રોલ્સ-રોયસ કલિનનઃ કિંમત છે રૂ. 6.95 કરોડ

બ્રિટિશ લક્ઝરી કાર ઉત્પાદક કંપની રોલ્સ રોયસે તેની પ્રથમ એસયૂવી મોડેલની કાર રોલ્સ રોયસ કલિનનને ભારતમાં લોન્ચ કરી દીધી છે. એની કિંમત છે રૂ. 6.95 કરોડ (એક્સ-શોરૂમ, ભારત).

કલિનન કાર એલ્યુમિનિયમ સ્પેસફ્રેમ ચેઝીસ પર આધારિત છે. આ કાર ચાર અને પાંચ-બેઠકના કન્ફિગ્યુરેશન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.

રોલ્સ રોયસ કલિનન 6.75 લીટર V12 એન્જીન દ્વારા સંચાલિત છે. એન્જીન નવી ઓલ-વ્હીલ-ડ્રાઈવ સિસ્ટમ મારફત ચારેય પૈડાંને વિદ્યુત પૂરવઠો મોકલે છે.

વધુમાં, કલિનનમાં રીઅર એક્ઝલ સ્ટીયરિંગ છે અને એર સસ્પેન્શન સિસ્ટમ પણ એમાં બેસાડેલી છે તેથી ડ્રાઈવ કરવા માટે ખૂબ કમ્ફર્ટેબલ છે.

ફ્રન્ટ ભાગમાં, કલિનનમાં મોટા ક્રોમ ગ્રિલ અને રેક્ટેન્ગ્યુલર LED હેડલેમ્પ્સ છે. પાછળના ભાગમાં, સ્પ્લિટ ટેઈલગેટ, રેક્ટેન્ગ્યુલર LED ટેઈલલાઈટ્સ, ટ્વિન ક્રોમ એક્ઝોસ્ટ્સ છે.

કદની દ્રષ્ટિએ, કલિનન લંબાઈમાં 5,341 એમએમ છે જ્યારે 2,000 એમએમ એની પહોળાઈ છે અને એની ઉંચાઈ છે 1,835 એમ.એમ. કારનું વજન 2,660 કિલોગ્રામ છે. એનો વ્હીલબેઝ આશરે 3,295 એમએમ છે.

કારની બૂટ ક્ષમતા 560 લીટરની છે અને પાછળની સીટને નીચી કરીને એની ક્ષમતા 1,930 લીટર સુધી વધારી પણ શકાય છે. બૂટને ઈલેક્ટ્રોનિકલી ઊંચું કરીને એક ફ્લેટ ફ્લોર પણ બનાવી શકાય છે. આ કારની ડિઝાઈનની ખાસ વિશેષતા છે.

ઈન્ટીરિયરની વાત કરીએ તો, કલિનનમાં લેધરનું બનાવેલું ડેશબોર્ડ છે. પાછળની સીટ પર બેઠેલાઓને રીઅર પાર્ટિશન વોલ મળે છે જે લગેજ એરિયાને અલગ પાડે છે.

રોલ્સ રોયસ કલિનનની અન્ય વિશેષતાઓ આ છેઃ એલર્ટનેસ આસિસ્ટન્ટ, હેલિકોપ્ટર વ્યૂ સાથેનો પેનોરેમિક કેમેરા, કોલિઝન વોર્નિંગ, એક્ટિવ ક્રૂઝ કન્ટ્રોલ, ક્રોસ-ટ્રાફિક વોર્નિંગ, લેન ડીપાર્ચર અને લેન ચેન્જ વોર્નિંગ.