૧૯૫૭ માં આવેલી ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ બધાંને ફક્ત યાદ જ છે એવું નથી, તેની સાથે જોડાયેલી ઘણી વાતોની જાણકારી ય છે.
જો કે એ વર્ષે રજૂ થયેલી નરગીસની એવા જ નામવાળી ફિલ્મ ‘મિસ ઇન્ડિયા’ વિશે બહુ ઓછા સિનેમાપ્રેમીઓ જાણતા હશે. મહેબૂબ ખાનની ‘મધર ઇન્ડિયા’ ની સ્ટારકાસ્ટ કેવી રીતે નક્કી થઇ, એમાં દિલીપકુમારની જગ્યાએ સુનીલ દત્ત કેમ આવ્યા, સેટ પર લાગેલી આગમાં સુનીલે નરગીસને બચાવ્યા અને પછી તેમણે લગ્ન કર્યા વગેરે અનેક વાતો સિનેમાના ઇતિહાસમાં વાંચવા મળે છે, જ્યારે ‘મિસ ઇન્ડિયા’ તેની સાથે બનેલી હોવા છતાં ભૂલાઇ ગઇ છે. તેનું એકમાત્ર કારણ એ હતું કે આ ફિલ્મ ફ્લોપ રહી હતી.
મહેબૂબ ખાને ‘મધર ઇન્ડિયા’ બનાવવાનું વિચાર્યું ત્યારે એ ટાઇટલ ૧૯૩૮માં બાબા ગુંજાલના નિર્દેશનમાં આ નામથી ફિલ્મ બની હોવાથી એમની પાસે હતું. ૧૯૫૫ સુધીમાં એ ફિલ્મને સત્તર વર્ષ થઇ ગયા હોવાથી સતત ટાઇટલ રજીસ્ટર કરાવવાનું તે ચૂકી ગયા હતા. એ વાતનો લાભ મહેબૂબ ખાને લીધો હતો. ટાઇટલ તો મળી ગયું પણ જ્યારે ખબર પડી કે એમની હીરોઇન એવા જ નામવાળી બીજી એક ફિલ્મ ‘મિસ ઇન્ડિયા’ માં કામ કરી રહી છે ત્યારે તે ચોંકી ગયા.
અલબત્ત, બંને ફિલ્મોના વિષય વચ્ચે જમીન-આસમાનનો ફરક હતો. બંનેમાં નરગીસની ભૂમિકા અલગ હતી. છતાં બનતું એવું કે બંને ફિલ્મોની ખબર અને જાહેરાતો સાથે જ આવતી હોવાથી દર્શકો પણ ગૂંચવાતા હતા.
‘મિસ ઇન્ડિયા’ના નામ પરથી કોઇને એમ જ લાગે કે એ સૌંદર્યસ્પર્ધાની વાર્તાવાળી કોઇ ફિલ્મ હશે. પરંતુ તેના નિર્માતા-નિર્દેશક અને લેખક આઇ.એસ. જોહર છે એવી ખબર પડે ત્યારે અંદાજ આવી જાય કે હાસ્યપ્રધાન હશે. ફિલ્મમાં નરગીસની ભૂમિકા એક વકીલની હતી. એ સાથે તેને ટોમબોય જેવા અંદાજમાં પણ રજૂ કરવામાં આવી હતી. નરગીસે ફિલ્મના કેટલાંક દ્રશ્યોમાં રૂપ બદલીને ‘રામુ’ નામના છોકરાનો અવતાર ધારણ કર્યો હતો. ફિલ્મના નામને સાબિત કરવા છેલ્લા દ્રશ્યમાં એક સંવાદ આવે છે. કોર્ટના એ દ્રશ્યમાં જજસાહેબ વકીલ નરગીસને કહે છે કે, ‘આપ હિન્દુસ્તાન કી આદર્શ લડકી હૈ, હમારે ઇખ્તિયાર મેં હોતા તો હમ આપકો મિસ ઇન્ડિયા કા ખિતાબ દેતે.’
એ સમય પર મહેબૂબ ખાનને થયું કે ‘મિસ ઇન્ડિયા’ જેવા સરખા નામવાળી ફિલ્મને કારણે તેમની ‘મધર ઇન્ડિયા’ ને નુકસાન થશે. તેમણે નરગીસને ફિલ્મમાં ના લેવા જોહરને સમજાવ્યા અને એ સાથે નરગીસને પણ નીકળી જવા સમજાવી. નરગીસ વ્યવસાયિક કારણોસર જોહરની ફિલ્મ કરવાનો ઇન્કાર કરવા માગતી ન હતી. નરગીસને પોતાના અભિનય ઉપર એટલો ભરોસો હતો કે તે બંને અલગ ભૂમિકાઓને એક જ સમય પર ન્યાય આપી શકે એમ હતી. મહેબૂબ ખાન એ પછી થોડો સમય જોહરથી નારાજ રહ્યા. છેલ્લે જોહરના આમંત્રણથી અને નરગીસની ફિલ્મ હોવાથી ‘મિસ ઇન્ડિયા’ ના પ્રિમિયરમાં હાજર રહ્યા હતા. ‘મિસ ઇન્ડિયા’ ના સાત મહિના પછી ‘મધર ઇન્ડિયા’ રજૂ થઇ અને એટલી મોટી સફળતા મેળવી કે ઇતિહાસમાં અમર થઇ ગઇ છે. અલબત્ત, નરગીસે ‘મિસ ઇન્ડિયા’માં અભિનય બાબતે કોઇ કસર બાકી રાખી ન હતી.
(રાકેશ ઠક્કર- વાપી)