પૂર્વ રાષ્ટ્રપતિ ફકરુદ્દીનના સગાંઓનું નામ NRCમાં કેમ નથી…

સામમાં નાગરિકોની યાદી તૈયાર થઈ છે. કોઈ રાજ્યમાં અલગથી નાગરિકોની યાદી નથી, પણ આસામમાં તે કરવું પડ્યું છે, કેમ કે ત્યાં બાંગલાદેશી ઘૂસણખોરીની સમસ્યા બહુ જૂની અને મોટી છે. નાગરિકત્વના એકથી વધારે પુરાવા હોય છે, આધાર કાર્ડ તેમાં સૌથી છેલ્લું માધ્યમ છે. તે સિવાય રેશન કાર્ડ, મતદાર ઓળખપત્ર, પાસપોર્ટ, મિલકતના દસ્તાવેજો, વીજ કનેક્શન વગેરે વ્યક્તિની ઓળખ માટે ઉપયોગી સાધનો છે.આસામમાં હાલમાં જ જાહેર થયું કે લગભગ 40 લાખ લોકોના નામ નાગરિકોની યાદીમાં નથી. આસામના નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનશીપમાં નામ ન હોવાનો મામલો રાજકીય રંગ પકડવાનો છે. મમતા બેનરજીએ ભારે વિરોધ કર્યો છે અને સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે બાકી રહી ગયેલા લોકોને નાગરિકતા સાબિત કરવા, તેને લગતા પુરાવા આપવા માટેની પૂરતી તક આપવી જોઈએ.

સવાલ એ છે કે કેવા પુરાવા આપવા પડે કે તમે આ દેશના નાગરિક છો? જન્મની નોંધણી થાય ત્યાંથી આમ તો પુરાવાની શરૂઆત થઈ જાય છે, પણ એક જમાનામાં જન્મની નોંધણી પણ થતી નહોતી. લોકોની જન્મતારીખ પણ પાકી મળતી નહોતી. પરંતુ આસામમાં એ બધા મુદ્દા નથી. આસામમાં અલગ સ્થિતિ છે. આસામ સહિત ઇશાન ભારતની વિશાળ બોર્ડર બાંગલાદેશ સાથે છે. ત્રણ બાજુ ભારત અને વચ્ચે બાંગલાદેશ. બીજું ઇશાન ભારતના આદિવાસી રાજ્યોમાં આદિવાસીઓ દેખાવે એકદમ અલગ તરી આવે છે. પહાડીઓમાં તેઓ વસે છે તેથી ત્યાં બાંગલાદેશીઓને આવવામાં રસ પણ ના હોય, પરંતુ તટપ્રદેશ આસામમાં સદીઓથી ભારતીયો વસતા હતા. સમગ્ર બંગપ્રદેશ એક હતો, તે ભાગલાથી જુદો પડ્યો, પરંતુ પ્રદેશના લોકોને દેખાવથી કે ભાષાથી જુદા પાડવા મુશ્કેલ હતા. માત્ર ધર્મ તેમને જુદા પાડતા હતા. અને તેથી જ 1971ના યુદ્ધ પછી અલગ બાંગલાદેશની રચના થઈ તે પછી બાંગલાદેશીઓની ઘૂસણખોરીની સમસ્યા ઓર વધી. ભારત અને બાંગલાદેશની સરહદ બહુ વિચિત્ર રીતે બની હતી. સંખ્યાબંધ એન્ક્લેવ એવા હતા, જેમાં ચારે બાજુ ભારત દેશ, વચ્ચે નાનો કસબો બાંગલાદેશનો અને ચારે બાજુ બાંગલાદેશ અને વચ્ચે ભારતનું નાનકડું ગામ. આવું હતું તેના કારણે નાગરિકોની એકબીજાના પ્રદેશના આવનજાવન નિયંત્રિત કરવી મુશ્કેલ હતી. 1947માં દેશના ભાગલા પડ્યા ત્યારથી જ શરૂ થયેલી સમસ્યા વકરતી ગઈ છે. રસપ્રદ વાત એ છે કે છેક 1951માં આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનશીપ (એનઆરસી) તૈયાર કરી લેવાયું હતું. 1951ની વસતિ ગણતરી થઈ તે સાથે જ આ રજિસ્ટર આસામમાં તૈયાર કરી લેવાયું હતું. તે વખતે આસામ એક જ મોટું ઈશાન ભારતનું રાજ્ય હતું. નાના નાના સાત રાજ્યો બન્યાં તે બાદમાં બન્યાં હતાં. 1951ની વસતી ગણતરી પછીનું વસતીપત્રક, તેના આધારે બનેલું રાષ્ટ્રીય નાગરિકત્વ રજિસ્ટર અને 1952થી 1971 દરમિયાન થયેલી ચૂંટણીઓ વખતની મતદાર યાદ આ ત્રણ બાબતો આસામના નાગરિકો માટે અગત્યના બન્યા છે.
