સોશિયલ મિડીયા લગ્નના ભોજનના ટ્રેન્ડ્સને કેવી રીતે આકાર આપી રહ્યું છે?

કોણ કહે છે કે લગ્નનું ભોજન માત્ર ભવ્ય બુફે અને પરંપરાગત પંગતના જમણ સુધી મર્યાદિત રહ્યું છે? આજકાલના લગ્નોમાં ભોજન એ પરંપરા કે અતિથિ દેવો ભવઃ કે સ્વાદ માટે નહીં પરંતુ સોશિયલ મિડીયા ટ્રેન્ડ માટે પણ પીરસવામાં આવે છે. સોશિયલ મિડીયાનું આજકાલ આપણને એટલું ઘેલું લાગેલું છે કે, વીકેન્ડમાં બહાર જમવા જઇએ ત્યારે પણ રેસ્ટોરાંમાં જઇને પહેલું કામ ટેબલ પર સર્વ થયેલી ડીશનો ફોટો પાડીને ઇન્સ્ટા કે ફેસબુક પર શેર કરવાનું કરીએ છીએ! લગ્નના ભોજન સમારંભોમાં પણ, યજમાન હોય કે મહેમાન, સોશિયલ મિડીયામાં ભોજન સમારોહના ફોટોઝ શેર કર્યા વિના લગ્ન પૂરા થતા નથી.  Tamarind ના વાઇસ પ્રેસિડન્ટ(વેડિંગ) અંજલિ ટોલાની આ વિશે વાત કરતાં કહે છે એમ, ઇન્સ્ટાગ્રામ, Pinterest અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ્સ લગ્નના ભોજનને એક ક્યુરેટેડ અનુભવમાં ફેરવી રહ્યા છે. જ્યાં દરેક ડીશ ફક્ત માણવા માટે નહીં, પણ ફોટોગ્રાફ અને શેયર કરવા માટે પણ તૈયાર કરવામાં આવે છે. કેમ કે 2025માં જે ટ્રેન્ડ ન થાય એ ભોજન સમારંભ, સમારંભ ન થયા બરાબર જ છે!

તો આવો જાણીએ કેવી રીતે લગ્નના ભોજનના ટ્રેન્ડ્સને વાયરલ કરી શકાય.

 

1. વાયરલ ફૂડ ટ્રેન્ડ્સ 

આજના ડિજિટલ યુગમાં લગ્નનું ભોજન માત્ર સ્વાદિષ્ટ હોવું પૂરતું નથી, તે અનન્ય અને યાદગાર પણ હોવું જોઈએ. હવે કપલ્સ પરંપરાગત બુફેની જગ્યાએ એવા મેનુ પસંદ કરી રહ્યા છે, જે તેમના વ્યક્તિત્વ, સંસ્કૃતિ અને પ્રિય વાનગીઓને પ્રદર્શિત કરે.  

સૌથી મોટા બદલાવમાંનું એક છે—પ્રખ્યાત શેફ્સ અને જાણીતા ભોજન બ્રાન્ડ્સના પોપ-અપ કાઉન્ટર્સ. તાજેતરમાં, Tamarind Global Weddings જેવી વેડિંગ ફર્મે નાર, અમેરિકનો, રુ દે લિબાન અને સ્વાતિ સ્નેક્સ જેવા પ્રખ્યાત ફૂડ બ્રાન્ડ્સ સાથે એક અદ્ભુત ફૂડ એક્સપિરિયન્સ રચ્યો. લાઇવ કાઉન્ટર્સ પર રામેશ્વરમ કેફેના બેને ડોસા, નાથદ્વારાની ઠંડાઈ, પહાડગંજના છોલે-કુલચા અને બનારસ ચાઈવાલાની સ્પેશિયલ ચા પીરસવામાં આવી. મહેમાનો માટે આ એક જૂની યાદો તાજી કરાવનાર અને શેયર કરવા જેવો અનુભવ હતો. જ્યાં તેમની થાળીઓ અને સોશિયલ મિડીયા ફીડ્સ બંનેમાં આલ્હાદક દૃશ્ય દેખાતા હતા!

 

 

2. ફૂડ સ્ટાઇલિંગ એક કલા છે 

હવે ભોજન ફક્ત ભોજન નથી હોતું, તે એક કલા બની ગઈ છે! લગ્નના મેનુને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી રહી છે કે દરેક વાનગી એક કલાકૃતિ બની જાય.   

ટાવર જેવા બેરીથી ભરેલા Millefoglie અને Chantilly કેક્સ, gilded ચોકલેટ સ્કલ્પ્ચર્સ, ખાઈ શકાય તેવા ફૂલોથી સજાવેલા હેન્ડક્રાફ્ટેડ કોકટેલ્સ—આ બધું આજના રોચક ભોજનની પરિભાષાને સમૃદ્ધ કરનાર થોડી ડિશિસ છે. અત્યંત લોકપ્રિય ઇન્ટરએક્ટિવ ગ્રેઝિંગ ટેબલ્સ પર હાથે બનાવેલી ચીઝ અને charcuterie બોર્ડ, એક્ઝોટિક ફળો અને ઓપન-ફ્લેમ કૂકિંગ સ્ટેશન્સ ભોજનને વધુ થિયેટ્રિકલ બનાવે છે. કલાત્મક પ્રસ્તુતિ સાથે ઉત્તમ ભોજનનું આવું fusion દરેક વાનગીને જીભ સાથે આંખોને પણ સ્વાદિષ્ટ લાગે તેવી બનાવે છે. નોસ્ટાલજિયાની શક્તિને કેમ કરીને ભૂલાય! તાજેતરમાં એક લગ્નમાં, મુંબઈની પ્રખ્યાત કેન્ડીની સેન્ડવિચ અને croissant મેનુમાં સામેલ કરવામાં આવ્યા હતા. જે કપલની કોલેજ લાઇફની મેમરી હતા.

