કંગાળ થયેલી કોંગ્રેસ 2019માં મોદીનો મુકાબલો કેવી રીતે કરશે?

નવી દિલ્હી- કોંગ્રેસ પક્ષ હાલમાં નાણાકીય કટોકટી સામે સંઘર્ષ કરી રહ્યો છે. અને તેના પરિણામે 2019ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવાની કોંગ્રેસની ક્ષમતા પર અસર પડી શકે છે. બ્લૂમબર્ગના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પાસે આર્થિક ભંડોળની એટલી અછત છે કે, ગત પાંચ મહિનાથી કોંગ્રેસ નેતૃત્વએ અનેક રાજ્યોમાં પક્ષના કાર્યાલય ચલાવવા માટે પણ જરુરી નાણાં અટકાવી રાખ્યા છે.આ અંગેની માહિતી રાખનારા પાર્ટીના લોકોએ જણાવ્યું છે કે, આર્થિક સંકટથી બહાર આવવા પાર્ટી સદસ્યોને યોગદાન આપવા આગ્રહ કર્યો છે. આ સિવાય અધિકારીઓને ખર્ચમાં કાપ મૂકવા માટે પણ કહેવામાં આવ્યું છે.

આ અગાઉ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજકીય ભંડોળ મેળવવાના સંદર્ભમાં ભાજપે રેકોર્ડતોડ કમાણી કરી હતી. નાણાકીય વર્ષ 2016-17માં 81 ટકાની વૃદ્ધિ સાથે ભાજપે સૌથી વધુ રુપિયા 1034 કરોડની કમાણી કરી છે. અટલું જ નહીં સાત રાષ્ટ્રીય પક્ષોમાંથી ભાજપની એકલાની કમાણી અન્ય પક્ષો કરતાં બમણી છે. ભાજપ, કોંગ્રેસ, બસપા, તૃણમૂલ, સીપીએમ, સીપીઆઈ અને એનસીપી જેવા રાષ્ટ્રીય પક્ષોને કુલ રુપિયા 1559નું દાન મળ્યું છે. જેમાંથી આશરે બે-તૃતીયાંશ જેટલી રકમ ભારતીય જનતા પાર્ટીને મળી છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના જણાવ્યા મુજબ કોંગ્રેસ પાર્ટીને રુપિયા 115.6 કરોડની કુપન દ્વારા થઈ હતી. માર્ચ 2018ના ઓડિટ રિપોર્ટ અનુસાર કોંગ્રેસ પાર્ટીએ તેની આવક કરતાં રુપિયા 96 કરોડ વધારે ખર્ચ કર્યો છે.