રજિસ્ટરને અપડેટ કરતાં પહેલાં એક કામ એ પણ કરાયું હતું કે 1951નો સંપૂર્ણ ડેટા અને 24 માર્ચ, 1971 સુધીની તમામ મતદાર યાદીઓ – આ બધાનું ડિજિટાઇઝેશન કરી દેવામાં આવ્યું છે. હવે આસામના એનઆરસીને અપડેટ કરવા માટેની પ્રક્રિયા શરૂ થઈ તેમાં આ ડિજિટાઇઝેશનમાં જેમનું નામ હોય તે પરિવાર અને તેમના વારસદારો નામની ખરાઇ કરી દેવામાં આવી છે. પરંતુ કેટલાય કુટુંબો એવા છે, કે જેમનું નામ કે તેમના વડવાઓનું નામ ડિજિટલ કરી દેવાયેલી યાદીઓમાં મળતું નથી.ભારતના પાંચમાં રાષ્ટ્રપતિ બનેલા ફકરુદ્દીન અલી અહમદના પરિવારના વારસદારોને પણ તેમનું નામ આ યાદીમાં મળી રહ્યું નથી. ફકરુદ્દીનના ભત્રીજા ઝિયાઉદ્દીન અલી અહમદના કુટુંબીજનોના નામ અપડેટ થયેલા એનઆરસીમાં દાખલ થઈ શક્યાં નથી. ફકરુદ્દીન ભારતના રાષ્ટ્રપતિ હતાં તે વાત ખરી, પણ આસામમાં ક્યાંય તેમનું નામ મળતું નથી. મતદાર યાદીમાં પણ તેમનું નામ મળતું નથી. તેમના ભાઈ, બહેન, પિતરાઈઓના નામ પણ મળતાં નથી અને તેના કારણે તેમના ભાઈના વારસદારો માટે પોતાની નાગરિકતા સાબિત કરવી મુશ્કેલ સાબિત થઈ રહી છે.
ઝિયાઉદ્દીનનું કુટુંબ આસામના કામરૂપ જિલ્લાના રેંગિયા ગામમાં રહે છે. પોતાના ગામ ઉપરાંત બીજા ગામોમાં પણ તેમણે તપાસ કરી પણ ક્યાંય વડવાઓના નામ નોંધાયેલા મળ્યાં નથી. ફકરુદ્દીનનું નામ પણ ક્યાંય મતદાર યાદીમાં તેમને મળ્યું નથી. તેમના પિતાનો જન્મ ગોલાઘાટમાં થયો હતો, ત્યાં પણ તેમને કોઈ પુરાવો મળ્યો નથી. દાદાનું નામ પણ કોઈ જગ્યાએ મળી શક્યું નથી.

ફકરુદ્દીન અલી અહમદના નાના ભાઈનું નામ એહતરામુદ્દીન હતું અને તેમનો દીકરો એટલે ઝિયાઉદ્દીન. તેમના દાદા (ફકરુદ્દીનના પિતા) ઝાલનુર અલી અહમદને તબીબી ડિગ્રી પણ મળી હતી. આસામમાંથી તબીબી ડિગ્રી મેળવનારા તેઓ પહેલાં હતાં તેમ પણ મનાય છે. તેના આધારે તેમને સેનામાં નોકરી મળી હતી અને કર્નલ તરીકે રીટાયર થયાં હતાં. આમ છતાં તેમનો કે તેમના બંને દીકરાનો (જેમાંથી એક રાષ્ટ્રપતિ બન્યાં) કોઈ પુરાવો મળતો નથી.
દાદાને સેનામાં નોકરી મળી તે પછી તેમનું કુટુંબ આસામની બહાર રહેવા લાગ્યું હતું તેમ ઝિયાઉદ્દીનનું કહેવું છે. ફકરુદ્દીનના સંતાનો અને પોતાના ભાઈબહેન પણ દિલ્હીમાં રહેતાં થયાં હતાં. પોતાના બે ભાઈઓ દિલ્હીમાં રહેતાં હતાં. એક બહેન લગ્ન કરીને પાકિસ્તાન જતી રહી હતી, જ્યારે એક બહેન જે આસામમાં રહેતી હતી તે હવે જીવિત નથી એવું ઝિયાઉદ્દીનનું કહેવું છે. ફકરુદ્દીનના સંતાનો પણ દિલ્હીમાં જ વસી ગયા હતા. તેમની સાથે બહુ ઓછો સંપર્ક તેમનો રહ્યો હતો એમ તેમનું કહેવું છે. જોકે ઝિયાઉદ્દીનનો દાવો છે કે તેમના પિતા અહેતરામુદ્દીન એન્જિનિયર થયાં હતાં અને તેમની શાદી પછી રેંગિયામાં રહેવા આવ્યાં હતાં, બીજી બાજુ એમ પણ કહે છે કે તેઓ લાંબો સમય ગૌહાટીમાં એન્જિનિયર તરીકે કામ કરતા રહ્યાં હતાં, પણ કુટુંબ રેંગિયામાં જ રહેતું હતું. ઝિયાઉદ્દીન પણ રેંગિયામાં જ રહે છે અને તેમને પણ બે સંતાનો છે.
