૩૧ ઓક્ટોબર વિશ્વ જાદુગર દિવસ: જાદુગર કે.લાલ, જાદુપ્રેમી રાજ કપૂર

જાદુનો જાદુ ક્યારેય નહીં ઓસરે: જુનિયર કે.લાલ

 

(જુનિયર કે.લાલ એટલે કે હર્ષદભાઈ (હસુભાઈ) કાંતિભાઈ વોરાનો ‘જી’ મેગેઝિનના 16-31 જુલાઈ, 2002ના અંકમાં પ્રકાશિત લેખ અહીં પુનઃ પ્રસ્તુત…)

ફિલ્મો, સિરિયલો અને નાટકો જેટલું જ ભરપૂર મનોરંજન પૂરું પાડતી જાદુગરીની દુનિયામાં ટોચનું સ્થાન ધરાવતા. કે. લાલ એન્ડ સન મુંબઈના ભારતીય વિદ્યા ભવનમાં ૧૦૧ શો પૂરા કર્યા બાદ નવી મુંબઈના વાશીમાં જાદુના શોની જમાવટ કરી રહ્યા હતા ત્યારે જુનિયર કે. લાલ પોતાની રસપ્રદ જિંદગી વિશે તથા જાદુગરી વિશે વાતો કહી.

વિશ્વના સૌથી ઝડપી જાદુગર તરીકે નામના ધરાવતા ગુજરાતી મેજિશિયન કે.લાલના લાલ (પુત્ર) જુનિયર કે. લાલે પિતા સાથે ખભેખભો મિલાવીને જાદુનો વારસો આગળ ધપાવ્યો. બાવીસ વર્ષની ઉંમરેથી હર્ષદભાઈ એટલે કે જુનિયર કે.લાલ જાદુના શો કરીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી શક્યા. પણ બહુ ઓછા લોકોને ખબર હશે કે હર્ષદભાઈએ જાદુની દુનિયામાં પિતાની મદદ વિના, પોતાની રીતે ચોરીછૂપીથી એન્ટ્રી મારી હતી, કારણ કે એમનાં માતા-પિતાએ નક્કી કરી રાખેલું કે દીકરાને જાદુગર નથી જ બનાવવો. પણ છેવટે તો ધાર્યું ધરણીધરનું જ થાય છે. ‘વડ એવા ટેટા અને બાપ એવા બેટા’ એ ઉક્તિ અહીં પણ સાચી ઠરી અને આજે આ બાપ-દીકરો સાથે મળીને જાદુની ૨,૦૦૦ જેટલી હેરતઅંગેજ આઈટેમ્સ દ્વારા લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડવાના હજારો પ્રયોગો કરી ચૂક્યા છે.

જુનિયર કે.લાલ સાથે થયેલી એક મુલાકાતના કેટલાક અંશો:

જાદુગર બનવાની ઈચ્છા પહેલી વાર ક્યારે થઈ?

– ત્યારે હું આઠ-દસ વર્ષનો હોઈશ, હું અને મારી બે બહેનો કલકત્તામાં કાકાને ત્યાં રહેતાં, પણ વેકેશન હોય ત્યારે બા-બાપુજી સાથે રહેવાનો મોકો મળે. વેકેશન વખતે બાપુજીના શો મુંબઈમાં હોય ત્યારે ખૂબ મજા પડે. શોમાં મોટા મોટા સ્ટાર્સ આવે. રાજ કપૂર, દીલિપ કુમાર, દેવ આનંદ… આહાહા! મને તો મજા પડી જાય. મારું તો એક જ કામ! સ્ટાર્સની સાથે ફોટા પડાવું, એમના ઓટોગ્રાફસ લઉં. કે.લાલનો દીકરો હોવાથી સ્ટાર્સ મને સહકાર આપે. ત્યારે મને વિચાર આવ્યો કે જાદુગર બનવા જેવું છે. બાપુજીની જેમ સ્ટેજ પર શો કરવાના… સ્ટાર્સ સાથે હળવાભળવાનું… કેવી મજા!

