50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ માટે ગુજરાત સરકાર પાસે દરખાસ્ત કરવામાં આવશે

અમદાવાદ-કેન્દ્રીય આયુષ રાજ્યકક્ષાના પ્રધાન (સ્વતંત્ર પ્રભાર) શ્રીપાદ યેસ્સો નાઈકે આજે અમદાવાદના અસારવા ખાતે ક્ષેત્રીય આયુર્વેદિક ત્વચારોગ અનુસંધાન સંસ્થાનના નવા પરિસરનું ઉદઘાટન કર્યું હતં. આ પ્રસંગે આ અનુસંધાન સંસ્થાન માટે જમીન ફાળવવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ પરિસરમાં 50 બેડની હોસ્પિટલ બનાવવા માટે ગુજરાત સરકાર પાસે દરખાસ્ત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.કેન્દ્રીય આયુષપ્રધાનેએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના દ્રષ્ટિકોણ મુજબ ભારત સરકારની મહત્વપૂર્ણ પ્રાથમિકતા સ્વાસ્થ્ય સેવામાં ગુણાત્મક વૃદ્ધિ કરવાનો છે. તેનો અર્થ સમજાવતા તેમણે કહ્યું હતું કે તેમનું મંત્રાલય સસ્તા દરે સારવાર ઉપલબ્ધ કરાવવા, સેવાની ગુણવત્તા સુધારવા, સંસાધનો વધારવા અને સંશોધનમાં વધારો કરી નવીનત્તમ ચિકિત્સા સુવિધા પૂરી પાડવા માટે નિરંતર કાર્ય કરી રહ્યું છે.

અમદાવાદ પશ્ચિમના સંસદ સભ્ય ડૉ. કિરીટ સોલંકીએ આયુર્વેદની જમીનથી જોડાયેલી ઉપચાર પદ્ધતિ ગણાવી હતી અને કહ્યું હતું કે આયુર્વેદ, હોમિયોપેથી જેવી નૈસર્ગિક ઉપચાર પદ્ધતિમાં રોગને જડમૂળથી દૂર કરવાની ક્ષમતા રહેલી છે. તેમણે કેન્દ્રીય બજેટમાં આયુષ્માન ભારત જેવી મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત બદલ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત તેમણે આ અનુસંધાન સંસ્થાનના પરિસરમાં 50 બેડની હોસ્પિટલ શરૂ કરવા માટે યથાસંભવ મદદ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે ભારત સરકારને અસારવામાં આવેલી ગુજરાત સરકારની મણિબહેન આયુર્વેદિક હોસ્પિટલના વિકાસ માટે પણ યોજના લાવવા માટે અપીલ કરી હતી.

આ પ્રસંગે માનનીય મંત્રીશ્રીના હસ્તે આયુર્વેદિક ઉપચાર અને ત્વચા રોગ સાથે સંબંધિત એક વેબ આધારિત અભ્યાસનો શુભારંભ કરાવાયો હતો. આ ઉપરાંત ‘ત્વચા રોગ : પથ્યા પથ્ય’ (ત્વચા રોગ – શું કરવું – શું ન કરવું) નામના પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.