દેશમાં નમો નમોઃ હવે ખરી પરીક્ષાના મુ્દ્દા મ્હોં ફાડી રહ્યાં છે….

ભાજપે લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી છે, હવે કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતીવાળી સરકાર રચાશે, જેથી દેશમાં અનેક નવા કામ અને નવો આર્થિક વિકાસ વધુ શક્ય બનશે. વિદેશી રોકાણ પણ ભારત તરફ વધુ આવશે. કેમ કે ભારતમાં બહુમતીવાળી સરકારથી એક પ્રકારના વિશ્વાસનું વાતાવરણ સર્જાશે. છેલ્લાં ત્રણ મહિનાથી ભારતમાં લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ પડી ગઈ હોવાથી કોઈ નવા નિર્ણયો લઈ શકાયાં નથી. જેને પગલે આર્થિક રીતે આંકડા નેગેટિવ રહ્યાં છે. જો કે હવે દેશમાં નમો નમો થયું છે, પણ તેની સામે અનેક નવા આર્થિક પડકારોનો ખડકલો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નવા નાણાંપ્રધાન માટે હવેના પાંચ વર્ષનો રાહ વધુ કઠીન છે. વૈશ્વિક મુદ્દાઓ, અમેરિકાની દાદાગીરી, પાકિસ્તાન સરહદ પરની તંગદિલી, વધતું જતું સંરક્ષણ ખર્ચ, અમેરિકા-ચીન અને ઈરાન વચ્ચે તણાવની સ્થિતિ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યાં છે. ઈરાન પાસેથી તેલ ખરીદવા પર પ્રતિબંધ, અમેરિકા-ચીન વચ્ચેનું ટ્રેડવૉર તેમજ ઘરેલું ગંભીર સમસ્યાઓ વચ્ચે મોદી માટે રાજ કરવું અને દેશને નવો રાહ ચીંધવાનો સાચે જ પડકારજનક છે.એનડીએના સંકલ્પપત્રમાં બેરોજગારી, ગરીબી અને ભ્રષ્ટાચારને નાથવાની વાત કરી છે, હવે જોઈએ આર્થિક વિકાસની સાથે સ્થાનિક પ્રશ્નોને ઉકેલવા માટે મોદી સરકાર શું કરે છે, અને કેવી રીતે બેલેન્સ કરે છે. પણ મોદી સરકાર સામે અનેક નવા આર્થિક પડકારો છે. પણ મોદી હૈ તો મુમકીન હૈ… નો ચૂંટણીનો નારો અહીંયા પણ ફિટ બેસે છે.(1) અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર વધતું જાય છે, અને આ બન્ને દેશ વચ્ચે ખટાશ વધી છે. અને અમેરિકાએ ઈરાન પાસેથી તેલ ખરીદવા પર પ્રતિબંધ મુક્યો છે. તેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કીમતોમાં વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 68.50-69 ડૉલર પ્રતિ બેરલ પહોંચી ગયું છે. ક્રૂડના ભાવ વધ્યાં, પણ ભારતમાં લોકસભાની ચૂંટણીને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા અટકાવ્યાં હતાં, પણ હવે પરિણામો આવી ગયાં પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થશે. તેને કારણે મોંઘવારી વધશે. અત્યાર સુધી મોદી સરકાર મોંઘવારીને કાબૂમાં રાખી હતી. પણ છેલ્લા મહિનાથી મોંઘવારીનો દર વધ્યો છે. રીટેઈલ મોંઘવારી દર 2.86 ટકાથી વધી 2.92 ટકા થયો હતો. વાસ્તવમાં ખાદ્ય પદાર્થોના ભાવ ખાસ્સા વધ્યાં છે. હવે મોદી સરકારે પેટ્રોલડીઝલના ભાવ વધે તો પણ મોંઘવારીને કાબૂમાં રાખવી પડશે.

(2) ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે, જે ચિંતાની બાબત છે. ઉદ્યોગોને અર્થવ્યવસ્થાના પૈંડા મનાય છે. જેને કારણે તો રોજગાર પેદા થાય છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેકટરમાં સુસ્તી પ્રવેશી ગઈ છે, જેને કારણે જે દેશનું ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર(આઈઆઈપી) વીતેલા વર્ષે મહિનાની સરખામણીએ 0.1 ટકા ઘટ્યો હતો. સરકારી આંકડા મુજબ જોઈએ તો ઔદ્યોગિક ઉત્પાદન 21 મહિનાની સૌથી નીચી સપાટીએ જતું રહ્યું છે. નાણાકીય વર્ષ 2018-19માં ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર 3.6 ટકા જે પાછલા 3 વર્ષથી સૌથી નીચો રહ્યો છે. મોદી સરકારે હવે પછી ઔદ્યોગિક ઉત્પાદનનો આંક વધે તે માટે નિર્ણયો લેવા પડશે, અને નીતિ પણ બદલવી પડશે.