જાદુ શીખવાની શરૂઆત ક્યારથી કરી?

– પહેલાં તો એ સ્પષ્ટતા કરી લઉં કે લાલસાહેબ (કે. લાલ) પાસેથી જાદુ શીખવાનો સવાલ જ પેદા નહોતો થતો. મારાં માતા-પિતાએ નક્કી કરી લીધેલું કે મને જાદુગર ન જ બનાવવો, કારણ કે જાદુગરનું જીવન અત્યંત કઠિન હોય છે. આજે અહીં, તો કાલે સાત સમુંદર પાર! મહિનાઓના મહિના સુધી ટૂર પર રહેવાનું. અજાણ્યા પ્રદેશોનો ખોરાક ન ફાવે. ખટારાઓ ભરાય એટલા સામાનની હેરફેરની માથાકૂટ. સ્ટેજ પર ત્રણ-ત્રણ કલાક સુધી અત્યંત સક્રિય રહીને સતત બોલવાનું. વ્યસનોમાં સરી પડવાની શક્યતા પૂરેપૂરી. અને સૌથી મોટી વાત એ કે સંતાનોથી દૂર રહેવું પડે.

તો પછી જાદુ શીખ્યા કઈ રીતે?

સિનિયર કે.લાલ અને જુનિયર કે.લાલ (જાદુગર પિતા સાથે હર્ષદભાઈ (હસુભાઈ) વોરા)

– પહેલાં તો જાતે શીખ્યો. કલકત્તામાં ભારતના જાદુગરોનું એક સંગઠન છે. એનું નામ છે ઓલ ઈન્ડિયા મેજિક સોસાયટી. વર્ષોથી એ સોસાયટીના પ્રેસિડેન્ટ મારા પપ્પા લાલસાહેબ છે. હું નાનો હતો ત્યારે એ સોસાયટીના જાદુગરોને મળીને ટ્રિક્સ શીખતો. એ લોકો મને હોંશેહોંશે શીખવતા, કારણ કે કે. લાલ જેવા અત્યંત મોટા ગજાના જાદુગરનો દીકરો એમની પાસે જાદુ શીખે એ વાતનું એમને ગૌરવ થતું. બીજા લોકોને એ કહેતા પણ ખરા કે, તમને ખબર છે? કે. લાલનો દીકરો મારી પાસે આવે છે. એને બે ટ્રિક્સ મેં શીખવી છે.

એ સિલસિલો કેટલા સમય સુધી ચાલ્યો?

– એ બધું બહુ લાંબુ ન ચાલ્યું. હું તોફાની બહુ હતો. મારપીટ પણ કરી લેતો. મોટા માણસનો દીકરો હોવાને કારણે કોઈ મને કંઈ કહે નહીં, પણ લાલસાહેબને મારાં તોફાનો વિશે ખબર પડી એટલે એમણે મને ગુજરાતમાં માંગરોળ નજીક શારદાગ્રામમાં ભણવા મૂકી દીધો. પરંતુ ત્યાં પણ જાદુ શીખવાનું ચાલુ જ રાખ્યું. સૌરાષ્ટ્રમાં જેટલા જાદુગરો હતા એમનાં સરનામાં મારી પાસે હતાં. પત્રો દ્વારા એમનો સંપર્ક સાધ્યો. એમની પાસેથી ટ્રિક્સ ખરીદતો રહ્યો. એ જમાનામાં (૬૦ના દાયકામાં) કોઈ ટ્રિક ચાર રૂપિયામાં તો કોઈ છ કે આઠ રૂપિયામાં મળી રહેતી. હું મનીઓર્ડર કરી દઉં અને જાદુગર પત્ર દ્વારા મને જાદુનાં રહસ્યો મોકલી આપે. પછી હું જાતે અખતરા કરીને જાદુ શીખી લઉં. એક વાર શાળામાં મેં અડધા કલાકનો જાદુનો કાર્યક્રમ રજૂ કર્યો. એમાં ભારતના ટોચના નેતા મોરારજીભાઈ પણ આવેલા. લાલસાહેબને એ સારી રીતે ઓળખતા. એમણે મને આશીર્વાદ આપ્યા કે તું તારા બાપુજીનું નામ ઉજાળી શકીશ. મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો.

