મુંબઈ શેરબજાર છે વિશ્વનું ફાસ્ટેસ્ટ એક્સચેન્જ

એક સમયે જે ટેક્નોલોજી અપનાવવામાં મંદ ગતિવાળું હતું, તે મુંબઈ શેરબજાર (બોમ્બે સ્ટોક એક્સચેન્જ – BSE) છેલ્લા એક દાયકામાં અનેક પ્રકારનાં ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સનાં વિતરણ માટે સ્ફૂર્તિલા  ને આધુનિક ઢબના ઈ-કોમર્સ પ્લેટફોર્મમાં પરિવર્તિત થઈ ગયું છે.

કરન્સી ડેરિવેટિવ્સ, કોમોડિટી ડેરિવેટિવ્સ, બોન્ડ ડિસ્ટ્રીબ્યુશન, SME અને IPO જેવા અનેક સેગમેન્ટ્સમાં બીએસઈ તેનો માર્કેટ શેર ધીમે ધીમે વધારી રહ્યું છે. આ પરિવર્તન એણે સર્વોત્તમ ટેક્નોલોજી, ઉત્તમ સેવાઓ અને ઓછી કિંમત દ્વારા હાંસલ કર્યું છે.

164 વર્ષ જૂના મુંબઈ શેરબજારનું સંચાલન કરનાર મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર આશિષ ચૌહાણે ડીએનએને આપેલી એક મુલાકાતમાં એવા ખુશખબર આપ્યા કે બીએસઈ દુનિયામાં સૌથી ઝડપી એક્સચેન્જ છે.

ચૌહાણ 2009માં મુંબઈ શેરબજારમાં જોડાયા હતા.

સ્પર્ધા વિશે પૂછતાં, ચૌહાણે કહ્યું કે, હાલ વિશ્વમાં બીએસઈ ફાસ્ટેસ્ટ એક્સચેન્જ છે. અમારો રિસ્પોન્સ ટાઈમ છે 6 માઈક્રો સેકંડનો. બીજા નંબરે આવતા એક્સચેન્જ કરતાં અમે 10 ગણા વધારે ફાસ્ટ છીએ, એનો રિસ્પોન્સ ટાઈમ છે 60 માઈક્રો સેકંડનો. નવી નવી ટેક્નોલોજીઓ ઉપયોગમાં લેવાથી બીએસઈની ગ્રહણશક્તિમાં ઘણો જ સુધારો થયો છે. કરન્સી માર્કેટમાં અમારો માર્કેટ શેર વધ્યો છે. 2014માં જ્યાં અમે 0% હતા, ત્યાં આજે 50% થી વધુ સ્થાને આવી ગયા છીએ.

બજાર વિશે તમારું અનુમાન શું છે? એવા સવાલના જવાબમાં ચૌહાણે કહ્યું કે, ભારતનું માર્કેટ મૂલ્ય હાલ 2.2 ટ્રિલિયન ડોલરનું છે. 7-7.5%નો આર્થિક વિકાસ દર શેરબજારને વધારે ઝડપથી વૃદ્ધિ હાંસલ કરવામાં મદદરૂપ થશે. આવતા 15-16 વર્ષમાં અમે 8 ગણો વિકાસ સાધીશું. 2035 સુધીમાં 20 ટ્રિલિયન માર્કેટ કેપનાં લક્ષ્યાંકને સિદ્ધ કરવાની દિશામાં અમે અગ્રેસર છીએ.

મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસમાં વિકાસ અંગે ચૌહાણે કહ્યું કે, અમે વર્ષ-થી-વર્ષના ધોરણાનુસાર 100%ના દરે વૃદ્ધિ હાંસલ કરી રહ્યાં છીએ. 10 વર્ષમાં પહેલી જ વાર, હવે અમે ચાર્જ લેવાનું શરૂ કર્યું છે અને વર્ષ 2018-19માં રૂ. 30 કરોડની આવક મેળવી છે. માર્ચમાં અમે 37 લાખ સોદાઓ કર્યા હતા અને એપ્રિલમાં એ આંક વધીને 43 લાખ સોદાઓનો થયો હતો. ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસમાં અનેક નવીનતા અપનાવવાથી ઘણા નવા ક્લાયન્ટ્સ જોડાયા છે.