શ્રીદેવી પંચતત્વમાં વિલીન થયાં; પતિ બોની કપૂરે અગ્નિદાહ આપ્યો

રોડો ચાહકોના દિલમાં વર્ષો સુધી રાજ કરનાર બોલીવૂડના ‘રુપ કી રાની’ શ્રીદેવી કપૂરને આજે અહીં સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી છે. બપોરે 3.30 વાગ્યે શ્રીદેવીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને લગભગ બે કલાકે અંતિમ યાત્રા વિલે પાર્લે (વેસ્ટ) સ્થિત સ્મશાનભૂમિ ખાતે પહોંચી હતી. ત્યાં ઈલેક્ટ્રિક સ્મશાનમાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પતિ અને જાણીતા નિર્માતા બોની કપૂરે શ્રીદેવીના પાર્થિવ શરીરને અગ્નિદાહ આપ્યો હતો. એ સાથે જ મહાન અભિનેત્રીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.

બોની કપૂરે પત્નીના નશ્વર દેહને અગ્નિદાહ આપ્યો એ પહેલાં પુત્રીઓ જ્હાન્વી અને ખુશીએ અંતિમ ક્રિયાઓ પૂરી કરી હતી.

સ્મશાનભૂમિની બહાર શ્રીદેવીના પ્રશંસકોની અપાર ભીડ જમા થઈ હતી. તો સ્મશાનભૂમિની અંદર બોલીવૂડ અમિતાભ બચ્ચન, રણધીર કપૂર, અનુપમ ખેર, શાહરૂખ ખાન જેવી અનેક ટોચની બોલીવૂડ હસ્તીઓ તેમજ ઉદ્યોગપતિ અનિલ અંબાણી ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, શ્રીદેવીનું ગઈ 24 ફેબ્રુઆરીએ દુબઈની એક હોટેલમાં એમના રૂમના બાથટબમાં અકસ્માતે પડી જતાં ડૂબી જવાને કારણે મૃત્યુ નિપજ્યું હતું. એમના પાર્થિવ શરીરને મંગળવારે રાતે દુબઈથી ખાસ વિમાન દ્વારા મુંબઈ લાવવામાં આવ્યો હતો.

શ્રીદેવીના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે આજે સવારે 9.30 વાગ્યાથી અંધેરી (વેસ્ટ)ના લોખંડવાલા કોમ્પલેક્સ ખાતે સેલિબ્રેશન સ્પોર્ટસ ક્લબ ખાતે રાખવામાં આવ્યો હતો. ત્યાંથી એને ફૂલોથી સજાવેલી ટ્રકમાં વિલે પાર્લે (વેસ્ટ) સ્થિત સ્મશાનભૂમિ તરફ અંતિમ યાત્રા રૂપે લઈ જવામાં આવ્યો હતો. પાર્થિવ દેહને કાચની પેટીમાં રાખવામાં આવ્યો હતો. શ્રીદેવીને સંપૂર્ણ મેક-અપ અવસ્થામાં તૈયાર કરવામાં આવ્યા હતા. એમને સુવર્ણ તથા મરૂન રંગની કાંજીવરમ સાડીમાં પરિધાન કરવામાં આવ્યા હતા. સુહાગન તરીકે નિધન પામ્યા હોવાથી એમના ગળામાં મોટો નેકલેસ પણ પહેરાવવામાં આવ્યો હતો.

બપોરે અઢી વાગ્યે સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ ખાતેથી નીકળેલી શ્રીદેવીની અંતિમ યાત્રામાં હજારો પ્રશંસકો સામેલ થયા હતા. સમગ્ર રૂટ પર રસ્તાની બંને તરફ પ્રશંસકો મોટી સંખ્યામાં ઊભા હતા અને એમની ફેવરિટ અભિનેત્રીની અંતિમ ઝલક જોવા માટે આતુર દેખાતા હતા. રસ્તા પર પ્રશંસકો ‘શ્રીદેવી અમર રહે’ નારા લગાવતા સાંભળવા મળ્યા હતા.

શ્રીદેવીને સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. મુંબઈ પોલીસ તરફથી દિવંગત અભિનેત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ફૂલોથી સજાવેલી ટ્રક પર શ્રીદેવીની વિશાળ કદની તસવીર મૂકવામાં આવી હતી. ફૂલોથી સજાવેલી ટ્રકમાં શ્રીદેવીના નિર્માતા-પતિ બોની કપૂર, બોનીના પુત્ર અર્જૂન કપૂર અને ભાઈઓ અનિલ અને સંજય કપૂર હતા.

અંતિમ યાત્રા અંધેરીથી વિલે પાર્લે સ્મશાનભૂમિ સુધી ઘણા વૈભવશાળી વિસ્તારોમાંથી પસાર થઈ હતી. સમગ્ર રૂટ પર પોલીસનો કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

અંતિમ યાત્રા પસાર થઈ હતી એ રસ્તાઓ પર શ્રીદેવીની અંતિમ ઝલક નિહાળવા દરેક મકાનોમાં અને અગાસીઓમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થયેલા જોવા મળ્યા હતા. ઘણા લોકો સિગ્નલ્સ અને વીજળીના થાંભલાઓ ઉપર પણ ચડી ગયા હતા.