પછી ભણવાનું ચાલતું રહ્યું. ૧૯૭૨માં કૉલેજમાં બે મહિનાનું વેકેશન હતું ત્યારે લાલસાહેબે કૉલેજના પ્રિન્સિપાલ સાથે વાત કરીને વધુ એક મહિનાની રજા મંજૂર કરાવીને મને ત્રણ મહિનાની જપાનની ટ્રિપમાં સ્ટાફના સભ્ય તરીકે સાથે રાખ્યો. મારા મધર પણ સાથે હતાં. એ તો એવું જ માનતાં હતાં કે હું લાલસાહેબના સ્ટાફના સભ્ય તરીકે વહીવટી કામ સંભાળું છું, પણ એમને એ ખબર નહોતી કે હું ધીમેધીમે જાદુની ટ્રિક્સ પણ જોઈજોઈને શીખી રહ્યો હતો. એ ટ્રિપ ત્રણને બદલે સાત મહિના ચાલી. પરિણામે કૉલેજનું ભણતર રખડી પડ્યું. પછી આમેય મારું મન ભણવામાં ચોંટતું જ નહોતું એટલે કૉલેજ છોડી દીધી અને હું કાકાની સાથે કલકત્તામાં સાડીની દુકાને બેસી ગયો. એમાં મારું દિલ જરાય ચોંટતું ન હોવા છતાં એમાંથી મને છટકાવા ન મળ્યું.

તો પછી જાદુગરીની શરૂઆત ક્યારે કરી?

– સાડીની દુકાનમાં બે વર્ષ ગળ્યા બાદ એક વાર લાલસાહેબના શો વડોદરામાં ચાલી રહ્યા હતા ત્યારે મેં એમને કહ્યું કે હું પણ જાદુ કરી શકું છું. એમના મનમાં એવું હતું કે હું પ્રોફેશનલ જાદુગર જેટલી જાણકારી અને આવડત નહીં ધરાવતો હોઉં, પણ મેં લાલસાહેબના સ્ટાફ સાથે એક અઠવાડિયું રિહર્સલ કરીને એક દિવસ એમની જ સામે શો રજૂ કર્યો.

અને તમે માનશો? જાણે આભ તૂટી પડ્યું. મારો ‘શો’ જોઈને મારા મધર બહોશ થઈ ગયાં.  હું જાદુની દુનિયામાં આવીશ એવું એમણે સપનેય નહોતું વિચાર્યું. એમણે લાલસાહેબને પણ કડક સૂચના આપી રાખેલી કે હસુને (મને) ક્યારેય જાદુ શીખવવા નહીં. એમનો ઉગ્ર વિરોધ સમજી શકાય એવો હતો. થયેલું એવું કે લાલસાહેબે જાદુના શો કરવાનું શરૂ‚ કરેલું ત્યારે મારાં મધરે એમના સસરાને વચન આપેલું કે લાલસાહેબ શો માટે જ્યાં પણ જશે ત્યાં એ (મધર) એમની સાથે જ રહેશે. એમણે એ પ્રતિજ્ઞા પૂરી કરવા જે મુશ્કેલીઓ વેઠેલી એવી મુશ્કેલીઓ પુત્રવધૂએ પણ વેઠવી પડે એ એમને જરાય મંજૂર નહોતું. સંતાનોથી માતાએ દૂર રહેવું પડે ત્યારે દિલમાં કેવી પીડા થાય છે એ એમણે અનુભવેલી. એટલે હું જાદુગર ન બનું એનું એમણે પૂરતું ધ્યાન રાખેલું.

