મોહમ્મદ રફી એક્ટર બનવા માગતા હતા પણ…

૧૯૪૮માં એક ગીત દેશની ગલીએ ગલીએ ગુંજવા લાગ્યું હતું: ‘એક દિલ કે ટુકડે હજાર હુએ, કોઈ યહાં ગિરા, કોઈ વહીં ગિરા.’ ફિલ્મ ‘પ્યાર કી જીત’માં નાયક રહેમાન માટે મોહમ્મદ રફીએ રડમસ કંઠે કમર જલાલાબાદી રચિત એ ગીત ગાયું હતું. એ ગીતે તેના ગાયક અને કવિ ઉપરાંત તેના બંદિશકારો હુસ્નલાલ-ભગતરામને મશહૂર કરી દીધા હતા.

સાત સુરોનાં સૌથી મહાન ગાયક મોહમ્મદ રફીને 31 જુલાઈએ એમની 38મી પુણ્યતિથિએ ગીત-સંગીતના પ્રેમીઓએ યાદ કર્યાં અને એમને શ્રદ્ધાંજલિ આપી. દંતકથાસમા ગાયક મોહમ્મદ રફી એમની કારકિર્દીમાં લગભગ 26 હજાર ગીતો અને ભજનો ગાઈને એમની ગાયકી દ્વારા લોકોનાં દિલને સ્પર્શ કરી ગયા હતા.

(સંગીતકાર પ્યારેલાલના શબ્દોમાં લખાયેલો અને ‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’માં 16-31 જુલાઈ, 1998માંપ્રકાશિત થયેલો લેખ વાંચો…)

તૂ મેરે આસપાસ હૈ દોસ્ત… (મોહમ્મદ રફી માટે પ્યારેલાલનાં શબ્દો)

સંગીતકાર પ્યારેલાલ

મહાન પાર્શ્વગાયક મોહમ્મદ રફીએ સૌથી વધુ ગીતો બે સંગીતકાર જોડી માટે ગાયા હતા -શંકર જયકિશન અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ. અહીં લક્ષ્મી-પ્યારેની જોડીના પ્યારેલાલ શર્મા રફીને યાદ કરે છે. ‘ચાહુંગા મૈં તુઝે સાંઝ સવેરે’ (દોસ્તી), ‘યે રેશમી જુલ્ફે યે શરબતી આંખે’ (દો રાસ્તે), ‘પર્દા હૈ પર્દા’ (અમર અકબર એન્થની) અને ‘દર્દ એ દિલ દર્દ એ જીગર’ (કર્ઝ) જેવા સેંકડો દિલડોલ ગીતો ગાનાર મોહમ્મદ રફી સાચે જ અદ્દભુત ઈન્સાન હતા.

રફી સાહેબને યાદ કરવા એટલે સ્મૃતિના મેળામાં ખોવાઈ જવા જેવું છે. અમે (હું અને મારા સ્વર્ગીય સાથી લક્ષ્મીકાંત) રફી સાહેબને ત્યારથી જાણતા જ્યારે અમે સાજિંદા (વાદક) અને સહાયક સંગીત નિર્દેશક તરીકે જીવન સંગ્રામ શરૂ કરી રહ્યા હતા જ્યારે તેઓ પ્લેબેક સિંગર તરીકે ઈન્સ્ટ્રીમાં અડગ સ્થાન જમાવી ચૂક્યા હતા. હું ૧૯૬૦ અરસાની વાત કરી રહ્યો છું.

મારા મગજમાં સૌથી પહેલી વાત એ ઉદ્દભવે છે કે કેટલીયેવાર મારા સંગીતજ્ઞ પિતા રામ પ્રસાદને આર્થિક સંકડામણમાં પુષ્કળ સહાય કરેલી. મારા પિતાજી રફી સાહેબને માત્ર ઈશારો જ કરતા એટલામાં જ ક્યારેક ૫૦૦ તો ક્યારેક ૧૦૦૦ રૂપિયા આપી દેતા.

