સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિરોધની વાતઃ ટાયરો સળગાવ્યાં, કાળા ફૂગ્ગાં ઉડાવ્યાં…

વલસાડ– અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ એકતરફ વિરાટ પ્રતિમાના લોકાર્પણનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ થઇ રહ્યો હતો ત્યાં આ મુદ્દે વિરોધનો તણખો પણ જોવા મળ્યો હતો. આદિવાસી સંસ્થા દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી કાર્યક્રમના વિરોધનો કાર્યક્રમ આયોજિત કરવામાં આ્વ્યો હતો. 

જેમાં ટાયરો સળગાવવા અને કાળા ફૂગ્ગા ઉડાડવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લાના આદિવાસીઓએ સાપુતારામાં સજ્જડ બંધ પાળી વિરોધ વ્યક્ત કર્યો હતો.તેઓ આદિવાસી વિસ્થાપન અને બેરોજગારી મુદ્દે વિરોધ કરી રહ્યાં હતાં. સાપુતારામાં બંધને લઇને ફરવા આવેલાં સહેલાણીઓ પરેશાનીમાં મૂકાયાં હતાં.

તે જ રીતે નવસારીના ચીખલીમાં અને સૂરતમાં પણ આ કાર્યક્રમ સામે વિરોધ જોવા મળ્યો હતો. સૂરતમાં કોસંબા નેશનલ હાઈ વે 48 પર આદિવાસીઓએ રોડ પર ઊતરી પડીને ટાયરો સળગાવ્યાં હતાં.જેના કારણે કલાકે સુધી અવરજવર પર અસર પડી હતી.

ચીખલીમાં આલીપોર-દેગામ રોડ પર એક આદિવાસી સસ્થાના કાર્યકરો અને પોલિસ સામસામે આવી ગઈ હતી. આદિવાસી કાર્યકરોએ નનામીનું પૂતળુ કાઢી અંતિમયાત્રા ફેરવી હતી જેને પોલિસે અટકાવતાં માહોલ ગરમાયો હતો. આ સ્થિતિમાં ક્યાંક ક્યાંક ભાજપના આદિવાસી કાર્યકરો રસ્તે વિરોધ કરતાં યુવાનોને જય સરદાર બોલવા જણાવતાં જોવા મળ્યાં હતાં. જોકે સ્થિતિ વણસે નહીં તે માટે જિલ્લા પોલિસે સઘન બંદોબસ્ત કર્યો હતો. ભીલીસ્તાન ટાઈગર સેના અને આદિવાસી એકતા પરિષદના વિરોધ કાર્યક્રમમાં જોડાવા માટે ધરમપુરમાં ઠેરઠેર પત્રિકાઓનું વિતરણ કરવામાં આવતાં તેનો પણ વિવાદ જોવા મળ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]