સ્વાસ્થ્યમાં સુધારો થતાં ટૂંક સમયમાં સ્વદેશાગમન કરશે ઈરફાન ખાન

ઈરફાન ખાન ભલે સુપરસ્ટાર નથી, પરંતુ એમનો ચાહકવર્ગ ખાસ્સો એવો મોટો છે. ગયા માર્ચમાં એ અચાનક એક ગંભીર બીમારીમાં પટકાતાં એમના ચાહકોને આઘાત લાગ્યો હતો. ઈરફાનને ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર થઈ છે. એ સારવાર માટે લંડન ગયા છે. એમના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે અને ટૂંક સમયમાં જ ભારત પાછા ફરશે.

ભારત પાછા ફરીને એ ‘કારવાં’ ફિલ્મના શૂટિંગ અને પ્રમોશનમાં સામેલ થાય એવી ધારણા છે. ઘણા વખતથી તબિયત બરાબર ન હોવાને કારણે ઈરફાન એમની નવી ફિલ્મ ‘બ્લેકમેલ’ના પ્રમોશનથી દૂર રહ્યા હતા.

આ જ ફેવરિટ એક્ટર ઈરફાન ખાને 2001ના મે મહિનામાં ‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ને વિશેષ મુલાકાત આપી હતી. 16-31 મે, 2001ના અંકમાં પ્રકાશિત થયેલી એ મુલાકાત વાંચો …

સામાન્ય માનવી જેવું જીવન વીતાવવું ગમે છેઃ ઈરફાન ખાન

એક વાર જોયા પછી ક્યારેય ન ભૂલી શકાય એવો આ કલાકાર – ઈરફાન ખાન, પ્રસિદ્ધિ-પ્રચારના ચક્કરમાં પડ્યા વગર, માત્ર પોતાની પ્રતિભાના જોરે ઘેર ઘેર જાણીતો થયો છે.

જયપુરમાં જન્મેલા ઈરફાન ખાને સ્કૂલમાં ભણતી વખતે વિચાર્યું સુદ્ધાં નહોતું કે પોતે જે કલાકારોની ફિલ્મો આટલી દિલચશ્પી અને જિજ્ઞાસાવશ જુએ છે, એક દિવસ એમની સાથે કામ કરવાનો મોકો મળશે. જેમ ઈશ્ક અને કસ્તૂરી છુપાવી ન શકાય તેમ કલા ક્યારેક તો રંગ દેખાડે જ છે. ઈરફાને અદાકાર બનવાનું નક્કી કર્યું ત્યારે સૌ પ્રથમ દિલ્હીની નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં તાલીમ લેવાનું નક્કી કર્યું. એનએસડીમાંથી નીકળ્યા પછી એણે ક્યારેય પાછું વળીને જોયું નથી. દ્રષ્ટિ, એક ડૉક્ટર કી મૌત, કમલા કી મૌત, મુઝ સે દોસ્તી કરોગે અને પુરુષ  જેવી આર્ટ ફિલ્મો અને બનેગી અપની બાત, ચંદ્રકાન્તા, ગ્રેટ મરાઠા, ગીતા રહસ્ય, સ્પર્શ અને ડર જેવી કેટલીય પૌરાણિક, ભાવનાત્મક અને સનસનાટીપૂર્ણ ટીવી સિરિયલોમાં પાત્રો ભજવ્યા. ‘ઘાત’ અને ‘કસૂર’માં નેગેટિવ ભૂમિકાઓ ભજવીને કમર્શિયલ ફિલ્મોમાં પણ સિક્કો જમાવ્યો છે.

પત્રકાર રેખા ખાને ઈરફાન ખાનની આ મુલાકાત મુંબઈના મલાડ ઉપનગરમાં ઈરફાનના નિવાસસ્થાને લીધી હતી.

મંઝિલ સર કરવામાં પ્રશિક્ષણ કેટલું કામ આવે છે?

