એસી લોકલ ટ્રેનને મુંબઈગરાંઓનો ઠંડો પ્રતિસાદ

મુંબઈના ટ્રેન પ્રવાસીઓએ એસી લોકલથી પીઠ ફેરવી લીધી

મુંબઈ એટલે ભારતની આર્થિક રાજધાની. આ શહેર તરફથી દેશની તિજોરીને કરવેરા રૂપે સૌથી વધારે નાણાં મળે છે, પણ આ શહેરનાં લોકો એરકન્ડિશન્ડ બસ અને લોકલ ટ્રેનમાં પ્રવાસને લાગેવળગે છે ત્યાં સુધી ઉદાસીન રહ્યા છે. એમના પ્રતિસાદથી ‘બેસ્ટ’ બસ કંપની તથા પશ્ચિમ રેલવેના સત્તાવાળાઓ નિરાશ થયા છે. મહાનગરના રસ્તાઓ પર એક સમયે એકથી વધુની સંખ્યામાં દોડતી એરકન્ડિશન્ડ સિટી બસો ‘બેસ્ટ’ કંપની માટે ધોળો હાથી સાબિત થયા બાદ એને તબક્કાવાર સેવામાંથી હટાવી લેવામાં આવી છે.

હવે એવી જ હાલત પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગ પર શરૂ કરાયેલી એરકન્ડિશન્ડ લોકલ ટ્રેનની બાબતમાં થઈ છે. ગયા વર્ષની 25 ડિસેંબરથી પહેલા બોરીવલીથી ચર્ચગેટ વચ્ચે શરૂ કરાયેલી અને બાદમાં ચર્ચગેટથી વિરાર સુધી લંબાવાયેલી સેવાની એસી ટ્રેન રોજ ખાલી જ જાય છે. ઠંડી-ઠંડી ટ્રેનમાં બેસવા માટે લોકોના ઠંડા રહેલા પ્રતિસાદથી સત્તાવાળાઓ ચિંતિત થઈ ગયા છે.

મુંબઈમાં ઉનાળો બેસી ગયો છે, રોજ ગરમી વધી રહી છે તે છતાં વિરારથી ચર્ચગેટ વચ્ચે દર સોમવારથી શુક્રવારે દોડતી એસી લોકલ ટ્રેન લગભગ ખાલી જ દેખાતી હોય છે. હાલ મુંબઈમાં માત્ર એક જ એસી ટ્રેનને દિવસ દરમિયાન દોડાવવામાં આવે છે.

ધસારા સિવાયના સમયમાં તો આખી ટ્રેનમાં માંડ 20 પેસેન્જર બેઠેલા હોય છે.

25 ડિસેંબર, 2017થી 8 માર્ચ, 2018 સુધીમાં માત્ર પાંચ લાખ લોકોએ જ એસી લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો છે. સત્તાવાળાઓએ જે ટાર્ગેટ નક્કી કર્યો હતો એની સરખામણીમાં આ આંકડો ઘણો ઓછો છે.

પશ્ચિમ રેલવેના ઉપનગરીય નેટવર્ક પર દરરોજ આશરે 35 લાખ લોકો અવરજવર કરતા હોય છે. એની સરખામણીમાં એસી લોકલમાં પ્રવાસીઓની દૈનિક સરેરાશ 10 હજાર કરતાં પણ ઓછી રહી છે. સામાન્ય લોકલ ટ્રેનની એક ફેરીમાં ચારથી પાંચ હજાર જેટલા લોકો આવ-જા કરતા હોય છે જ્યારે એસી લોકલમાં આખા દિવસ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા દસ હજાર સુધી પણ પહોંચી નથી.

મહિલા પ્રવાસીઓને એસી ટ્રેનમાં પ્રવાસ કરવા માટે આકર્ષિત કરવા માટે પશ્ચિમ રેલવેએ ગઈ 8 માર્ચે એસી લોકલ ટ્રેનના બે લેડિઝ ડબ્બાઓનું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાદિવસના થીમના આધારે મેકઓવર કર્યું હતું, પરંતુ એનાથી મહિલાઓ એસી ટ્રેનમાં સફર કરવા માટે આકર્ષાઈ નહોતી.

એક સૂચન એવું છે કે એક આખી ટ્રેન એરકન્ડિશન્ડ દોડાવવાને બદલે મોટા ભાગની સામાન્ય લોકલ ટ્રેનોમાં એક કે બે ડબ્બા એસી જોડવા જોઈએ. કદાચ એનાથી એસી કોચમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા વધી શકે છે.

બીજું સૂચન એવું છે કે એસી લોકલ ટ્રેનના માસિક ભાડામાં ઘટાડો કરવો જોઈએ જેથી સામાન્ય ટ્રેનોના ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરતા લોકો એસી ટ્રેનમાં પ્રવાસ કરવા આકર્ષિત થશે.

