દિલિપકુમાર બન્યા મનોજકુમારના મસીહા

દિલીપકુમારના અભિનયને કારણે યાદગાર ગણાતી ૧૯૬૮ ની ફિલ્મ ‘આદમી’ માં મનોજકુમારની ‘ડૉ.શેખર’ ની ભૂમિકા ઘણી વખણાઇ હતી.

પરંતુ જો દિલીપકુમારે ‘આદમી’ માટે મનોજકુમારનો આગ્રહ ના રાખ્યો હોત તો એ ભૂમિકા ફિરોઝ ખાન લઇ ગયા હોત. નિર્માતા પી.એસ. વીરપ્પાએ એક તમિલ ફિલ્મની રીમેક ‘આદમી’ માટે નિર્દેશક તરીકે એ. ભીમસિંઘને સાઇન કરી મુખ્ય ભૂમિકાઓમાં દિલીપકુમાર, વહીદા રહેમાન અને મનોજકુમારને પસંદ કર્યા એની ખબર ફિરોઝ ખાનને પડી. ફિરોઝને એ તમિલ ફિલ્મ પસંદ હતી. તે એની રીમેકમાં કામ કરવા માગતા હતા. ફિલ્મની જાહેરાત થયા પછી ફિરોઝે ‘આદમી’ ના નિર્માતા અને નિર્દેશક બંનેને એ વાતે રાજી પણ કરી લીધા કે મનોજકુમારની જગ્યાએ એમને લેવામાં આવે. આ વાતની ખબર દિલીપકુમારને પડી ત્યારે એ નારાજ થયા. તેમનું માનવું હતું કે મનોજકુમારને ફિલ્મમાંથી કાઢવામાં આવે તો એ તેને અન્યાય થયો કહેવાશે. મનોજકુમારને કાઢવાના નિર્ણય કરતાં ફિરોઝ ખાનની લાગવગથી દિલીપકુમાર વધારે નારાજ થયા હતા. તેમણે નિર્માતાને ચીમકી આપી દીધી કે જો મનોજકુમાર કામ નહીં કરે તો પોતે પણ ફિલ્મ છોડી દેશે. નિર્માતાએ દિલીપકુમારની વાત માનવી પડી અને ‘આદમી’ માં મનોજકુમાર જ રહ્યા.

ફિલ્મ બનતી હતી ત્યારે નિર્દેશક એ.ભીમસિંઘની તબિયત સારી ન હોવાથી થોડા ભાગનું નિર્દેશન મનોજકુમારે કર્યું હોવાનું કહેવાય છે. આ ફિલ્મથી મનોજકુમારની ક્ષમતાને ઓળખી ગયેલા દિલીપકુમારે ‘ક્રાંતિ’ માં એમના નિર્દેશનમાં કામ કરવાની વાત કરી ત્યારે હા પાડી દીધી હતી. ‘આદમી’ ની સફળતામાં તેના સંવાદ અને નૌશાદના સંગીતમાં તૈયાર થયેલા ગીતોનો ફાળો મોટો હતો. આ ફિલ્મનું ગીત ‘આજ પુરાની રાહોં સે…’ ખૂબ લોકપ્રિય થયું હતું. બીજું ગીત ‘કૈસી હસીન આજ બહારોં કી રાત હૈ…’ દિલીપકુમાર અને મનોજકુમાર પર ફિલ્માવવામાં આવનાર હતું. આ ગીતને મોહમ્મદ રફી અને તલત મહેમૂદના અવાજમાં તૈયાર કરવામાં આવ્યું હતું.

 

પરંતુ તે સમયની એક વિવાદાસ્પદ વાત એ રહી કે મનોજકુમારને લાગ્યું હતું કે તલત મહેમૂદની જગ્યાએ બીજા કોઇનો અવાજ લેવો જોઇએ. અને એ ગીત મહેન્દ્ર કપૂર પાસે ફરી ગવડાવવામાં આવ્યું હતું. મહેન્દ્ર કપૂરનું મોહમ્મદ રફી સાથેનું એ પહેલું અને છેલ્લું ગીત બની રહ્યું. મો.રફી અને મહેન્દ્ર કપૂર વચ્ચે ગુરુ-શિષ્ય જેવો સંબંધ હતો. મહેન્દ્ર ૧૩ વર્ષના હતા ત્યારે દિલીપકુમારની ‘જુગ્નુ’ ફિલ્મના ગીતો સંભળીને મો.રફીને પોતાના ગુરૂ બનાવ્યા હતા. મહેન્દ્રએ મુંબઇ આવીને એક સ્પર્ધામાં મો.રફીનું બિનફિલ્મી ગીત ગાઇને જીત મેળવી હતી. અને ફિલ્મોમાં ગાવાની તક મેળવી હતી. ગાયક તરીકેની કાર્કિર્દીની શરૂઆતમાં જ મો.રફીએ મહેન્દ્રને કહ્યું હતું કે સંબંધ ના બગડે એ માટે સાથે ગાવું ના જોઇએ. પણ ‘આદમી’ ના એક ગીત માટે બંનેએ રાજી થવું પડ્યું. કેમકે બધાંને લાગતું હતું કે મનોજકુમાર પર તલત મહેમૂદનો અવાજ બંધબેસતો નથી. મહેન્દ્ર કપૂરે એ ગીત તલત મહેમૂદની પરવાનગી લઇને ગાયું હતું. વધારે રસપ્રદ વાત એ છે કે ૧૯૫૦ માં ‘બાબુલ’ માટે ગીતો ગવડાવ્યા પછી ૧૮ વર્ષ સુધી સંગીતકાર નૌશાદે તલત પાસે ગીત ગવડાવ્યું ન હતું. જે ૧૯૬૮ ની ‘આદમી’ માં ગવડાવ્યું. એ માટે એમ કહેવાય છે કે નૌશાદે ‘બાબુલ’ના રેકોર્ડિંગ વખતે તલત મહેમૂદને ધૂમ્રપાન કરતાં જોયા એ પછી તેમની સાથે કામ કરવાનું બંધ કર્યું હતું. ‘આદમી’ ના લોકપ્રિય ગીતોએ મનોજકુમારને લાભ કરાવ્યો. દિલીપકુમારને કારણે આ ફિલ્મ મનોજકુમાર માટે વધારે યાદગાર બની રહી.

(રાકેશ ઠક્કર- વાપી)