ઈરફાન ખાનઃ હું માનું છું કે દરેક કલાકાર માટે પ્રશિક્ષણ જરૂરી છે. જો કલાના ગુણ મોજૂદ હોય તો પ્રશિક્ષણ નિખાર લાવે છે. જેઓ જીનિયસ હોય એમને જ આવી ટ્રેનિંગની જરૂર ન વર્તાય પુરાણા જમાનાના કલાકારો ખૂબ જ બુદ્ધિશાળી હતા. ઉપરાંત જે નિર્દેશકો સાથે એમને કામ કરવું પડતું એ અભિનયની સંસ્થા સમાન હતા. અને ડગલે ને પગલે તેઓ કલાકારાને અભિનયની ઝીણી ઝીણી બાબતોથી વાકેફ કરતા. હું કૉલેજમાં આવ્યો અને નસીરની ફિલ્મો જોઈ ત્યારે લાગ્યું કે હું પણ અભિનય કરી શકું છું. તે અગાઉ નાટકોમાં સુદ્ધાં મેં અભિનય કરવાની હિંમત કરી નહોતી. પ્રતિભાને ધારદાર બનાવવા એનએસડીમાં દાખલ થયો.

તમે અભિનેતા બનવાનું નક્કી કર્યું ત્યારે ઘરવાળાંની પ્રતિક્રિયા કેવી હતી?

ઈરફાન ખાનઃ ઘરવાળાનો તો જબરો વિરોધ હતો. એમને મન ફિલ્મો એટલે નાચ-ગાયનથી વિશેષ નહોતું. હું એનએસડીમાં દાખલ થયો. મારી મા આવી. એમણે માહોલ જોયો ત્યારે ખાતરી થઈ કે અભિનય માત્ર ઝાડની આસપાસ નાચવા ગાવાથી પૂરો નથી થતો. બલકે એથી વિશેષ કાંઈક છે.

હવે તમે લોકપ્રિયતા મેળવી છે ત્યારે મા શું કહે છે?

ઈરફાન ખાનઃ (સ્મિત કરીને) એમને આનંદ ઊપજે છે. ગમે તેમ એ મા છે. દિલમાં એક કસક તો રહેવાની જ કે એનો બેટો એની નજર સામે નોકરી કરે તો મોઢું જોઈ શકે.

શું તમારે સંઘર્ષ કરવો પડ્યો?

ઈરફાન ખાનઃ જો, તમારો ભાવાર્થ ભૂખ્યા-તરસ્યા રહીને રોલ મેળવવા આંટાફેરા ને આશીર્વાદ કરવા પડ્યા તો એવો સંઘર્ષ મારે હરગીઝ નથી કરવો પડ્યો. પરંતુ હું જે પ્રકારનું કામ કરવા ચાહતો હતો એવું ન મળ્યું તેથી એ સંઘર્ષ હજુએ ચાલુ છે. ગોવિંદ નિહલાની અને શ્યામ બેનેગલ સાથે ‘જંજીરેં’ અને ‘દ્રષ્ટિ’માં મનપસંદ કામ કર્યું. પ્રેમચંદની આત્મકથાના એક કલાકના ચાર એપિસોડ સંતોષ આપી શક્યા. મેં પૌરાણિકથી લઈને ભાવનાત્મક અને દહેશત પેદા કરે એવી ભૂમિકાઓ ભજવી છે. પણ શ્રેષ્ઠ આવવાનું બાકી છે. હજુ મારે ઘણું બધું કરવાનું છે. ‘બનેગી અપની બાત’ સિરિયલે પુષ્કળ લોકપ્રિયતા અપાવી.

‘બનેગી અપની બાત’માં કેવી રીતે મોકો મળ્યો?

