ઋષિએ ગૂમાવ્યો પહેલો પ્રેમ

૧૯૭૩માં ડિમ્પલ કાપડિયા સાથેની પહેલી ફિલ્મ ‘બોબી’ આવી ત્યારે ઋષિ કપૂરને કલ્પના નહીં હોય કે એ જ વર્ષે રજૂ થયેલી ધર્મેન્દ્રની ‘યાદોં કી બારાત’ માં તારિક ખાન સામે કામ કરનાર હીરોઇન નીતૂ સિંહ સાથે પોતે લગ્ન કરશે. ‘બોબી’ જેટલી જ ‘યાદોં કી બારાત’ હિટ અને લોકપ્રિય રહી હતી. એમાં ઝિનત અમાન મુખ્ય હીરોઇન હતી. પરંતુ નીતૂનું ગ્લેમરસ રૂપમાં તૈયાર થયેલું ગીત ‘લેકર હમ દીવાના દિલ’ લોકપ્રિય રહ્યું હતું. એ ગીતથી જ નીતૂ વધારે જાણીતી થઇ.

નીતૂએ નાની ઉંમરે ‘બેબી સોનિયા’ તરીકે રાજેન્દ્રકુમાર-વૈજયંતિમાલાની ફિલ્મ ‘સૂરજ’ થી અભિનય કારકિર્દી શરૂ કરી દીધી હતી. એ પછી દસ લાખ, દો કલિયાં, પવિત્ર પાપી જેવી ફિલ્મોમાં કામ કર્યું. ખરેખર તો ૧૯૭૩માં જ નીતૂની હીરોઇન તરીકે આવેલી પહેલી ફિલ્મ ‘રિક્ષાવાલા’ ની નોંધ વધારે લેવાવી જોઇતી હતી. નિર્દેશક કે. શંકરની રણધીર કપૂર સાથેની તમિલની હિન્દી રીમેક ‘રિક્ષાવાલા’ ને સફળતા ના મળી એટલે નિર્દેશક નાસિર હુસેનની ‘યાદોં કી બારાત’ ને કારણે નીતૂ ચર્ચામાં રહી હતી.

એ વર્ષની સફળ ફિલ્મ ‘બોબી’ માં સાથે કામ કર્યા પછી ઋષિ અને ડિમ્પલના અફેરની વાત ઉડી હતી. ઋષિ કપૂર તો એ પહેલાંથી યાસમીન મહેતા નામની પારસી છોકરીના પ્રેમમાં હતા. ડિમ્પલ સાથેના અફેરની વાતોની અસર તેમના સંબંધ પર થઇ અને યાસમીને સાથ છોડી દીધો. એક મેગેઝીને ઋષિ-ડિમ્પલના અફેરના ખબર છાપ્યા પછી યાસમીને સંબંધ તોડ્યો હતો. ડિમ્પલે તો એ જ વર્ષે રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતા. એ પછી પણ યાસમીને ઋષિને છોડી દીધો હતો.

યાસમીને આપેલી વીંટીનો એક દિલચસ્પ કિસ્સો ઋષિએ પોતાની આત્મકથામાં કહ્યો છે. ઋષિને યાસમીને પ્રેમની યાદગીરી તરીકે એક વીંટી પહેરાવી હતી. જેના પર શાંતિનું ચિહ્ન હતું. ‘બોબી’ ના શુટિંગ વખતે ડિમ્પલને એ વીંટી પસંદ આવી ગઇ અને તેણે ઋષિના હાથમાંથી કાઢીને પોતાની આંગળી પર પહેરી લીધી હતી. ‘બોબી’ ના શુટિંગના દિવસોમાં જ રાજેશ ખન્નાની મુલાકાત ડિમ્પલ સાથે થઇ. બંને વચ્ચે પ્રેમ પાંગરવા લાગ્યો. એક વખત જ્યારે રાજેશ ખન્નાએ પોતાના પ્રેમનો એકરાર કરવા ડિમ્પલનો હાથ પોતાના હાથમાં લીધો ત્યારે તેની આંગળીમાં ઋષિની વીંટી દેખાઇ. રાજેશને ડિમ્પલના હાથમાં એ વીંટી ગમી નહીં. રાજેશે એ વીંટી ઉતારીને પોતાના ઘર નજીકના દરિયામાં ફેંકી દીધી હતી. એ સમયની ફિલ્મી પત્રિકાઓમાં આ વાતને આધાર બનાવીને એવું છાપવામાં આવ્યું હતું કે રાજેશ ખન્નાએ ઋષિના પ્રેમની વીંટી ફેંકી દીધી. ડિમ્પલ વચ્ચેના અફેરની વાતોને ઋષિએ આત્મકથામાં નકારીને કહ્યું છે કે સત્ય એ હતું કે મને તેના પ્રત્યે ઉંમર સહજ આકર્ષણ હતું પરંતુ પ્રેમ ન હતો.

યાસમીન પછી ઋષિને નીતૂ સિંહ સાથે પ્રેમ થયો. ‘બોબી’ પછીના વર્ષે જ ઋષિની નીતૂ અને મૌસમી ચેટર્જી સાથે ‘ઝહરીલા ઇન્સાન’ આવી. જે સફળ ના રહી. ૧૯૭૫ માં નીતૂ સાથે ‘રફુચક્કર’ આવી અને બંનેની જોડી હિટ થઇ ગઇ. એ પછી ‘ખેલ ખેલ મેં’ અને ‘કભી કભી’ માં કામ કર્યા પછી બંને વચ્ચે પ્રેમનું ચક્કર શરૂ થયું. જે એક ડઝન ફિલ્મો સાથે કર્યા પછી ૧૯૮૦માં લગ્ન સુધી પહોંચી ગયું હતું.

(રાકેશ ઠક્કર-વાપી)