એક અન્ય સૂચન એવું છે કે એસી લોકલ ટ્રેનને સોમથી શુક્રવારે સવારે 8 વાગ્યે અને પછી 9.30 વાગ્યે બોરીવલીથી ચર્ચગેટ સુધી ઉપાડવી જોઈએ અને એને મલાડ, અંધેરી, સાંતાક્રુઝ, બાન્દ્રા, દાદર, એલફિન્સ્ટન રોડ, લોઅર પરેલ, મુંબઈ સેન્ટ્રલ, ચર્ની રોડ અને ચર્ચગેટ ઊભી રાખવી જોઈએ. એવી જ રીતે, સાંજના સમયે ચર્ચગેટથી બોરીવલી માટેની ટ્રેનને ચર્ચગેટથી 5.45 વાગ્યે અને બીજી 7.15 વાગ્યે ઉપાડવી જોઈએ. આમ કરવાથી આ ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે.

મુંબઈના લોકો આરામદાયક રીતે અને એસીની ઠંડકમાં પ્રવાસ કરી શકે એવી સુવિધા આપવા માટે પશ્ચિમ રેલવેના સત્તાવાળાઓએ એસી લોકલ ટ્રેન શરૂ કરી છે. આ લોકલને સેવામાં ઉતારવામાં પણ ઘણો વિલંબ થયો હતો. આખરે 25 ડિસેંબરથી એ શરૂ કરાઈ ત્યારે એવું લાગ્યું હતું કે આ ટ્રેનને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળશે, પણ એવું બન્યું નથી.

25 ડિસેંબર, 2017થી 8 માર્ચ, 2018 સુધીમાં પશ્ચિમ રેલવેને એસી લોકલ ટ્રેન મારફત સવા બે કરોડ રૂપિયાની આવક થઈ છે. આ ટ્રેન અઠવાડિયાના પાંચ દિવસોએ જ દોડાવવામાં આવે છે. સવાર-સાંજના સમયે અમુક ફેરીને બાદ કરતાં અન્ય ફેરી વખતે તો ટ્રેન ખાલી જ દોડે છે.

વધુ લોકો પ્રવાસ કરતા થાય એ માટે સત્તાવાળાઓએ હવે એસી લોકલ ટ્રેનની અંદર જ ટિકિટ ખરીદવાની સિસ્ટમ શરૂ કરી છે. વળી, સામાન્ય ટ્રેનના ફર્સ્ટ ક્લાસના પાસધારકો એમનો પાસ અપગ્રેડ કરાવી શકે છે અને ત્યારબાદ એસી લોકલ ટ્રેનમાં ચડીને અંદર જ ટીસી પાસે એસી ટ્રેનની ટિકિટ ખરીદી શકે છે. બસના પ્રવાસીઓ જેમ બસમાં ચડ્યા પછી ટિકિટ ખરીદતા હોય છે તેમ. એવા પ્રવાસીઓએ માત્ર એમના ફર્સ્ટ ક્લાસ પાસ કે ટિકિટ અને એસી ટ્રેનની ટિકિટના ભાડાનો ડિફરન્સ જ ચૂકવવાનો રહે છે.

25 ડિસેંબરથી 8 માર્ચ સુધીમાં એસી લોકલ ટ્રેનમાં કુલ પાંચ લાખ 24 હજાર 130 જણે પ્રવાસ કર્યો હતો. કુલ 58,688 ટિકિટોનું વેચાણ થયું હતું. રેલવેને બે કરોડ, 26 લાખ, 95 હજાર 786 રૂપિયાની આવક થઈ છે. એસી ટ્રેન માટે 9,614 માસિક પાસ વેચાયા છે.

httpss://youtu.be/bGvvi_1IYps

એસી ટ્રેનની એક ટેકનિકલ સમસ્યા એ છે કે, તેનાં ઓટોમેટિક દરવાજા ખુલતાં અને બંધ થતાં વધારે સમય લગાડે છે. એને કારણે પાછળ આવતી ટ્રેનો મોડી પડે છે.

httpss://youtu.be/x3Vi2Tl4ZJ4

સામાન્યપણે લોકલ ટ્રેનના પ્રત્યેક ડબ્બામાં પ્રવાસીઓની સરેરાશ સંખ્યા 250ની નક્કી કરવામાં આવી છે, પણ સવાર-સાંજ ધસારાના કલાકો દરમિયાન આ સંખ્યા ડબલથી પણ વધારે થઈ જતી હોય છે. એની સરખામણીમાં એસી લોકલમાં પ્રવાસીઓની સંખ્યા નગણ્ય છે.

એસી લોકલ ટ્રેન પ્રયોગાત્મક ધોરણે શરૂ કરવામાં આવી છે. જોકે અમુક રેલવે સૂત્રો તો અગાઉ એવું કહી ચૂક્યા છે કે મુંબઈના ઉપનગરીય નેટવર્ક પર ધીમે ધીમે બધી જ લોકલ ટ્રેનો એરકન્ડિશન્ડ કરવામાં આવશે.