તમને એક બીજી અનોખી વાત કહું. રફીસાહેબ વાસ્તવમાં એક્ટર બનવા ઈચ્છતા હતા પરંતુ પ્લેબેકમાં નામના મળવા માંડી એટલે અભિનયનો ઈરાદો ત્યજી દીધો.

અમે લોકો સહાયક સંગીતકાર હતા ત્યારથી જ એમની મધુર ગાયકીના શોખીન હતા. જ્યારે અમે સ્વતંત્ર રીતે સંગીત આપવાનું શરૂ કર્યું ત્યારે એમની પાસે પુષ્કળ ગવડાવ્યું. ‘પારસમણિ’, ‘દોસ્તી’ અને ‘આયા તૂફાન’ જેવી અમારી શરૂઆતની ફિલ્મોના કિસ્સા સંગીતના જાણકારોને ખબર છે, ‘રોશન તુમ્હી સે દુનિયા’, ‘મેરા તો જો ભી કદમ હૈ’, ‘તૂમ કમસિન હો નાદાં હો’ જેવાં ગીતો આ જ ફિલ્મોનાં છે.

રફી સાહેબ પાસે ગવડાવેલું પહેલું ગીત ‘છૈલા બાબુ’નું હતું.

તેરે પ્યારને મુઝે ગમ દિયા
તેરે ગમ કી ઉમ્ર દરાજ હો
વો ઝમાના આયે ખુદા કરે
મેરે પ્યાર પે તુઝે નાઝ હો.

આ ગીત સાથે જોડાયેલી અફવા એ છે કે આ ગીત અમારા મ્યુઝિક ડાયરેક્શનનું પહેલું ગીત હતું. પણ સાચું નથી. અમે જે સૌથી પહેલું ગીત રેકૉર્ડ કરેલું એ લતાજી અને મુકેશજીએ ગાયું હતું. અને ફિલ્મ ‘છૈલા બાબુ’નું જ હતું.

એટલે ૧૯૬૨માં રેકૉર્ડ કરેલું રફી સાહેબવાળું આ ગીત ‘તેરે પ્યારને મુઝે’ આજે પણ એટલું જ પ્રભાવશાળી છે કે મને ગીત-આખે આખું યાદ છે. સારા અવાજમાં ગાયેલા ગીતનો જાદુ કદી ઓસરતો નથી.

મને હંમેશા પૂછવામાં આવે છે કે રફી સાહેબ અને આજના મેલ સિંગરોમાં શો ફરક છે? હું માત્ર એટલો જ જવાબ આપું છું, આ દોર તો ચાલ્યા જ કરવાનો કે આપણે જૂનાઓને સારા કહીએ છીએ અને નવાઓની ટીકા કરીએ છીએ. પરંતુ નવા જ્યારે પુરાણા થઈ જાય છે અને આપણને આદત પડી જાય છે ત્યારે એ જ આપણને સારા લાગવા માંડે છે, પરંતુ રફી સાહેબની ખાસિયત એ હતી કે સાયગલની નકલથી ભલે શરૂઆત કરી પરંતુ તરત જ એમની પોતાની સ્ટાઈલ ઊભી કરીને નકલથી બચી ગયા.

રફી સાહેબને રિયાઝનો જબરો શોખ હતો. રોજ સવારે બે કલાક શાસ્ત્રીય સંગીતનો રિયાઝ અચૂક કરતા. ફિલ્મી ગીતોના રિયાઝ બાબત તેઓ એકવાર ગીત રેકૉર્ડ થતા પહેલા આવી જતા ગીત વિશે જાણ્યા પછી બીજીવાર ફાઈનલ ટેક કરતા હતા. એમને માટે થોડો રિયાઝ પૂરતો હતો, એક દિવસમાં બે ગીતો તો નિરાંતે પૂરો ન્યાય આપીને ગાતા હતા. એમની ગાયકી ઝડપી અને પૉલીશ્ડ રહેતી.