રાષ્ટ્રપતિના કુટુંબના વારસદારોનું નામ નાગરિક તરીકે નોંધી શકાયું નથી તે મામલો બહુ ચગ્યો તે પછી એનઆરસીને આ વિશે પૂછપરછ પણ થઈ હતી. જોકે અધિકારીઓ કહે છે કે વ્યક્તિગત કિસ્સા અંગે તેઓ કોઈ કમેન્ટ ન કરી શકે. ડિજિટલ કરાયેલા ડેટામાં વડવાઓના નામ ન મળે ત્યારે પણ નાગરિક તરીકે નામ નોંધાવવા માટે જુદા જુદા 12 પુરાવામાંથી કોઈ પણ આપી શકાય છે એમ અધિકારીઓનું કહેવું છે. આવા પુરાવા આપી શકનારા ઘણાના નામ એનઆરસીમાં ઉમેરાયાં છે એમ અધિકારીઓ કહે છે.

એનઆરસીની વેબસાઇટમાં પણ જણાવાયું છે કે ખેતીની જમીનના કે ગણોતના દસ્તાવેજો, સિટિઝનશીપ સર્ટિફિકેટ, કાયમી નિવાસનું સર્ટિફિકેટ, રેફ્યુજી તરીકેનું સર્ટિફિકેટ, પાસપોર્ટ, એલઆઇસીની પોલીસી, સરકારે આપેલા કોઈ પણ લાયસન્સ, સરકારી નોકરીનો પુરાવો, બેન્ક અને પોસ્ટ ઓફિસના ખાતાં, જન્મનો દાખલો, બોર્ડ અને યુનિવર્સિટીની પરીક્ષાના પ્રમાણપત્ર, કોર્ટમાં થયેલી કાર્યવાહીના દસ્તાવેજો વગેરેમાંથી કોઈ પણ પુરાવો ચાલે છે. પોતાના વડવાઓનો આમાંનો એકેય પુરાવો ઝિયાઉદ્દીન પાસે નથી તે નવાઈ લાગે છે. એવો પુરાવો આપ્યાં પછી એ પણ સાબિત કરવું પડે કે પોતે તેમના સીધા વારસદાર છે.ઝિયાઉદ્દીન હવે દાવો કરે છે કે તેમના પિતા અહેતરામુદ્દીનની જમીનના દસ્તાવેજો તેમની પાસે છે, પણ તેમણે એ રજૂ કરવાની કોશિશ કરી ત્યારે તેમને કહેવાયું કે હવે મોડું થઈ ગયું છે. 31 ઓગસ્ટ, 2015 સુધીમાં અરજી આપી દેવાની હતી. ઝિયાઉદ્દીન કહે છે કે તેમણે કોઈ અરજી કરી નહોતી, કેમ કે ડિજિટલ થયેલા વારસાઇ ડેટામાં તેમને વારસાઇ પુરાવા મળ્યાં નહોતાં.હવે જોકે મામલાએ રાજકીય રંગ પકડ્યો છે અને વિવાદ ચગ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે પણ ખરાઇ કરવા માટેની તક આપવાની વાત કરી છે. તેના કારણે કદાચ વધુ એક મુદત બાકી રહી ગયેલા 40 લાખ લોકોને આપવામાં આવશે. તેમાંથી ઝિયાઉદ્દીન જેવા થોડા પરિવારો કદાચ અન્ય કોઈ પુરાવાઓ આપીને હજી પણ નાગરિક તરીકેની યાદીમાં સામેલ થઈ શકશે, પણ બધા 40 લાખ માટે તે શક્ય નહીં હોય. આસામ સહિત પૂર્વ ભારત અને હવે તો લગભગ સમગ્ર દેશમાં બાંગલાદેશી ઘૂસણખોરો ફેલાઈ ગયાં છે. બહુ મોટી સંખ્યામાં તે લોકોના આધારપુરાવા પણ ઊભા થઈ ગયા છે. અનેક ઘૂસણખોરોએ ઠેર ઠેર આધાર કાર્ડ પણ બનાવી લીધાં છે. તેના કારણે વાસ્તવમાં ઘૂસણખારોને દેશની બહાર મોકલી દેવાનું કામ બહુ અઘરું છે, પણ રાજકીય રીતે આ મુદ્દો ચગાવવાનું કામ બહુ સહેલું છે. એટલે તે કામ થતું રહેશે અને ઘૂસણખોરીની સમસ્યા યથાવત જ રહેશે.