(3) છેલ્લાં ત્રણ મહિનામાં ડિમાન્ડ ઘટી છે. એપ્રિલમાં કારના વેચાણમાં 17 ટકાનો ઘટાડો આવ્યો છે, જે 8 વર્ષની નીચી સપાટીએ છે. ઔદ્યોગિત ઉત્પાદન ત્યારે જ ઘટાડવું પડે કે જ્યારે ડિમાન્ડ ઘટે. હવે મોદી સરકારે ડિમાન્ડમાં વધારો કરવો પડે તે માટે નાણાંની લીકવીડિટીમાં વધારો કરવો પડશે. તો જ લોકો વધુ ખર્ચ કરી શકે. મોદી સરકારે નીતિવિષયક નિર્ણયો લેવા પડશે.(4) દેશમાં આર્થિક વૃદ્ધિ દર(જીડીપી) નાણાકીય વર્ષ 2018-19માં ફકત 6.98 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. જે પાછલાં નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ રેટ 7.2 ટકા હતો. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વિશ્લેષણ મુજબ સરકારી ખર્ચમાં ઘટાડો થયો છે અને આયાત વધી છે, જેને કારણે જીડીપી વૃદ્ધિ દર અનુમાન કરતાં ઓછો રહેશે. જીડીપીએ દેશના અર્થવ્યવસ્થાને માપવાનું સૌથી મોટું સાધન છે. જેથી એમ કહી શકાય કે જીડીપી ઊંચો તેમ દેશની આર્થિક પ્રગતિ વધુ સારી. મોદી સરકારે જીડીપીને ઊંચો લાવવા માટે ડિમાન્ડ જનરેટ કરીને ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો કરવો પડશે.

(5) રીઝર્વ બેંકના કહેવા પ્રમાણે ફિકસ્ડ ડિપોઝીટ જેવા રોકાણોમાં વધારો થયો છે. બચત વધી પણ સરકારી ખર્ચામાં ઘટાડો થયો છે. માર્ચ સુધીમાં સરકાર ખર્ચ વધે છે, પણ આ વખતે રાજકોષીય ખાદ્યને લક્ષ્યને પુરુ કરવા માટે સરકારે પોતાના ખર્ચમાં ઘટાડો કર્યો હતો. હમણાં એક રીપોર્ટ પ્રસિદ્ધ થયો હતો જે અનુસાર ભારતીય ખાનગી ક્ષેત્રની અર્થવ્યવસ્થા ધીમી વૃદ્ધિ દરના દોરમાંથી પસાર થઈ રહી છે. તેનું એક કારણ ચૂંટણી હોવાનું સામે આવ્યું છે. હા નવી સરકાર રચાશે પછી કંપનીઓની સ્થિતિમાં સુધારો આવશે.

(6) નિકાસનો વૃદ્ધિ દર એપ્રિલમાં ચાર મહિનાના નીચા સ્તરે પહોંચી ગયો છે. તેને કારણે વેપાર ખાદ્ય પણ પાંચ મહિનાના ઊંચા સ્તરે પહોંચી ગયો છે. સત્તાવાર આંકડા જોઈએ તો એપ્રિલમાં આયાત 4.5 ટકા વધી 41.4 અબજ ડૉલર રહ્યું હતું, આયાત ઓછી વધી હતી પણ તે છ મહિનામાં સૌથી મોટો વધારો દર્શાવે છે. એપ્રિલમાં વેપાર ખાદ્ય 15.33 અબજ ડૉલર રહી હતી. જે એપ્રિલ 2018માં 13.72 અબજ ડૉલર હતી. આમ વેપાર ખાદ્ય વધીને સૌથી ઊંચા લેવલ પર પહોંચી ગઈ છે. હવે મોદી સરકારે નિકાસ વધારવા માટેના યોગ્ય પગલાં લઈને અથવા નિકાસ નીતિને સરળ કરવી પડશે.

(7) કરવેરાની આવક ઘટી છે, નાણાકીય વર્ષ 2018-19ના શરૂઆતના 11 મહિનામાં ભારતની રાજકોષીય ખાદ્ય બજેટના લક્ષ્યના 134.2 ટકા થઈ ગઈ છે. સીજીએના આંકડા અનુસાર વીતેલાં નાણાકીય વર્ષના શરૂઆતના 11 મહિનામાં રાજકોષીય ખાદ્ય આ વર્ષના લક્ષ્યના 120.3 ટકા થઈ હતી. હવે નવા નાણાકીય વર્ષ 2019-20માં રાજકોષીય ખાદ્ય 7.04 લાખ કરોડ રહેવાનું અનુમાન છે. જે સ્થાનિક ઉત્પાદનના 3.4 ટકા છે. મોદી સરકારે રાજકોષીય ખાદ્યને કાબૂમાં રાખવા માટે સરકારી ખર્ચ વધારવું પડશે. અને સરકારી ખર્ચ વધારવા માટે મોદી સરકારે નાણાં નીતિને બેલેન્સ કરવી પડશે, તે કેવી રીતે બેલેન્સ કરશે તે તેમની કસોટી હશે.

(8) દેશ પર દેવું વધતું જાય છે. તેને કાબૂમાં લેવું એ જ મોદી સરકાર માટે ખૂબ મોટી પરીક્ષા સમાન રહેશે. 2018ના એક રીપોર્ટ અનુસાર ભાજપ સરકારના કાર્યકાળમાં દેશ પર દેવું 49 ટકા વધી 82 લાખ કરોડ પહોંચી ગયું છે.

(9) મોદી સરકાર માટે સૌથી મોટો પડકાર છે બેરોજગારી… કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં બેરોજગારીને સૌથી મોટો મુદ્દો બનાવીને પ્રચાર કર્યો હતો. સત્ય હકીકત પણ છે કે મોદી રાજમાં બેરોજગારી વધી છે. ઈપીએફઓ અનુસાર ઓકટોબર 2018 એપ્રિલના અંત સુધીમાં સરેરાશ માસિક નોકરી સર્જનમાં 26 ટકાનો ઘટાડો નોંધાયો છે. નવી સરકારે નવી નોકરીઓ ઉભી થાય તે માટે ચોક્કસ નીતિ ઘડવી પડશે.

(10) ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેવાનો વરતારો થયો છે. 96 ટકા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જો વરસાદ ઓછો પડશે તો મોદી સરકારે વધુ સારી રીતે આગોતરું આયોજન કરવું પડશે, જેનાથી દેશમાં મોંઘવારી ન વધે. અને પાણીની અછતનો સામનો ન કરવો પડે.