અંતિમ યાત્રાના સરઘસમાં શ્રીદેવીના પરિવારના અનેક સભ્યો, નિકટના સગાંસંબંધીઓ, મિત્રો તથા પડોશીઓનો સમાવેશ થતો હતો.

બેઘડી માટે મારું હૈયું ધબકારા ચૂકી ગયું. જે શ્રીદેવીને ફિલ્મોમાં નટખટ, ચુલબુલી, હીરો સાથે નાચતીકૂદતી જોઈ એને આમ ચીર નિદ્રામાં પોઢેલી જોઈ. બુધવારે બપોરે ગ્રીન એકર્સમાં સેલિબ્રેશન ક્લબમાં શ્રીદેવીનું પાર્થિવ શરીર જોયું. લાલ સાડી. કપાળ પર ચાંદલો. નાકમાં રૂનાં પૂમડાં. ગળામાં દક્ષિણી ટાઈપ મંગળસૂત્ર. કેસરી રંગની શાલ ઓઢાડવામાં આવી હતી. શ્વાસોચ્છવાસ ચાલતા નહોતા. હોઠ સહેજ ખુલ્લા હતા. બાજુમાં પતિ બૉની કપૂર ચોધાર આંસુએ રડી રહ્યા હતા. પુત્રીઓ જ્હાન્વી-ખુશી પણ રડી રહી હતી. એક પછી એક સ્ટાર્સ આવતા જતા હતા. વિદ્યા બાલનથી પણ રહેવાયું નહીં ને એ પણ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. રેખા બન્ને હાથે જ્હાન્વી-ખુશીને શાંત પાડી રહી હતી. સોનમ કપૂર પણ એમની સાથે જોડાઈ. રાની મુખરજી અંદર બધી અરેન્જમેન્ટ સંભાળી રહી હતી. એ પછી લગભગ અઢી વાગ્યે ફૂલોથી સજાવેલી ટ્રકમાં રાષ્ટ્રધ્વજમાં લપેટેલો શ્રીનો પાર્થિવ દેહ અંતિમ યાત્રા માટે નીકળ્યો ને આખરી સલામ ભરી હું ઑફિસે પાછો ફર્યો.

તે પૂર્વે સવારથી જ, શ્રીદેવીના અંતિમ દર્શન કરવા માટે અને એમને શ્રદ્ધાંજલિ આપવા બોલીવૂડની અનેક સિલેબ્રિટીઓ સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ ખાતે પહોંચી હતી. એમાં સોનમ કપૂર, સંજય કપૂર, રેખા, ઐશ્વર્યા રાય-બચ્ચન, જયા પ્રદા, અરબાઝ ખાન, માધુરી દીક્ષિત-નેને, અક્ષય ખન્ના, તબુ, ફરાહ ખાન, નીતિન મુકેશ, નીલ નીતિન મુકેશ, વિદ્યા બાલન, સુસ્મિતા સેન, શબાના આઝમી, જાવેદ અખ્તર, મધુર ભંડારકર, દીપિકા પદુકોણ, સંજય લીલા ભણસાલી, જેકી શ્રોફ, ફરહાન અખ્તર, હેમા માલિની, જયા બચ્ચન, જોન અબ્રાહમ, અજય દેવગન અને કાજોલ, સોહા અલી ખાન, નિમ્રત કૌર, નેહા ધુપીયા, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મી ઠાકરે અને એમના પુત્ર આદિત્ય ઠાકરે વગેરેનો સમાવેશ થાય છે.શ્રીદેવીના પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, આ દુ:ખના સમયમાં તેમને સહકાર આપવા બદલ ખુશી, જ્હાન્વી, બોની કપૂર તેમજ સમગ્ર કપૂર પરિવાર અને અય્યપ્પન પરિવાર મીડિયા તથા તમામ લોકોનો આભાર માને છે.

મંગળવારે મોડી રાત્રે શ્રીદેવીનો પાર્થિવ દેહ દુબઈથી મુંબઈ લાવવામાં આવ્યો હતો. શ્રીદેવીનો નશ્વર દેહ ગઈ આખી રાત તેમના લોખંડવાલા સ્થિત ‘ગ્રીસ એકર્સ’માં રાખવામાં આવ્યો હતો.

(શ્રીદેવીના અંતિમ સંસ્કાર બાદ અનિલ કપૂરે ટ્વિટર પર આ લાગણીસભર નિવેદન પોસ્ટ કર્યું છે જેમાં એમણે લખ્યું છે કે એક સુંદર આત્મા બહુ વહેલા જતા રહ્યા)

httpss://twitter.com/AnilKapoor/status/968859943443906566

અહેવાલઃ કેતન મિસ્ત્રી (ગ્રીન એકર્સ, શ્રીદેવીનાં અંતિમ દર્શને)

વિડિયોઃ દીપક ધુરી