટ, મસાજ જેવી તમામ બ્યુટ થેરપી દીવાળીના તહેવાર માટે જરૂરી બની જાય છે. જોકે ઘરની સાફ સફાઈ તેમજ વિવિધ ફરસાણ બનાવતી ગૃહિણીને પણ પોતાની જાત માટ સમય જોઈએ છે.  હવે તો ઘણ પરિવાર દીવાળીના તહેવારમાં પ્રવાસ પર ઉપડી જતા હોય છે તેવા સમયે  શરીરનો આરામ પણ અગત્યનો બની જાય છે તમે દીવાળીના તહેવાર દરમિયાન તમે  શરીરને કુલ ફીલ કરાવવા માટે બોડી પોલિશિંગની મદદ લઈ શકો છો.

દીવાળીના તહેવારમાં મોટા ભાગની યુવતીઓ ચહેરાના જતન પાછળ વિશેષ સમય આપે છે, પરંતુ એ જરૂરી બની જાય છે કે આખા શરીરને પણ પૂરતી સારસંભાળ મળે. જેથી માનૂનીને સાંગોપાંગ સુંદરતા મળી રહે. ત્વચાને તથા આખા શરીરને નિખાર આપવા માટે બોડી પોલિશિંગનો અસરકારક વિકલ્પ અપનાવી શકાય છે. વળી તમે કોઈ રિસોર્ટમાં રોકાવવાના હો ત્યાં પણ સ્પામાં આ સુવિધાનો લાભ લઈ શકો છો. તો આવો જાણીએ શું છે બોડી પોલિશિંગ

શું છે બોડી પોલિશિંગ?

બોડી પોલિશિંગમાં આખા શરીર પર પોલિશ કરવામાં આવે છે. તે પોલિશ કરવા માટે ખાસ પ્રકારનાં ઉત્પાદનો વાપરવામાં આવે છે. ખાસ કરીને બોડી ક્રીમ, બોડી ઓઇલ, બોડી સોલ્ટ, બોડી પેક, સ્પેશિયલ બામ, એક્સફોલિએશન ક્રીમ જેવા કેટલાંય સૌંદર્ય નિખારતાં તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે.

બોડી પોલિશિંગમાં સ્ક્રબ પણ ઘણું અગત્યનું ગણાય છે. જેનાથી બોડીની મૃત ત્વચા ઉખડી જાય છે અને ત્વચા પર નવી રોનક આવી જાય છે. કારણ કે બોડી પોલિશિંગમાં શરીર પર એક પ્રકારનો મસાજ થવાથી જમા થયેલી ગંદકી અને પ્રદૂષણ દૂર થઈ જાય છે.

દરેક સ્પા અને બ્યૂટી થેરાપિસ્ટ બોડી પોલિશિંગ માટે અલગ અલગ હર્બલ અને કોસ્મેટિક્સ ઉત્પાદનોનો વપરાશ કરે છે. જેમાં ફળોનાં તેલ, ફળનો માવો, ઓટમીલનો ઉપયોગ થાય છે. તો કેટલીક જગ્યાએ જુદાં જુદાં ફૂલોના અર્કથી ત્વચાને ચમકાવવામાં આવે છે.

તમે જો બોડી પોલિશિંગ કરાવવા માંગતા હો અને તમારા ચહેરા પર ખીલ થયેલા હોય તો તમે બ્યૂટી થેરપિસ્ટને કહીને ઓર્કિડના ફૂલોનો રસ વાપરવાનું કહો. આ રસ શરીર પર દવા જેવું કામ આપે છે. આ રસને કારણે ખીલ તેમજ આખા શરીર ઉપર નીકળેલી ઝીણી ફોડલીઓ ધીરે ધીરે મટી જાય છે. વળી જે હર્બલ પ્રોડક્ટ હોય તેનાથી આડઅસર થવાની શક્યતા પણ નથી રહેતી.કેવી રીતે થાય છે બોડી પોલિશિંગ?

બોડી પોલિશિંગમાં સૌથી પહેલાં શરીરની સફાઈ કરી ત્યાર બાદ આખા શરીર પર સ્ક્રબ કરવામાં આવે છે. આ સ્ક્રબ એકદમ સોફ્ટ હોય છે અને હળવા હાથે ચહેરા સહિત આખી બોડી પર લગાવવામાં આવે છે. સ્ક્રબિંગથી શરીર પરની મૃત ત્વચા નીકળી જાય છે. ત્યાર બાદ સ્ટીમર વડે સ્ટીમ આપવામાં આવે છે.

સ્ટીમ આપ્યા બાદ શરીર પર પપૈયું, લીબું, વેજિટેબલ જ્યૂસ, ટામેટાં, સતરાં વગેરે જેવાં ફળ કે શાકભાજીનાં રસથી માલિશ કરવામાં આવે છે. ત્યારબાદ અલ્ટ્રા સોનિક મશીન વડે શરીરમાં વિટામિન્સ તથા ન્યૂટ્રિશન્સ ત્વચાની અંદર પહોંચાડવામાં આવે છે. બાદમાં ઓઇલ ક્રીમ મસાજ કરવામાં આવે છે જેથી આખું શરીર ચીકણું થઈ જાય છે.

બોડી પર ક્લિન્ઝિંગ અને સ્કર્બિંગ થવાથી રોમ છિદ્રો ખૂલી જતાં હોય છે એટલે આખા બોડી પર પેક લગાવીને બોડીને ફોઇલ પેપરથી કવર કરી દેવામાં આવે છે. અને 20 મિનિટ માટે એમ જ સૂઈ રહેવું પડે છે. ત્યારબાદ નહાઇને શરીર પર યોગ્ય એસપીએફવાળું ક્રીમ લગાવી દેવામાં આવે છે. આ આખી પ્રક્રિયામાં લગભગ બેથી અઢી કલાક જેવો સમય થતો હોય છે.

પોલિશિંગના પ્રકાર

દરેક જગ્યાએ અલગ અલગ બોડી પોલિશિંગ કરવામાં આવે છે જેમાંના મુખ્ય બ્રાઉનશુગર અને જોજોબા ઓઇલ, સ્ટ્રોબેરી અને સુગર , હર્બલ , સોલ્ટ બોડી પોલિશ મુખ્ય છે. આમાંથી તમે કોઈ પણ બોડી પોલિશિંગ કરાવી શકો છો.

બોડી પોલિશિંગ કરાવ્યા બાદ વિશેષ સંભાળ

બોડી પોલિશિંગ કરાવ્યા બાદ બે-ત્રણ દિવસ સુધી તડકામાં બહાર ન નીકળવું. જો બહાર નીકળો તો આખું શરીર કવર કરીને નીકળવું.

પોલિશિંગ કરાવ્યાની 25 મિનિટ પછી પાણીથી સ્નાન કરી શકો. જેથી શરીર પર જમા થયેલાં પદાર્થો સાફ થઈ જાય. તાવ, સનબર્ન કે અન્ય કોઈ બીમારી દરમિયાન બોડી પોલિશિંગ ન કરાવવું. પોલિશિંગ બાદ નહાતી વખતે સાબુ કે બોડી વોશનો ઉપયોગ ન કરવો.