શિયાળાની કડકડતી ઠંડીમાં સુરતનું ફેમસ સ્ટ્રીટ ફુડ વોલ્કેનો વડાપાંઉ ગરમાગરમ ખાવા મળે તો મઝા પડે નહીં? પણ તે માટે સુરત જવાની જરૂર નથી. ઘરે પણ વોલ્કેનો વડાપાંઉ બની શકે છે!

સામગ્રીઃ ચણાનો લોટ 2 કપ, હળદર ¼ ટી.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, અજમો ¼ ટી.સ્પૂન, માખણ 200 ગ્રામ,
મરચાંના પટ્ટી ભજીયા માટેઃ લીલા મોળા મરચાં 10-12, હીંગ ¼ ટી.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ 1 ટી.સ્પૂન
બટેટાના મસાલા માટેઃ બાફેલા બટેટા 7-8, કળી પત્તાના પાન 8-10, લીલા મરચાં 6-7, હળદર ¼ ટી.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, આદુનો ટુકડો 2 ઈંચ, લસણ 10-12 કળી, તેલ 1 ટે.સ્પૂન, રાઈ ½ ટી.સ્પૂન, જીરૂ ½ ટી.સ્પૂન, ગરમ મસાલો ¼ ટી.સ્પૂન, લીંબુનો રસ 1 ટે.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, સમારેલી કોથમીર 1½ કપ,
લસણની ચટણી માટેઃ સૂકા લાલ મરચાં 10 નંગ, લસણની કળી 10-12, જીરૂ 1 ટી.સ્પૂન, સંચળ મીઠું ¼ ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
તીખી લીલી ચટણીઃ કોથમીર 2 કપ, તીખાં લીલાં મરચાં 7-8, આદુનો ટુકડો 1 ઈંચ, સ્વાદ મુજબ મીઠું,
રીતઃ ચણાના લોટમાં હળદર, હીંગ તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવીને ઘટ્ટ ખીરું બનાવી લો.
બટેટાના મસાલા માટે લીલા મરચાં, આદુ, લસણ, કળી પત્તાના પાન તેમજ ½ કપ કોથમીર લઈ તેની અધકચરી પેસ્ટ બનાવી લો.
એક વઘારીયામાં એક ચમચી તેલ ગરમ કરી રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે જીરૂનો વઘાર કરી હીંગ ઉમેરીને વાટેલો મસાલો મેળવી એકાદ મિનિટ સાંતળીને ગેસ બંધ કરી દો. તેમાં હળદર તેમજ ગરમ મસાલો મેળવી દો.
બાફેલા બટેટાની છાલ કાઢીને મેશર વડે મેશ કરી લીધા બાદ તેમાં વાટેલો મસાલો તેમજ લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું મેળવીને બાકી રાખેલી કોથમીર પણ બટેટાના પૂરણમાં મેળવી દો અને વડા માટેના ગોળા બનાવી લો.
લીલી ચટણી માટેની સામગ્રી મિક્સીમાં પીસીને ચટણી તૈયાર કરી લો.

લસણની ચટણી માટે સૂકા લાલ મરચાંને થોડીવાર માટે ગરમ પાણીમાં પલાળી રાખો. મરચાંમાંથી પાણી નિતારી લઈ મરચાંને મિક્સી જારમાં લઈ લસણની કળી, જીરૂ, સંચળ મીઠું તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવીને 1 કપ પાણી ઉમેરીને બારીક ચટણી પીસીને એક વાસણમાં કાઢી લો. એક વઘારીયામાં 2 ચમચી તેલ ગરમ કરી આ ગરમ તેલ ચટણી ઉપર રેડી દો. સાથે સમારેલી કોથમીર મિક્સ કરી દો.
વડા તળવા માટે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. વડા બનાવતી વખતે ચણાના લોટના ખીરામાં બેકીંગ સોડા ઉમેરી તેની ઉપર 1 ચમચી ગરમ તેલ રેડીને મિક્સ કરી લો. તેલ ગરમ થાય એટલે ગેસની મધ્યમ તેજ આંચે વડા તળી લો.
પટ્ટી ભજીયા માટે મરચાંની બે ટુકડા કરીને તેની બે ફાળ કરીને તેમાંથી બીયાં કાઢી લો. આ મરચાંમાં હીંગ, હળદર, સ્વાદ મુજબ મીઠું તેમજ લીંબુને રસ મેળવીને પાંચેક મિનિટ બાદ મરચાંને ચણાના લોટના બાકી રહેલા ખીરામાં ડુબાળીને એક એક પટ્ટી તેલમાં નાખીને બધાં મરચાં તળી લો.
પાંઉને ચપ્પૂ વડે વચ્ચેથી અડધા કટ કરી લો.
વડા પીરસતી વખતે તવો ગરમ કરી તેમાં 2 ચમચી બટર ગરમ થાય એટલે 2-3 ટે.સ્પૂન લસણની ચટણી રેડી, ઉપર લીલી ચટણી નાખી થોડી કોથમીર ભભરાવી મિક્સ કરી દો. કટ કરેલા પાંઉના અંદરના ભાગમાં આ ચટણી લગાડી, પાંઉ ફોલ્ડ કરીને ફરીથી તેની ઉપરની બંને બાજુએ ચટણી લગાડી દો અને તવા ઉપર ગરમ કરવા મૂકો. હવે બધા પાંઉમાં વડા ગોઠવી દીધા બાદ દરેક વડાપાંઉના ચપ્પૂ વડે ચાર પીસ કટ કરી લો.
એક ડીશમાં લીલી તેમજ લસણની ચટણી, મરચાંના તળેલા પટ્ટી ભજીયા અને ઝીણાં સમારેલાં કાંદા સાથે વડા પાંઉ પીરસો.