એકવાર અમારે માટે એક જ દિવસમાં પાંચ ગીતો ગાયા હતા. છતાં દરેક ગીતમાં ગુણવત્તા ઝળકતી. રફી સાહેબનો આ એક રેકૉર્ડ જ છે. એકવાર દિવસે ૧૦ વાગે એમણે ગાવાનું શરૂ કરેલું અને રાત્રે ૧ વાગ્યા સુધી ચાલુ જ રહ્યું.

ખેર, આજના દોરથી એ દોર જ અલગ હતો. મેં સાંભળ્યું છે કે આ જમાનામાં કોઈ સિંગરે એક જ દિવસમાં ૨૮-૩૦ ગીતો ગાયાં છે. હું એને ખરાબ નથી ગણતો. એ જમાનામાં ગાયક-ગાયિકા આખું ગીત એક જ ટેકમાં પૂરું કરતા. હવે આ પેટર્નની આગવી ખૂબી છે તો આજના દોરમાં એકેક લાઈનનું ટેકિંગ (રેકૉર્ડિંગ)નું પણ પોતીકું મહત્ત્વ છે, પરંતુ એ જમાનામાં ગીતોમાં જે ફ્લો-પ્રવાહિતા મળતાં એનું કારણ એક મૂડમાં એ ગીતો રેકૉર્ડ થયાં છે. અમે સંગીત નિર્દેશનમાં રફીજી, લતાજી અન્ય ગાયકોની સાથે આજના સિંગરોને હંમેશા આગ્રહ કર્યો છે કે એક જ ટેકમાં આખું ગીત પૂરું કરે.

એ સાચું છે કે હું અને લક્ષ્મી(કાંત) બન્ને રફીસાહેબના દીવાના હતા તેથી એમની પાસે સૌથી વધુ ગીતો ગવડાવતા. પરંતુ ત્યારે રીતસર વિભાજન થઈ ગયેલું કે દેવ આનંદ-રાજેશ ખન્ના હોય તો કિશોરજીને જ બોલાવો. ધર્મેન્દ્ર કે જિતેન્દ્ર હોય તો રફી સાહેબને બોલાવો. એ જમાનામાં ધર્મેન્દ્ર માટે જ્યારે જ્યારે કિશોરકુમારે ગાયું લોકોને ન ગમ્યું. એવું લાગતું જાણે તમે કાંઈ મિસ કરો છો પરંતુ રફી સાહેબે દિલીપકુમાર, રાજ કપૂર, દેવ આનંદથી માંડીને જોની વોકર, મેહમુદ, જગદીપ, રાજેશ ખન્ના, મનોજકુમાર, રાજેન્દ્રકુમાર, શમ્મી કપૂર, સંજય ખાન સૌ માટે ગાયું અને પ્રશંસા પણ પામ્યા.

એ જમાનામાં રફીજી, કિશોરજી, મુકેશજી, તલતજી જ્યારે પણ કોઈ અભિનેતા માટે ગાતા ત્યારે એમ જ લાગતું કે જાણે એ જ અભિનેતા ગાઈ રહ્યો છે. ત્યારે કેરેક્ટરને હિસાબે આર્ટિસ્ટનું સિલેક્શન અને આર્ટિસ્ટને હિસાબે ગીત બનતા. હવે પહેલા ગીતો બની જાય છે. પછી આર્ટિસ્ટ નક્કી થાય છે અને છેલ્લે ફિલ્મની વાર્તાનો વારો આવે.

રફી સાહેબ કદી કોઈને દુભવતા નહોતા. કોઈ પણ મ્યુઝિશિયનનું કોઈ ગીત ક્યારેય મોડું ન કર્યું. કોઈ ટેક કેન્સલ ન કર્યો, તબિયત બરાબર ન હોય તો પણ મોડા મોડા આવતા ખરા!

જ્યારે પણ રેકૉર્ડિંગ પછી એમની પ્રશંસા કોઈ કરતું ત્યારે બન્ને હાથ ઊંચા કરીને કહેતા ‘સબ ઉન કી મેહરબાની હૈ’.

એમણે પૈસા ખાતર નવા સંગીતકારોને નારાજ ન કર્યા કે ન કોઈ સાથે ઝગડ્યા.