ઈરફાન ખાનઃ આ સિરિયલના નિર્દેશક પતિ-પત્ની દિપા-ટોનીને કોઈએ મારી ભલામણ કરેલી. એમણે આ સિરિયલ શરૂ કરી ત્યારે મને બોલાવ્યો. ઑડિશન પછી મને પસંદ કરવામાં આવ્યો. ત્યારે ખ્યાલ સુદ્ધાં નહોતો કે આ સિરિયલ આટલી લોકપ્રિયતા મેળવશે.

રવિ રાયની ‘સ્પર્શ’માં ઈમોશનલ રોલ હતો અને ‘ડર’માં ખતરનાક સાઈકીક કીલર તરીકે તમે દેખાયા. કોઈ પણ પાત્રને ભજવવા માટે કેવી તૈયારી કરો છો?

ઈરફાન ખાનઃ પાત્રને સમાવી લેવું કે પાત્રમાં ઓતપ્રોત બની જવું એ વાત સાથે હું સહમત નથી થતો. પાત્ર ભજવતી વખતે મારો અભિગમ વાર્તાને હિસાબે આગળ વધવાનો હોય છે. વાર્તા દમદાર હોય તો અડધો જંગ જીતી લેવાય. ‘સ્પર્શ’નું પાત્ર સમજદાર અને ત્યાગની મૂર્તિ સમાન હતું. ‘ડર’નું પાત્ર જટિલ હતું. પારિવારિક શખસ પતિ અને પિતા હોવા છતાં કીલર છે. મને લાગ્યું કે એ શખસ હીન ભાવનાનો શિકાર છે. તેથી દુનિયાને પોતાના અસ્તિત્વનું મહત્ત્વ દર્શાવવા ચાહે છે. એનામાં વિકૃતિ છે. જ્યારે એ વિકૃતિ સમજદારી પણ છવાઈ જાય છે ત્યારે જ એ ખૂંખાર હત્યારો બની જાય છે.

કોઈ પણ પાત્ર અદા કરતી વખતે તમે એના વિશે વિચારો છો કે પહેલા જ ધડાકે ગમી જાય તો મગજ સક્રિય બની જાય છે? પછી પાત્રની પરિસ્થિતિ, વર્તણૂંક, સંબંધો અને નાટકીયતા ચકાસી જુવો છો?

ઈરફાન ખાનઃ એમાં ચેતન-અચેતન મનની સ્મૃતિઓ ઊભરાય છે. એવું પાત્ર ક્યારેક તમને ભટકાયું હોય છે અથવા વાંચ્યું હોય છે. જેમ જેમ પાત્ર અદા કરતાં જાઓ એ ખુલ્લું થતું જાય છે. કોઈ પણ પાત્રો ભજવવા માંડો પછી જ સશક્ત બને છે. તે અગાઉ એના વિશે કાંઈ જ કહી ન શકાય.

તમે કેવા અભિનેતા છો?

ઈરફાન ખાનઃ હું મારી જાતને સામાન્ય અદાકાર લેખું છું. મહદઅંશે સ્ક્રીપ્ટ અને નિર્દેશક પર નિર્ભર રહું છું. સ્ક્રીપ્ટ મજબૂત હોય તો પરફૉર્મન્સ બહેતર થાય છે. રવિ રાયના સંવાદો સારા હોય છે તેથી પાત્ર ભજવવામાં મઝા આવે છે. ઘણી વાર નિર્દેશક જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. પછી મારો દ્રષ્ટિકોણ ભેળવીને પાત્ર ભજવવું પડે છે. મેં એક ઈન્ટરનેશનલ ફિલ્મ ‘ધ મેમરીઝ’માં કામ કર્યું. લગાતાર ત્રણ મહિનાનું શૂટિંગ કર્યું. એ ફિલ્મના નિર્દેશક ખાસ તાકીદ કરેલી કે ઓછામાં ઓછો અભિનય કરવો, શરૂઆતમાં મુશ્કેલી નડી. પરંતુ પછી મઝા પડવા માંડી. ક્રમશ: નિર્દેશકને બરાબર સમજી ગયો. આ અનુભવ યાદગાર રહ્યો.