પણ મેં તો એમની સામે જાદુનો શો કર્યો, એ ફસડાઈ પડ્યાં. પછી ભાનમાં આવ્યા બાદ રોષે ભરાઈને સીધી કલકત્તાની વાટ પકડી. પહેલી વાર એવું બન્યું કે લાલસાહેબના શોમાં મારાં મધરની હાજરી નહોતી. ૧૦૩ ડિગ્રી તાવ હોય તો પણ ‘શો મસ્ટ ગો ઓન’ના સૂત્રને અનુસરીને કાર્યક્રમ ક્યારેય ન કેન્સલ કરનારા લાલસાહેબે વડોદરાના બાકીના કેટલાક કાર્યક્રમો કેન્સલ કરવા પડ્યા અને મધરની પાછળ પાછળ અમે પણ કલકત્તા પહોંચ્યા. ઘણી લાં… બી સમજાવટને અંતે મધરને જ્યારે એવું લાગ્યું કે જાદુ સિવાયના કોઈ પણ કામમાં મારું દિલ નહીં ચોંટે ત્યારે હૃદય પર પથ્થર મૂકીને ભારે કચવાટ સાથે મને જાદુગર બનવાની છૂટ આપી.

ત્યાર બાદ લાલસાહેબે મને તૈયાર કરવાનું શરૂ કર્યું. બે-ત્રણ નવી આઈટેમ મને શીખવે. એમાં મારી માસ્ટરી આવી જાય એટલે સ્ટેજ પર મને એ આઈટેમ્સ કરવા દે. એવી રીતે ધીમે ધીમે એમણે મને બધી જ ટ્રિક્સ શીખવી અને છેવટે ૧૯૮૦માં, ૩૦ વર્ષની ઉંમરે મેં પહેલી વાર એકલા હાથે પ્રોફેશનલ જાદુગર તરીકેની મારી પહેલી ટ્રિપ જપાનની કરી.

પહેલી જ ટ્રિપ સીધી જપાનમાં? ભારતમાં કેમ નહીં?

