હેમાને ‘મીરા’માં વાણી મળ્યાં

લતા મંગેશકર પોતાના સિધ્ધાંતોમાં કેટલા અડગ રહેતા હતા એનો અનુભવ હેમા માલિનીને ૧૯૭૯ ની ફિલ્મ ‘મીરા’ વખતે થયો હતો. નિર્માતા પ્રેમજી ઘણા સમયથી હેમા સાથે ફિલ્મ બનાવવા માગતા હતા. એમની પાસે એક-બે સ્ક્રિપ્ટ હતી તે હેમાને પસંદ આવી ન હતી. પ્રેમજીને જ્યારે ‘મીરા’ નો વિચાર આવ્યો ત્યારે પહેલાં હેમાને વાત કરી. હેમા તૈયાર થઇ ગયા અને એમણે ગુલઝારના નિર્દેશનમાં ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી.

‘મીરા’ નાં નિર્માણમાં ઘણી અડચણો આવી. ફિલ્મનું શૂટિંગ તો શરૂ કરી દીધું, પણ કોઇ હીરો મળી રહ્યો ન હતો. તેનું કારણ એ હતું કે ‘રાણા સાહેબ’ ની ભૂમિકામાં મોટા કોઇ હીરોને રસ પડતો ન હતો. કેમ કે ‘મીરા’ એક હીરોઇનપ્રધાન ફિલ્મ ગણાતી હતી. બીજું કારણ એ હતું કે સાહિત્યમાં એ પુરુષ પાત્રનું આલેખન નબળું ગણાતું હતું. આખરે ગુલઝારે પોતાની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘મેરે અપને’ માં કામ કરનાર વિનોદ ખન્નાને વાત કરવી પડી. વિનોદ ખન્નાએ જૂના સંબંધને કારણે હા પાડી દીધી.

આ ફિલ્મમાં શમ્મી કપૂરે હેમાના પિતાની ભૂમિકા નિભાવી. એ કારણે હેમાને નુકસાન એ થયું કે તેની સાથે ‘અંદાજ’ જેવી ફિલ્મમાં હીરો બન્યા પછી ‘મીરા’ ને કારણે ફરી કોઇએ તેમને હીરો-હીરોઇન તરીકે સાઇન કર્યા નહીં. ‘મીરા’ એક ઐતિહાસિક ફિલ્મ હતી. તેનો ખર્ચ વધી રહ્યો હતો. નિર્માતા પ્રેમજીને થયું કે તે હેમાની વધારે ફીનો ખર્ચ વહન કરી શકશે નહીં. તેમણે હેમાને દૈનિક કામના આધાર પર રોજ ચુકવણું કરવાનો નિર્ણય કર્યો. હેમાએ એ સ્વીકારી લીધું.

પણ હેમાને ‘મીરા’ નાં ગીતો માટે ગાયિકા બાબતે સમાધાન કરવાનું આવ્યું એનો સ્વીકાર થતો ન હતો. પ્રેમજીએ ફિલ્મના સંગીતકાર તરીકે લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને ગાયિકા તરીકે લતા મંગેશકરને નક્કી કર્યા હતા, પરંતુ લતાજીએ ફિલ્મના ગીતો ગાવાની ના પાડી દીધી. લતાજીનું કહેવું હતું કે તેમણે થોડા સમય પહેલાં જ મીરાબાઇના ભજનોનું એક આલબમ તૈયાર કરાવ્યું હતું. હવે તે ફિલ્મ ‘મીરા’ માટે એ જ ભજનો ગાય તો તેમના કામનું પુનરાવર્તન થાય. તે પોતાના સ્વરમાં એક સરખા ગીતો ફરી ગાવા માગતા ન હતા. લતાજીએ ના પાડ્યા પછી હેમાને આંચકો લાગ્યો હતો. તે પોતે લતાજીને મનાવવા ગયાં, પણ પોતાના સિધ્ધાંતને પકડી રાખી લતાજીએ ના પાડી દીધી. હેમાની પહેલી ફિલ્મ ‘સપનોં કા સૌદાગર’ ના ગીતો લતાજીએ જ ગાયા હતા. ત્યારથી હેમા પોતાના ગીતોમાં લતાજીના અવાજ વગર અભિનય-નૃત્યની કલ્પના કરી શકતી ન હતી. લતાજીએ ગુલઝારની ‘કિનારા’ માં હેમા માટે ગીતો ગાયાં હતાં.

પરંતુ ગુલઝારની ‘મીરા’ માં તેમણે પોતાના સિધ્ધાંતોને છોડવાનો ઇન્કાર કર્યો. લતાજીએ ના પાડ્યા પછી પ્રેમજીએ ગાયિકા વાણી જયરામને લીધાં અને સંગીત પંડિત રવિશંકર પાસે તૈયાર કરાવ્યું. અલબત્ત, વાણીએ હેમાને નિરાશ ના કર્યા. વાણી જયરામને ‘મીરા’ ના ‘મેરે તો ગિરધર ગોપાલ’ ગીત માટે ‘શ્રેષ્ઠ ગાયિકા’ નો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો હતો. હેમા માલિનીનું પણ ‘મીરા’ ના અભિનય માટે નામાંકન જરૂર થયું હતું. જોકે ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ નો એવોર્ડ એ વર્ષની ‘નોકર’ માટે જયા બચ્ચન લઇ ગયાં હતાં.

(રાકેશ ઠક્કર- વાપી)