તમારી દ્રષ્ટિએ કમર્શિયલ ફિલ્મોનો માપદંડ શો છે?

ઈરફાન ખાનઃ જે ફિલ્મ બૉક્સ ઑફિસે ટંકસાળ પાડીને હિટ થઈ જાય એ કમર્શિયલ ફિલ્મ છે. પછી ભલે ને એ ગમે તેવી કેમ ન હોય? સારી-ખરાબ, સી ગ્રેડની અંતે તો ફિલ્મે કેટલી કમાણી કરી એ જ જોવાય છે.

તમારી લેખિકા પત્ની સુતુપા સિકદરથી ક્યો લાભ થયો?

ઈરફાન ખાનઃ મારો પરિવાર મારી શક્તિ છે. પત્ની સિવાય બેટો પણ છે જે ભારે લાડકો છે. મને ગર્વ છે કે અમે પતિ-પત્ની એક જ પ્રોફેશનમાં છીએ. મારી પત્ની લેખિકા હોવાથી મારું તાણ, ડેડલાઈન્સ, વ્યસ્તતા સમજી શકે છે. ખૂબ સહાય કરે છે. અમે વિચારોની આપ-લે કરીએ છીએ. ટીકા-ટિપ્પણી સહર્ષ સાવીકારીએ છીએ.

પ્રણયલગ્ન કરેલાં છે?

ઈરફાન ખાનઃ જી હા. એનએસડીમાં પ્યાર પાંગર્યો. એ નિર્દેશનનો કોર્સ કરતી. પાછળથી લેખિકા બની ગઈ. એ ‘બનેગી અપની બાત’, ‘સફર’, ‘પતંગ’ અને ફિલ્મ ‘ખામોશી’નું લેખન કરી ચૂકી છે.

તમારા અભિનય પ્રત્યે બેટાની પ્રતિક્રિયા કેવી હોય છે?

ઈરફાન ખાનઃ બેટો નાનો છે. સીધોસાદો છે. મારી સિરિયલો રસપૂર્વક જુએ છે. ડર સિરિયલ જોઈને બીવાને બદલે એ પૂછતો કે બાબા ચાકુ ક્યોં ઊઠા રહા હૈ? ગર્દિશના એ સિનમાં હું અરુંધતિ સાથે વાત નથી કરતો ત્યારે એણે તરત જ પૂછ્યું, બાબા અરુંધતિ સે બાત ક્યોં નહીં કર રહા હૈ? મારો અભિનય જોઈને જાતજાતના સવાલો પૂછે છે.

તમે કેમ પ્રસિદ્ધિથી દૂર રહો છો?

ઈરફાન ખાનઃ કારણ કે, હું હીરો નથી પણ ઍક્ટર છું. સામાન્ય જીવન વીતાવવું મને ગમે છે. પ્રચારના ઢોલ પીટવાની મને જરૂર નથી વર્તાતી. લોકો મને જાણે છે. પ્રશંસકો મારા કામને પસંદ કરે છે. જે દિવસે મારી ફિલ્મ હિટ થશે ત્યારે આપોઆપ પ્રચાર થઈ જશે.

કલાકાર તરીકે તમારી મોટી શક્તિ કઈ છે?

ઈરફાન ખાનઃ કલાકાર તરીકે મારો અંગત દ્રષ્ટિકોણ અને વધુ કામ કરવાની તીવ્ર ઈચ્છા મારી સૌથી મોટી તાકાત છે. હું અલગ અલગ ભૂમિકાઓ કરવા ચાહું છું. જેઓ મનોરંજનની સાથોસાથ એક નવો દ્રષ્ટિકોણ પણ આપે. મને ખાતરી છે કે મંજિલથી હું વધુ દૂર નથી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]