બુલેટ ટ્રેન: મુંબઈમાં BKCમાં ભૂગર્ભમાં બનશે સ્ટેશન

મહારાષ્ટ્ર સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રેલવે તંત્રને મુંબઈમાં જમીનની ફાળવણી કરી દીધી છે. બાન્દ્રા (પૂર્વ)માં આવેલા બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) ખાતે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ટર્મિનસ બાંધવા માટે જમીનના પ્લોટ સંબંધિત દસ્તાવેજો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રેલવે પ્રધાન પીયૂષ ગોયલને સુપરત કરી દીધા છે.

દેશના આર્થિક પાટનગર મુંબઈ અને ગુજરાતના આર્થિક રીતે સમૃદ્ધ એવા પ્રથમ શહેર અમદાવાદને જોડતી, દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટેનું ટર્મિનલ મુંબઈમાં બીકેસી ખાતે બાંધવામાં આવશે.

પીયૂષ ગોયલે જાહેરાત કરી છે કે મહારાષ્ટ્ર સરકારે જમીનને લગતા દસ્તાવેજો હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશનને સુપરત કર્યા છે.

ગોયલે એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે બુલેટ પ્રોજેક્ટ નિર્ધારિત ડેડલાઈન કરતા વહેલો પૂરો થઈ જવો જોઈએ. એને અત્યાર સુધીમાં સામાન્ય રીતે બનતું આવ્યું છે એમ, કારણ વગર 25-25 વર્ષ સુધી ખેંચવો ન જોઈએ.

મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટીના કમિશનર યૂ.પી.એસ. મદને હાઈ સ્પીડ રેલ ટર્મિનલ માટેના જમીન દસ્તાવેજો નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અચલ ખરેને સુપરત કર્યા હતા. દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના હેરિટેજ હોલ ખાતે યોજાયેલા એ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસ અને પીયૂષ ગોયલ ઉપસ્થિત હતા.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અમુક વિશેષતા…

lબુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સ્ટેશન અન્ડરગ્રાઉન્ડ હશે. તે જમીનથી 25 મીટર ઊંડે હશે. સ્ટેશન 3 લેવલમાં બાંધવામાં આવશે.

lઆ પ્રોજેક્ટથી બોઈસર અને વિરાર જેવા સેટેલાઈટ નગરોનો આર્થિક વિકાસ કરશે

lબુલેટ ટ્રેન શરૂ થયા બાદ બોઈસર, વિરાર અને થાણેથી મુંબઈ તરફનો પ્રવાસ સમય ધરખમપણે ઘટી જશે

lબોઈસરથી લોકો માત્ર 39 મિનિટમાં મુંબઈ (બીકેસી) પહોંચી શકશે. જ્યારે વિરાર અને થાણેથી બીકેસી સુધીનું ટ્રેન અંતર અનુક્રમે 24 મિનિટ અને 10 મિનિટનું થશે

lમુંબઈ-અમદાવાદ વચ્ચે 6 કલાકનો પ્રવાસ સમય ઘટીને અઢી કલાકનો થઈ જશે

lબુલેટ ટ્રેન પ્રોજેક્ટ પરનું કામકાજ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે