શું ખેડૂતોની દેવા માફી એ એકમાત્ર વિકલ્પ છે?

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાતના વાયદા પછી અતિમહત્વના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ જીતી છે, અને આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસની સરકાર આવી છે, જેથી હવે ખેડૂતો પણ દેવા માફ થવાની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. રાજકીય વાયદાઓ કેટલા પળાય છે, તે તો સૌ જાણે છે. પણ ખેડૂતોના દેવા માફ કરવાના વચન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ખેડૂતોના દેવા માફ કરીને દેશના અર્થતંત્ર પર બોજો વધારવો, દેશની નાણાકીય ખાધમાં વધારો થાય, એકતરફ બેંકોની કથળેલી હાલત અને તેમાં પાછા ખેડૂતોની લોન માફ કરવાની… અત્રે ચર્ચા એ છે કે ખેડૂતોના દેવા માફ કરવા તેને બદલે ખેડૂતોની આવક વધે કે ઉપજ વધે તેવા કોઈ પગલા વિચારવની જરૂરિયાત ઉભી થઈ છે. કયા સુધી દેવા માફી થશે.

અમે ખેડૂતોના દેવા માફ થાય તેના કોઈ જ વિરોધમાં નથી. ખેડૂત તો જગતનો તાત છે, તેને સૌથી વધુ સઘિયારાની જરૂર હોય છે. ખેડૂત નહી હોય તો દેશની ઈકોનોમી સંભવ જ નથી કારણ ભારત કૃષિપ્રધાન દેશ છે. પણ વારંવાર ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે છે, પણ કોઈ તેના વિકલ્પમાં શુ કરી શકાય તે કોઈ વિચારતું નથી. આર્થિક જગતના નિષ્ણાતો પણ દેવા માફીના વિરોધી છે.

હાલ ત્રણ રાજ્યોમાં ભાજપે સત્તા ગુમાવી છે, આ સંજોગોમાં કેન્દ્રની મોદી સરકાર પર દબાણ વધી રહ્યું છે. 2019માં લોકભાની ચૂંટણી આવી રહી છે. તે પહેલા ખેડૂતોના દેવા માફ કરીને ખેડૂતોના મત અંકે કરવાની ચાલ રમાશે. 2019ની ચૂંટણીમાં તમામ પક્ષ પોતાના મેનિફેસ્ટોમાં ખેડૂતોના દેવા માફ કરવાનું વચન આપશે. બીજી તરફ સરકારે નાણાકીય ખાદ્યને જીડીપીના 3.3 ટકા સુધી સીમિત રાખવાનું નક્કી કર્યું છે. આ કારણે જે તમામ રાજ્ય સરકારો તરફથી ખેડૂતોના દેવા માફી કર્યા પછી નાણાપ્રધાન અરૂણ જેટલીએ સ્પષ્ટ કર્યુ હતું કે કેન્દ્ર સરકાર આવી કોઈ યોજનામાં રાજ્ય સરકારોની સાથ નહી આપે, તેના માટે રાજ્યોએ તમામ બોજો પોતે ઉઠાવવા પડશે.

આપને જણાવી દઈએ કે 2014માં અત્યાર સુધીમાં 7 રાજ્યોએ અંદાજે 1 લાખ 82 હજાર 802 કરોડ સુધીની રકમનું દેવું માફ કર્યું છે. અને હવે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ કોંગ્રેસની નવી સરકાર ખેડૂતોના દેવા માફ કરવાની મોટી જાહેરાત કરશે, જેથી દેવા માફીનો આંકડો 4 લાખ કરોડને પણ વટાવી જશે.

2014થી વિવિધ રાજ્યોએ દેવા માફ કર્યા છેઃ

2014  આંધ્રપ્રદેશ    રૂ. 43,000 કરોડ

2017   ઉત્તરપ્રદેશ   રૂ.36,000 કરોડ

2017   મહારાષ્ટ્ર    રૂ.34,022 કરોડ

2017   કર્ણાટક    રૂ.34,000 કરોડ

2017   રાજસ્થાન  રૂ.20,000 કરોડ

2017   પંજાબ    રૂ.10,000 કરોડ

2017   તામિલનાડુ રૂ.5,780 કરોડ

કુલ 1,82,802 કરોડ

 

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની ધીરાણ નીતિની સમીક્ષા વખતે નોંધ્યું હતું કે ખેડૂતોના દેવાની માફી નાણાકીય અનુસાશન પર વિપરીત અસર કરી શકે છે. રીઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું છે કે રાજકીય પક્ષોએ ચૂંટણી દરમિયાન દેવા માફીનું વચન આપવું જોઈએ નહી. તેમણે આ અંગે ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો છે અને યોગ્ય પગલા ભરવા જણાવ્યું છે. રાજનનું કહેવું છે કે તેનાથી ખેતીવાડી ક્ષેત્રમાં રોકાણ ઘટે છે, અને રાજ્યોની આર્થિક સ્થિતી બગડે છે. ખેડૂતોના દેવા માફીનો લાભ માત્ર વગદાર ખેડૂતોને જ મળે છે. હકીકતમાં ગરીબ ખેડૂત સુધી લાભ પહોંચતો જ નથી. વાંરવાર દેવા માફી થવાથી ખેડૂતોને પણ લોન લીધા પછી નહી ભરવાની માનસિકતા સર્જાય છે. કે સરકાર દેવુ માફ કરવાની જ છે ને….

ચોમાસું નબળું ગયું હોય ત્યારે ખેડૂતોનું વર્ષ બગડે તે સ્વભાવિક છે, અથવા તો ખેત ઉપજના ભાવ ન મળે તો ખેડૂતને નુકશાન જાય તેમ બને છે, પણ તેના માટે ખેડૂતને લાભ પણ અને તેની ઉપજ સારા દામમાં વેચાઈ જાય તે માટે રાજકીય પક્ષોઓએ ભેગા થઈને વિચારવાની જરૂર છે. નહી કે તેને મતબેંક બનાવવાની. આ હાલના સમયની માંગ છે. દેવા માફી લાંબેગાળે ખુબ જ ગંભીર અસરો ઉભી કરી શકે છે. વિશ્વના દેશો વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યા છે, ત્યારે ભારત દેશ ખેડૂતોના દેવા માફ કરીને આર્થિક રીતે કંગાળ થતો જાય છે. વિશ્વમાં પણ આવી સમસ્યા આવતી હશે, ત્યાં અભ્યાસ કરીને ખેડૂતોને નુકશાન ન જાય તે માટેના પગલા લેવા જોઈએ. કારણ કોમ્પિટિશન ખુબ વધતી જાય છે. નવા આર્થિક સુધારા કરવાને સ્થાને દેવા માફીની જોગવાઈ કરવાની આવે છે, જેનો ટેક્સ વિવિધ વસ્તુઓ પર જાય અને મોંઘવારી વધતી જાય. આ ચક્ર કયારેય અટકવાનું નથી. બજેટ આવે એટલે બોજો આવશે તેવું કહેવાય છે. પણ હકીકતે આ વિચારસરણી બદલવાનો સમય આવી ગયો છે.

અત્રે નોંધવું ઘટે કે 1990માં વીપી સિંહની સરકારે પહેલી વાર દેશના ખેડૂતોના અંદાજે રૂપિયા 10 હજાર કરોડનું દેવા માફ કર્યા હતા. તે પછી યુપીએ સરકારે 2008-09માં 4 કરોડ ખેડૂતોને ધ્યાનમાં રાખીને અંદાજે રૂપિયા 71 હજાર કરોડનું દેવું એકસાથે માફ કરવાની જાહેરાત કરી હતી.

આમ તે પછી 2014થી રાજ્ય સરકારોની ચૂંટણી આવે છે તેમ તેમ રાજ્યો ખેડૂતોના દેવા માફ કરીને વોટબેંકની રાજનીતિ કરી રહ્યા છે. દેવા માફીનો બોજો રાજ્ય સરકારના બજેટ પર આવી રહ્યો છે, અને દેશની ઈકોનોમી પર લાંબાગાળે વિપરીત અસર પડી શકે છે.

પણ હવે રાજ્ય સરકારોએ અને કેન્દ્ર સરકારે ખેડૂતોને ઉપજની પ્રોપર કીમત મળી રહે તે માટેના પગલા લેવા અંગે વિચારવાની તાતી જરૂરિયાત છે. અન્ય વિકલ્પોની ખેડૂતો સાથે ચર્ચા કરીને અમલવારી કરી શકાય. ખેડૂત શુ ઈચ્છે છે, તેમનો પણ વિચાર જાણવો જોઈએ. ટેકાના ભાવમાં વધારો કરવો, અથવા આયાત નિકાસની પૉલીસીની સમીક્ષા કરવી જોઈએ, જેથી ખેડૂતની કૃષિ ઉપજ વિદેશ જાય, અને તેઓ તેમની ઉપજનુ વધુ વળતર મેળવી શકે. આવા અનેક વિકલ્પો પર ડીબેટ જરૂરી છે. દેશને આર્થિક રીતે સધ્ધર બનાવવો હશે તો સબસીડી અને દેવા માફી બંધ કરવા જ રહ્યા.