 

 

3. શોર્ટ-ફોર્મ વિડીયો ટ્રેન્ડ 

વધુ દૃશ્યો, વધુ લાઇક્સ, વધુ કોમેન્ટ્સ! વાયરલ થવું હવે લગ્નની મેનુ ડિઝાઇનનો એક મહત્વનો હિસ્સો બની ગયું છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ જેવી શોર્ટ-ફોર્મ વિડીયો કન્ટેન્ટ ડિજિટલ કહાણીઓનું હૃદય બની છે. તે ભવ્ય લગ્નના બુફેના પડદા પાછળના દૃશ્યો હોય, સ્લૉ મોશનમાં વહેતા ચોકલેટ ફાઉન્ટન હોય કે પછી તવા પર પલટાતા ક્રિસ્પી ડોસાના ASMR-શૈલીના વિડીયો—આવા ક્લિપ્સ લગ્નના ભોજનને મોઢાંમાં પાણી આવી જાય તેવા અનુભવ સમાન બનાવી દે છે. મહેમાનો માત્ર ખોરાકને માણતા નથી, તેઓ તેનું ડોક્યુમેન્ટેશન પણ કરે છે. જેના કારણે લગ્નના ફૂડ ટ્રેન્ડ્સ વૈશ્વિક ડિજિટલ જગતમાં પહોંચાડી દે છે.

 

4. વ્યક્તિગત સ્પર્શ 

હવે ભોજન એક દંપતિની પ્રેમ કહાણીનું પ્રતિબિંબ બની ગયું છે. જનરલ મેનુની જગ્યાએ દંપતિઓ તેમની મીઠી યાદોથી પ્રેરિત વાનગીઓ તૈયાર કરાવી રહ્યા છે—જેમ કે, તેમની પહેલી ડેટ પર ખાધેલું ભોજન, પ્રિય પ્રવાસ સ્થળનું ખાસ ભોજન કે બાળપણની ફેવરિટ સ્ટ્રીટ ફૂડ. ક્યારેક તો કોકટેલ્સની પણ વ્યક્તિગત પસંદગીઓ રાખવામાં આવે છે—જેમ કે, કપલના ઇનસાઇડ જોક્સ પરથી નામકરણ કરેલા ડ્રીંક્સ! તાજેતરના એક લગ્નમાં, દુલ્હાના શહેરના સ્વાદને ઉજાગર કરવા પહેલવાન લસ્સી, સુરેન્દ્રનગરના ફાફડા, જલેબી અને ગાંઠિયા મેનુમાં સામેલ કરવામાં આવ્યા હતા. જ્યારે ફેરેરો રોચરથી મવાળા ડેસર્ટસ દુલ્હાના પ્રિય ટ્રીટ હોવાથી ખાસ ઉમેરાયા હતા. આવા નાના, પણ અર્થસભર ડિટેલ્સ લગ્નના ભોજનને એક અનન્ય અનુભવ બનાવી દે છે.

 

5. ઇન્ટરએક્ટિવ ડાઇનિંગ

હવે લગ્નનું ભોજન ફક્ત પીરસવામાં આવતું નથી, તે અનુભવી પણ શકાય છે! કપલ્સ સ્ટેટિક બુફેની જગ્યાએ ઇન્ટરએક્ટિવ ડાઇનિંગ સેટઅપ પસંદ કરી રહ્યા છે. જ્યાં મહેમાનો પોતાના સ્વાદ પ્રમાણે ભોજનને કસ્ટમાઇઝ કરી શકે.

લાઇવ પાસ્તા બાર, બિલ્ડ-યોર-ઓન ટાકો સ્ટેશન્સ, ગૌર્મે બર્ગર કાઉન્ટર્સ અને પ્રાદેશિક વિશેષતાઓના સ્ટેશન્સ—આ બધા મહેમાનોને પસંદગીની અનુકૂળતા આપે છે. મિડનાઇટ સ્નૅક્સ બાર, જેમાં મેકડોનાલ્ડ્સ, અયુબના કાઠી રોલ્સ અને મેગી-ફ્રાઇઝ જેવા કોમ્ફર્ટ ફૂડ્સ હોય, તે સેલિબ્રેશનને વધુ યાદગાર બનાવે છે.  સાથે જ, પ્રાદેશિક ભારતીય વાનગીઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે! વૈશ્વિક ભોજનની વચ્ચે, એલ્કો માર્કેટની ચાટ અને પહાડગંજના સ્ટ્રીટ-સ્ટાઇલ છોલે-કુલચા સાબિત કરે છે કે ભવ્યતા અને નોસ્ટાલ્જિયા એકસાથે અસ્તિત્વમાં રહી શકે છે.

આજની ઈન્ટરનેટ-સંચાલિત દુનિયામાં લગ્નનું ભોજન એ નોસ્ટાલ્જિયા અને સર્જનાત્મકતાનું શ્રેષ્ઠ સંગમબિંદુ બની ગયું છે. 2025માં લગ્નને ભોજન દ્વારા ઉજવવાના વિચાર નવેસરથી પરિભાષિત થઈ રહ્યા છે. કારણ કે જ્યારે લગ્નના અવિસ્મરણીય મેનુઓની વાત આવે છે, ત્યારે તે પહેલા ફોટામાં કેદ કરવામાં અને શેર કરવામાં આવે છે અને ત્યાર પછી તેનો સ્વાદ માણવામાં આવે છે.