– કારણ કે જપાનમાં લાલસાહેબનું બહુ મોટું નામ. અમારા શો જપાનમાં કઈ રીતે શરૂ થયા એ પણ જોરદાર સ્ટોરી છે. એક વાર મુંબઈમાં અમારા શો ચાલી રહ્યા હતા ત્યારે જપાનમાં જાદૂના શોનું આયોજન કરનાર એક માણસ લાલસાહેબને મળ્યો. એમણે ખાતરીપૂર્વક કહ્યું કે જપાનમાં કે. લાલના જાદુના શો સુપરહિટ સાબિત થઈ શકે તેમ છે. પણ એણે એક શરત મૂકી કે શોમાં જેટલી પણ મહિલાઓ રજૂ થાય છે એનાં વસ્ત્રો અત્યંત ટૂંકા અને પારદર્શક હોવા જોઈએ. ઑફર બહુ મોટી અને લલચામણી હતી, પણ લાલસાહેબે એક પણ પળનો વિચાર કર્યા વિના કહી દીધું, મારી ટીમની છોકરીઓ ગળાથી પગ સુધી ઢંકાયેલી રહેશે. મંજૂર હોય તો કહો હા, નહીંતર ના. પેલો માણસ સહેજ ખીજાઈને જતો રહ્યો. એણે વિચાર્યું કે પૈસાના પ્રચંડ પ્રલોભનને કારણે લાલસાહેબ પીગળી જશે. પણ લાલસાહેબ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારના ચુસ્ત આગ્રહી. એ કંઈ પીગળે? છેવટે પેલો માણસ પીગળ્યો. એક મહિના પછી એ પાછો આવ્યો. અત્યંત મોટી રકમનો ચેક લાલસાહેબને આપીને કહ્યું કે, તમને પારખવામાં ભૂલ કરી. સોરી… આ ચેક રાખો અને મને તમારી શરત મંજૂર છે. તમારી છોકરીઓ ગળાથી પગ સુધી ઢંકાયેલી રહેશે. પણ હું કેટલીક જપાની છોકરીઓને ટૂંકા વસ્ત્રોમાં સ્ટેજ પર રજૂ કરીશ. અમારું ઓડિયન્સ એટલી અપેક્ષા તો રાખશે જ લાલસાહેબે ચેક ફાડી નાખ્યો અને કહી દીધું: મારા શોમાં કોઈ પણ છોકરી અલ્પવસ્ત્રોમાં સ્ટેજ પર નહીં આવે. પેલો માણસ અકળાઈ ગયો ત્યારે લાલસાહેબે એક ઓફર મૂકી: એક કામ કરો. મને મારી રીતે જ શો કરવા દો. ફક્ત આવવા-જવાનુ ભાડું અને રહેવા-જમવાની વ્યવસ્થા તમારી. મારે પોતાને એક પણ પૈસો ન જોઈએ. પેલો માણસ તૈયાર થઈ ગયો. એક મહિના માટે એણે કે. લાલના શો જપાનમાં યોજ્યા. પણ પહેલા જ શોથી રિસ્પોન્સ એટલો બધો મળ્યો કે એ અંજાઈ ગયા. પછી તો એકને બદલે પૂરા સાત મહિના જપાનમાં કે. લાલના શો ચાલ્યા. ૧૯૮૦માં હું લાલસાહેબ વિના એકલો ત્યાં ગયો એ પહેલાં જ સ્પોન્સરને મારા પર વિશ્વાસ બેસી ગયેલો કે હું જમાવટ કરી શકીશ. ત્યાંના લોકોએ પણ મને વધાવી લીધો. એ એટલી હદે કે એક વાર ઓસાકા શહેરની બાજુના શીશુબી નામના એક નગરમાં સળંગ ત્રણ શોમાં એકસાથે સાત-સાત હજાર લોકોએ હાજરી આપી, ત્યાંના મેયર મારો શો જોઈને એટલા ખુશ થયા કે એમણે અમારું બહુમાન કરવા મોટો વરઘોડો કાઢ્યો. આખું શહેર રસ્તા પર આવી ગયું. જ્યાંથી અમારો ટેબ્લો (ટ્રક પર બાંધેલો મંચ) પસાર થયો ત્યાં લોકોએ પોતપોતાની દુકાનો-ઑફિસોમાંથી બહાર નીકળીને અમારું અભિવાદન કર્યું. મેયરે લોકોને પચાસેક હજાર બલૂનો આપી રાખેલા. અમારા માનમાં એ બલૂનો ઊડાવવામાં આવ્યાં ત્યારે આખું આકાશ બલૂન બલૂન થઈ ગયું. મારા જીવનની એ એક ક્યારેય ન ભૂલી શકાય એવી પળ હતી.

સ્ટેજ પર પ્રાણીઓને રજૂ કરવાનું  તમે શરૂ‚ કર્યું. એ આઈડિયા કઈ રીતે આવ્યો?

– જપાનમાં અમારા સ્પોન્સરે એકવાર કહ્યું કે જો તમે સ્ટેજ પર પ્રાણીઓ લાવો તો બહુ જ મોટો કોન્ટ્રેક્ટ મળે એમ છે. એ વખતે અમદાવાદના ઝૂના નિયામક રુબિન ડેવિડ સમક્ષ રજૂઆત કરી. એમની સહાયથી જૂનાગઢના પ્રાણી સંગ્રહાલય પાસેથી એક સિંહ મેળવ્યો. એને નવોનવો જંગલમાંથી લઈ આવેલા. સ્વભાવનો ભારે ગરમ! પીંજરા પર પંજો પછાડે તો એવું લાગે જાણે હમણાં સળીયા નીકળી જશે અને એ સીધો બહાર કૂદશે. ત્રાડ એવી પાડે કે દીવાલ પરથી પ્લાસ્ટરના પોપડાં ખરી પડે. એને ટ્રેઈન કરવો કઈ રીતે? એટલે અમે સરકસનો ટ્રેનર લઈ આવ્યા. એણે સરસ ટ્રિક કરી. એ અને એના માણસો પાંજરામાં પૂરાયેલા સિંહને ખીજાય. પછી હું આવીને ટ્રેનર અને એના માણસોને ખીજાઉં, સિંહને ખાવાનું આપું, વહાલ કરું. ટ્રેનરે અમને કહી રાખેલું કે સિંહના મનમાં એવી છાપ પડવી જોઈએ કે અમે બધા (ટ્રેનર અને એના માણસો) એના દુશ્મનો છીએ અને તમે એના દોસ્ત. ધીમે ધીમે સિંહને મારા વિશે સમજાઈ ગયું કે આ જ માણસ કામનો છે. એ મને ખવડાવે છે અને કનડતો નથી. એક જ મહિનામાં તો અમારી એવી દોસ્તી થઈ ગઈ કે લાલસાહેબને અને મને જોઈને એ ગેલમાં આવી જાય. સિંહ ઉપરાંત અમે અજગર, લિઝાર્ડ, વાઘ, રીંછ પણ અમે સ્ટેજ પર લાવ્યા. અજગરને તો અમે સ્ટેજ પર છૂટ્ટો મૂકી રાખતા, પણ એ અમારો એટલો બધો હેવાયો થયેલો હતો કે સતત અમારા પગની આસપાસ જ ફરતો રહે, ક્યાંય દૂર જાય જ નહીં. એ અમારો સ્પર્શ ઓળખી જાય. અમારા સ્પર્શથી ભારે હૂંફ અનુભવે. ૧૯૯૪માં મેનકા ગાંધીએ પ્રાણીઓનો મનોરંજક શોમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાદ્યો એટલે પ્રાણીઓ રાખવાનું બંધ કર્યું.

