રાજેશ ખન્નાની ‘હાથી મેરે સાથી'(૧૯૭૧) અનેક બાબતે ઉલ્લેખનીય ફિલ્મ બની રહી હતી. નવાઇની વાત એ છે કે તમિલમાં નિષ્ફળ રહેલી ફિલ્મ ‘દેવા ચેયલ’ પરથી નિર્દેશક એમ.એ. તિરુમુગમે તેને હિન્દીમાં બનાવી હતી. ફિલ્મને હિન્દીમાં એટલી સફળતા મળી કે કોઇ દક્ષિણ ભારતીય નિર્માતા દ્વારા હિન્દીમાં બનેલી સૌથી સફળ વ્યવસાયિક ફિલ્મ ગણવામાં આવી. એમાં કમાલ કોઇ એક વ્યક્તિનો ન હતો. આનંદ બક્ષીના ગીતો, લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત, રાજેશ ખન્ના-તનુજાનો અભિનય અને પહેલી વખત સાથે કામ કરતી લેખક જોડી સલીમ-જાવેદનો પણ ફાળો હતો. તેમણે એક ફ્લોપ ફિલ્મની વાર્તા માટે એવી પટકથા લખી કે ફરી એના પરથી જ નિર્દેશક એમ.એ. તિરુમુગમે ‘નલ્લા નેરમ’ નામથી તમિલમાં તેની રીમેક બનાવી. તે એવી હિટ રહી કે તમિલનાડુમાં સતત એકસો દિવસ સુધી ચાલી હતી.
‘હાથી મેરે સાથી’ માં કુલ છ ગીત છે. એ બધાં લોકપ્રિય થયા છે. ત્યારે એ વાત પર ઓછા લોકોનું ધ્યાન ગયું હશે કે છમાંથી પાંચ ગીત કિશોરકુમારના અવાજમાં છે. કિશોરકુમારે ગાયેલા ‘ચલ ચલ ચલ મેરે સાથી’, ‘દિલબર જાની’, ‘મેહરબાનોં કદરદાનોં’, ‘સુન જા આ ઠંડી હવા’ અને ‘ધક ધક કૈસે ચલતી હૈ ગાડી’ લોકપ્રિય રહ્યા છે. છઠ્ઠું ગીત ‘નફરત કી દુનિયા કો છોડ કે, પ્યાર કી દુનિયા મેં, ખુશ રહના મેરે યાર’ એમણે ગાવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે સંગીતકારની અપેક્ષા મુજબ એમાં દર્દના ભાવ આવી શકતાં ન હતા. આ ગીતમાં જે દર્દ આવવું જોઇએ એ સંગીતકાર પ્યારેલાલને કિશોરદાના અવાજમાં અનુભવાતું ન હતું. અસલમાં આ ગીતના શબ્દો પરથી જ પહેલાં ફિલ્મનું નામ ‘પ્યાર કી દુનિયા’ રાખવામાં આવ્યું હતું, પરંતુ હાથીની વાર્તા હોવાથી ‘હાથી મેરે સાથી’ કરવામાં આવ્યું.
કિશોરદાએ ઘણી વખત ગીતને ગાઇ જોયું. પ્યારેલાલને એમના અવાજમાં જે જોઇતું હતું એ મળતું ન હતું. અંતે પ્યારેલાલ ફિલ્મમાં ગીત રાખવાના પક્ષમાં ન હતા. જ્યારે લક્ષ્મીકાંતજી, નિર્દેશક તિરુમુગમ અને રાજેશ ખન્ના ગીત રાખવા માગતા હતા. તેઓ ગીતને ફિલ્મનું મોટું ગીત માનતા હતા. આનંદ બક્ષીનું કહેવું હતું કે આ ગીત ફિલ્મની આત્મા છે. એને છોડી ના શકાય. કહેવાય છે કે ખુદ કિશોરકુમારે પછી આ ગીત મોહમ્મદ રફીના અવાજમાં રેકોર્ડ કરવાનું સૂચન કર્યું. તેમનું માનવું હતું કે મોહમ્મદ રફી આ ગીતને યોગ્ય રીતે ગાઇને પૂરો ન્યાય આપી શકશે. આખરે મોહમ્મદ રફીનો સંપર્ક કરવામાં આવ્યો. તેમણે તરત જ હા પાડી દીધી. મોહમ્મદ રફીએ એવું ના વિચાર્યું કે બધાં ગીતો અન્ય ગાયકે ગાયા છે તો એક ગીત હું શા માટે ગાઉં? તેમણે બહુ દિલથી ગીત ગાયું. ગીતને એવા દર્દ સાથે ગાયું કે રાજેશ ખન્નાના અભિનય સાથે તેને સાંભળીને દર્શકોની આંખો ભીની થઇ ગઇ. ફિલ્મમાં ક્લાઇમેક્સ વખતે આ ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો. ગીતના ‘ઇક જાનવર કી જાન આજ ઇન્સાનોંને લી હૈ…..ચૂપ ક્યૂં હૈ સંસાર…’ શબ્દોમાં મોહમ્મદ રફીના અવાજનું દર્દ વધારે સ્પર્શી જાય એવું છે.
(રાકેશ ઠક્કર, વાપી)