રફી સાહેબે ‘આસપાસ’ ફિલ્મ માટે ગાયેલું ‘તૂ મેરે આસપાસ હૈ દોસ્ત’.

હૉસ્પિટલમાં તેઓ દાખલ થયા ત્યારેય અમને એ જ કહેલું કે ‘મને રિહર્સલ વિશે ફોન કરીને કહેજો.’

રફીના મોતને બીજે દિવસે એટલે કે પહેલી ઑગસ્ટ-૧૯૮૦ના દિને લતાજીએ સમાચાર આપ્યા ત્યારે હું છોટે ગુલામઅલી સાહેબ સાથે બેઠો હતો એમણે જ ફોન ઉપાડેલો. પછી મને જણાવ્યું: ‘રફી સાહબ નહીં રહે.’

થોડા દિવસ પહેલાં જ મારો બચપણનો દોસ્ત, મારો સાથી, મારો જોડીદાર લક્ષ્મી જતો રહ્યો હતો. મેં વિધિના લેખ માનીને સ્વીકારી લીધું, લોકો કહે છે- લક્ષ્મી જતા રહ્યા, રફી ચાલ્યા ગયા. હું કહું છું- આજે પણ તેઓ આપણી સાથે છે.

રફીસાહેબને ખાવા-પીવાનો, ખવડાવવા પીવડાવવાનો જબરો શોખ હતો. ઈદની વાત જ નિરાળી હતી. તેઓ જાતે ઘરે આવીને પોતાના હાથે એકથી એક સ્વાદિષ્ટ મીઠાઈ ખવડાવતા. આજના દોરમાં આવો ઈન્સાન ક્યાંયે દેખાશે?

રફીસાહેબ હંમેશા મને ‘પ્યારે’ કહીને બોલાવતા પણ હું કદી નામ લઈને ન બોલવતો. કહેતો-‘સુનિયે સાહબ, ઈસે યું કર દેતે તો અચ્છા હોતા.’

રફી સાહેબ માટે બનાવેલા ગીતોમાં મારી પસંદના આ દસ ગીતો છે:

૧. તેરે પ્યારને મુઝે ગમ દિયા (છૈલા બાબુ)

httpss://youtu.be/DVad5GnimcA

૨. ચાહૂંગા મૈં તુઝે સાંઝ સબેરે (દોસ્તી)

httpss://youtu.be/C1CLFK9T028

૩. ઓ ફિરકીવાલી તૂ કલ ફિર આના (રાજા ઔર રંક)

httpss://youtu.be/R9J8aXqiesI

૪. આજ મૌસમ બડા બેઈમાન હૈ બડા (લોફર)

httpss://youtu.be/aSJ_jcEPOu0

૫. સારી ખુશિયાં હૈ મુહબ્બત કી (સુહાના સફર)

httpss://youtu.be/ksdU-KQyolY

૬. સાજન સાજન પુકારું ગલિયોમેં (સાજન)

httpss://youtu.be/7y-7A3z95fM

૭. ઓ મેરી મહેબૂબા (ધરમવીર)

httpss://youtu.be/0buHlSH-W2Q

૮. શિરડીવાલે સાઈબાબા (અમર અકબર એન્થની)

httpss://youtu.be/1gKto7Bl5SA

૯. ચલ ચલ મેરે ભાઈ- (નસીબ)

httpss://youtu.be/GWcFRGSXcZA

૧૦. તૂ મેરે આસપાસ હૈ દોસ્ત (આસપાસ)

httpss://youtu.be/8sSaEusrlHY

 

 

એક સમયે આખા રાષ્ટ્રને હૈયે જે ગેરફિલ્મી ગીત ધબકતું હતું તે ‘સુનો સુનો અય દુનિયાવાલોં, બાપૂ કી યે અમર કહાની’ પણ ગાયક મોહમ્મદ રફી, ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ અને હુ્સ્નલાલ-ભગતરામની ત્રિવેણીસંગમરૂપ સહિયારી સર્જકતાનું પરિણામ હતું.

httpss://youtu.be/cXQE3AXkw54