જાદુમાં તમે નવી નવી ટ્રિક્સ કઈ રીતે મેળવો?

– હું નવરો પડું કે તરત કમ્પ્યુટરની મદદથી નવા નવા ઈલ્યુઝન્સ (ભ્રમમાં નાખી દેનારી આઈટેમ્સ) વિકસાવતો રહું છું. દુનિયાભરના જાદુગરો સાથે અમારી ઓળખાણ-મૈત્રી છે. અમેરિકામાં કસિનો (જુગારખાના) માટે વિખ્યાત એવા લાસ વેગાસ શહેરમાં મિરિંડા નામની જાદુગર સ્ત્રી છે. અમારી સાથે એને ઘણા સારા સંબંધો છે. અમે એમને અમારી ટ્રિક્સ શીખવીએ. સામેથી એ પણ એની ટ્રિક્સ અમે આપે. પણ બેઝિકલી તો અમે જાતે જ નવી નવી ટ્રિક્સ વિકસાવી લેતા હોઈએ છીએ.

લાસ વેગાસમાં બારેય મહિના મોટા મોટા કસિનોમાં જાદુના ખેલ ચાલતા જ હોય છે. તમે ત્યાં ક્યારેય શો કર્યો છે?

– એ માટે અમારા પ્રયત્નો ચાલુ જ છે. ત્યાં તાજમહાલ નામનો કસિનો છે. એ કસિનોમાં અમારા જાદુના પ્રયોગોની ગોઠવણ થઈ જ ગયેલી, પણ ત્યાંના સ્થાનિક જાદુગરોને પોતાની મોનોપોલી તૂટવાનો ડર લાગ્યો હશે એટલે છેવટે એમણે એ ગોઠવણ થવા ન દીધી.

જાદુની બાબતમાં પશ્ચિમ આપણા કરતાં આગળ છે?

– મૂળ વાત એટલી જ છે કે એમની પાસે પૈસા વધુ હોવાથી અત્યંત મોંઘા જાદુ એ લોકો કરી શકે છે. બાકી હકીકત તો એ જ છે એ લોકોની જાદુની ૮૫ ટકા આઈટેમ્સ ભારતીય જાદુગરો પહેલેથી કરતા રહ્યા છે.

જાદુનું ચલણ વધી રહ્યું છે, ઘટી રહ્યું છે કે પહેલાં જેટલું જ છે?

– જાદુનું ચલણ પહેલાં જેટલું જ છે. જાદુનો ક્યારેય નહીં ઓસરે. બાપુજીની જેમ હું પણ છેક સુધી શો કરતો રહીશ. અમારા માટે તો જીના યહાં, મરના યહાં. જ્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધી શો મસ્ટ ગો ઓન…